- ભેસ્તાન રેલ્વે ઓવરબ્રીજ પર ટ્રાફિક અડચણરૂપ તથા ભયનો માહોલ જેવો વિડીયો બનાવા મામલે
- વિડીયો વાયરલ થતા ભેસ્તાન પોલીસે વાયરલ કરનાર ઈસમોની તપાસ શરૂ કરી
- સમગ્ર ઘટનામાં પોલીસે 11 લોકોની અટકાત કરી કાયદાનું ભાન કરાવ્યું
સુરતના ભેસ્તાન વિસ્તારમાં સોશ્યલ મીડિયામાં ફેમસ થવા માટે 11 યુવાનોએ જાહેરમાં ભયનું વાતાવરણ ઉભું કરતાં વિવાદ સર્જાયો હતો. આ તમામ યુવકોએ ભેસ્તાન શાલીમાર રેલવે ઓવરબ્રિજ પર રીલ બનાવામાં માટે દોડાદોડી કરીને વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો બાદ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા તમામની અટકાયત કરી છે.
રીલ્સ બનાવતી વખતે 11 યુવકોએ બ્રિજ પર દોડધામ કરી હતી. જેનાથી વાહનચાલકો ભયભીત થઈ ગયા અને પોતાનું વાહન રોકી દીધું. લગભગ 30 મિનિટ સુધી બ્રિજ પર આ યુવાનો લોકો માટે મુશ્કેલીના કારણ બની ગયા હતા. તેનાથી ટ્રાફિકમાં પણ અવરોધ સર્જાયો હતો. જેમજેમ આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થતો ગયો, તેમ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને રીલ બનાવનાર 11 ઇસમોને શોધી કાઢી તેમની અટકાયત કરી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે તમામ મજૂરી કામ કરે છે અને ફક્ત સોશ્યલ મીડિયામાં ફેમસ થવા માટે તેમણે આ કૃત્ય કર્યું હતું.
ભેસ્તાન પોલીસે તમામ 11 યુવકોને કાયદાનું ભાન કરાવ્યું હતું. ભવિષ્યમાં આવી ગેરકાયદેસર હરકતો નહીં કરવાની ચેતવણી આપી હતી. તમામ આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માગી છે.પોલીસે જાહેરમાં આવા કૃત્યો ન કરવા માટે યુવાનોને અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે જાહેરમાં શિસ્તભંગ કે ભયનો માહોલ ઉભું કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.