જોકે આવા સમયે સ્ટેન્ટ મુકાવીને ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી કે બાયપાસ સર્જરી કરાવવી એ એક મહત્વનો નિર્ણય હોય છે. આ નિર્ણય કેવળ ડોક્ટરો નથી લેતા, તેઓ દરદીનો કે તેના પરિવારનો મત પણ માગતા હોય છે. આવા સમયે એ નિર્ણય કઈ રીતે લેવો એ આજે જાણીએ
સાઉથ મુંબઈના સધ્ધર પરિવારમાં બાવન વર્ષનાં સવિતાબહેનને માઇનર હાર્ટ-અટેક આવ્યો. આખો પરિવાર તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ ગયો. ડોક્ટરે તપાસીને કહ્યું કે અટેક તો નાનકડો હતો, પરંતુ બ્લોકેજ ઘણું ફેલાયેલું દેખાઈ રહ્યું છે. ત્રણ જગ્યાએ બ્લોકેજ છે. એક જ નળીમાં બે બ્લોકેજ છે અને એની પાસેની નળીમાં ત્રીજું. ડોક્ટરે દરદીને વ્યવસ્થિત સમજાવ્યું કે આ પરિસ્થિતિમાં જો દવાઓ પર જ રહ્યાં તો મેજર અટેક આવવાની શક્યતા ૫૦-૬૦ ટકા જેવી રહે. માટે જરૂરી છે કે કોઈ તો પ્રોસીજર કરવી જ રહી જેમાં બે ઑપ્શન છે- એક સ્ટેન્ટ નાખવી હોય તો એ અને બીજો બાયપાસ સર્જરી. તમને શું કરવું છે એ નિર્ણય લઈ લો. પરિવારના લોકોએ ડોક્ટરને પૂછ્યું કે આમાં શું કરાય તો ડોક્ટરે કહ્યું કે બન્ને કરાવી શકાય. સ્ટેન્ટમાં ઓછી પ્રોસીજર છે. અત્યારે ઍન્જિયોગ્રાફી તો કરી જ છે એની સાથે ઍન્જિયોપ્લાસ્ટી થઈ જશે અને બાયપાસ એક સર્જરી છે.
ઘરના લોકોને પણ લાગ્યું કે ઓછી પ્રોસીજરવાળી વસ્તુઓ કરાવો તો સારું. સવિતાબહેન તો એટલાં ગભરાઈ ગયાં સર્જરીનું નામ સાંભળીને કે તેમને લાગ્યું કે કંઈ જ નથી કરાવવું. ડોક્ટરે તેમને વ્યવસ્થિત માહિતી આપી પછી તે તૈયાર થયાં. ડોક્ટરે સમજાવ્યું કે સવિતાબહેનને ત્રણ સ્ટેન્ટની જરૂર પડશે. આ ત્રણ સ્ટેન્ટ લગાવવાનો અને બાયપાસ સર્જરીનો ખર્ચ લગભગ સરખો હતો. ઊલટું સ્ટેન્ટનો ખર્ચ વધી જતો હતો, પરંતુ સવિતાબહેન અને તેમના પરિવારને ખર્ચ કરતાં એ વધુ યોગ્ય લાગ્યું કે પ્રોસીજર કરવી નહીં પડે એટલે તેમણે સ્ટેન્ટ નખાવવાનું જ પસંદ કર્યું. એક વર્ષ તો વાંધો ન આવ્યો, પરંતુ દોઢ વર્ષમાં જે જગ્યાએ સ્ટેન્ટ હતી એ જ નળીમાં બાજુમાં બીજું બ્લોકેજ ઊભું થઈ ગયું અને ફરી સ્ટેન્ટ નખાવવાની જરૂર ઊભી થઈ. ઘરમાં પ્રસંગ હતો એટલે સવિતાબહેને એક મહિનો સ્ટેન્ટ વગર જ કામ ચલાવવાનું કહ્યું. એક મહિના પછી ઍન્જિયોગ્રાફી ફરી કરવામાં આવી ત્યારે ખબર પડી કે એક નહીં, બીજી બે જગ્યાએ સ્ટેન્ટ નાખવી પડશે. આ વખતે સવિતાબહેનને ડોક્ટરે કહ્યું કે હવે તમે સ્ટેન્ટ રહેવા દો અને સર્જરી જ કરાવી લો. આમ ઍન્જિયોપ્લાસ્ટીના આશરે દોઢ વર્ષ પછી ફરીથી તેમણે બાયપાસ કરાવી. હવે તે ઠીક છે.
બ્લોકેજ હોય ત્યારે
હાર્ટ-અટેક અને હાર્ટમાં બ્લોકેજ આ બન્ને શબ્દો જાણે કે અત્યંત સામાન્ય થઈ ગયા છે. દરેક પરિવારમાં એક તો હાર્ટ-પેશન્ટ જોવા મળતો જ હોય છે. આ બાબતે વાત કરતાં વોકહાર્ટ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડો. પ્રતીક સોની કહે છે, જો અમુક ચિહ્નોને ઓળખી શકાય તો બ્લોકેજને અટેક આવતાં પહેલાં જ ઓળખી શકાય છે, પરંતુ જે લોકો ચિહ્નો ઓળખતાં નથી તેમને અટેક આવે છે. હાર્ટ-અટેકનું કારણ હાર્ટની નળીમાં આવતું બ્લોકેજ છે જેને લીધે હાર્ટને લોહી પૂરુંં પહોંચતું નથી અને હાર્ટ-અટેક આવે છે. અટેક આવે તો ભવિષ્યમાં ફરીથી અટેક ન આવે એ માટે બ્લોકેજને હટાવવું જરૂરી છે. જો અટેક આવતાં પહેલાંથી જ ખબર પડી જાય કે બ્લોકેજ છે તો એ બ્લોકેજને હટાવી અટેકને આવતો રોકી શકાય છે. આ બ્લોકેજને હટાવવા માટે આપણી પાસે અત્યારે બે પ્રકારની પ્રક્રિયા છે. એક સ્ટેન્ટ વાપરીને કરાતી ઍન્જિયોપ્લાસ્ટી અને બીજી બાયપાસ સર્જરી.
બન્નેમાં તફાવત
મોટા ભાગે સવિતાબહેનના કેસમાં જેમ થયું એમ ડોક્ટર બ્લોકેજ હોય ત્યારે તમને ચોઇસ આપે છે કે તમારે ઍન્જિયોપ્લાસ્ટી કરવી છે કે બાયપાસ સર્જરી. આ બન્ને વિશે સાધારણ રીતે સમજીએ તો ઍન્જિયોપ્લાસ્ટીમાં જે નળીમાં બ્લોકેજ છે એ નળીમાં બલૂન વાપરીને જગ્યા કરવામાં આવે છે અને એ બ્લોક થઈ ગયેલી નળી પર સ્ટેન્ટ બેસાડવામાં આવે છે જેનાથી બ્લોકેજ ખૂલી જાય છે અને લોહી સરળતાથી પસાર થઈ જાય છે. બાયપાસ સર્જરીમાં જે નળી પર બ્લોકેજ હોય છે એ નળી પર કંઈ ખાસ કરવામાં નથી આવતું, પરંતુ એની બાજુમાંથી એક બીજી નળી પસાર કરવામાં આવે છે જે જરૂરી લોહી હૃદય સુધી હોંચાડે છે. આમ ભવિષ્યમાં જે નળી બ્લોક છે એ વધુ બ્લોક થાય તો પણ હાર્ટને અસર નથી પહોંચતી.
ભવિષ્યમાં અટેક આવવાની શક્યતા
ઘણા લોકોને લાગે છે કે ઍન્જિયોપ્લાસ્ટી થઈ છે કે બાયપાસ સર્જરી કરી છે તો હવે ભવિષ્યમાં અટેક ન આવી શકે. એ હકીકત નથી. એ વિશે સમજાવતાં ડોક્ટરકહે છે, ઍન્જિયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી ભવિષ્યમાં આવનારા અટેકનું રિસ્ક ઘટાડે છે, પરંતુ રિસ્કને ખતમ નથી કરતી. રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે કે જો તમે મેડિસિન પર હો તો બીજો અટેક આવવાની શક્યતા ૧૨-૧૫ ટકા જેટલી રહે છે. જો ઍન્જિયોપ્લાસ્ટી કરાવી હોય તો આ શક્યતા ૬-૭ ટકા જેટલી રહે છે અને બાયપાસ સર્જરી કરાવી હોય તો આ શક્યતા ૧-૨ ટકા જેટલી રહે છે. આમ શક્યતા કે રિસ્ક ઘટાડી શકાય છે, પરંતુ એ સાવ દૂર કરી શકાતાં નથી.
ક્યારે બાયપાસ અને ક્યારે ઍન્જિયોપ્લાસ્ટી?
જ્યારે એ ઑપ્શન આવે કે ઍન્જિયોપ્લાસ્ટી કરવી છે કે બાયપાસ સર્જરી ત્યારે ડોક્ટરો કઈ રીતે નિર્ણય લેતા હોય છે અને જો એ દરદી પર નિર્ણય છોડવામાં આવે તો દરદીએ શું કરવું એનું માર્ગદર્શન આપતાં સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના કાર્ડિઍક સજ્ર્યન ડોક્ટરકહે છે, મોટા ભાગે જો એક જ નળીમાં બ્લોકેજ હોય તો ડોક્ટર સૂચવતા હોય છે કે સ્ટેન્ટ લગાવી શકાય. અને એ હકીકત છે કે એક જ નળીમાં એક કે બે બ્લોકેજ હોય તો સર્જરી સુધી જવાની કોઈ ખાસ જરૂરત નથી હોતી. આ પરિસ્થિતિમાં ઍન્જિયોપ્લાસ્ટી જ બરાબર છે. જો બ્લોકેજ એકથી વધુ નળીમાં ફેલાયેલું હોય તો સ્ટેન્ટ લગાવવાની સલાહ ડોક્ટરો નથી આપતા. આવા સમયે બાયપાસ કરાવવી વધુ યોગ્ય છે. આ સિવાય જો હૃદયની મુખ્ય ધમનીમાં જ બ્લોક હોય તો પણ ડોક્ટર મોટા ભાગે બાયપાસ કરવાનું જ સૂચવે છે, કારણ કે એ મેજર પ્રોબ્લેમ ગણવામાં આવે છે. બીજી એક તકલીફ એ છે કે જેના શરીરમાં બ્લોકેજ છે એનો અર્થ એ કે તેના શરીરની ટેન્ડન્સી એવી છે કે વધુ બ્લોકેજ બની શકે છે. મોટા ભાગે અમારો અનુભવએ કહે છે કે જે વ્યક્તિ સ્ટેન્ટ નખાવે છે એને એક-દોઢ વરસની અંદર ફરીથી બીજા બ્લોકેજને કારણે સ્ટેન્ટ નખાવવી પડે છે.
આમ જોવા જઈએ તો એ આ જ કારણે મોંઘી પણ પડે છે. જ્યારે એક વખત બાયપાસ સર્જરી કરી તો એ વ્યક્તિ બીજાં ૧૦-૧૫ વર્ષ માટે ફ્રી થઈ જાય છે. વળી બાયપાસ સર્જરીનો સક્સેસ રેટ લગભગ ૯૯ ટકા કહી શકાય. આમ રિસ્ક ફેક્ટર ઘણું જ ઓછું ગણી શકાય.