ઉત્તર પ્રદેશ, રાજસ્થાન બાદ હવે ગુજરાતનું બજેટ ટૂંક સમયમાં રજૂ થશે. રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ છે. એવામાં આજે વિધાનસભામાં બજેટસત્ર શરૂ થઇ રહ્યું છે. જો કે સત્ર શરૂ થયા બાદ વિધાનસભામાં એક દિવસની રજા રહેશે. આ રજા રાખવા પાછળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામનું કારણ જવાબદાર છે. એટલે કે ત્રીજી માર્ચે નીતિન પટેલ બજેટ રજૂ કરશે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર બપોરે 12 વાગ્યે શરૂ થશે. સત્રની શરૂઆતમાં રાજ્યપાલ સંબોધન કરશે ત્યારબાદ શોક પ્રસ્તાવ પાસ કરવામાં આવશે. આજના દિવસે માત્ર એક જ સત્ર મળશે.
બીજી બાજુ બજેટ સત્રમાં વિરોધ પક્ષ દ્વારા ધાંધલ ધમાલ કરવામાં આવે તેવું જણાઇ રહ્યું છે. વધી રહેલી મોંઘવારી મુદ્દે સત્તાપક્ષને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. મળતી માહિતી પ્રમાણે વિધાનસભા સ્વર્ણિમ સંકુલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે 141 પોલીસ જવાનો ચુસ્ત બંદોબસ્તમાં રહેશે. વિધાનસભામાં 1 DySP, 4 PI અને 8-PSI તૈનાત કરાશે. જ્યારે વિધાનસભા બહાર 2-SP, 10 DySP અને 350 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે.