કોઈ પણ કારણોસર જ્યારે આ સ્નાયુબંધ તૂટે છે ત્યારે એ ભાગમાં પેઇન થાય છે, સોજો આવે છે અને એ ભાગની મૂવમેન્ટ બંધ થઈ જાય છે. જો હાથના ખભા પર થાય તો હાથ ઊંચો નથી થઈ શકતો અને જો પગની ઘૂંટી પાસે થાય તો ચાલવાનું બંધ થઈ જાય છે. આ પરિસ્થિતિ કોને, ક્યારે અને કયા સંજોગોમાં આવી શકે છે અને એનો ઇલાજ શું છે એ આજે સમજીએ

કેસ-૧ભાણેજનાં લગ્નમાં મલાડનાં ૪૮ વર્ષનાં ઇન્દુબહેન કોરિયોગ્રાફર પાસે ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યાં હતાં. એમાં કોઈ સ્ટેપમાં ગરબડ થઈ અને સીધાં બેસી જ ગયાં. અસહ્ય પેઇન ઉપાડ્યું. ખબર જ ન પડી કે આ અચાનક એવું શું થઈ ગયું. એટલી હદે ખરાબ હાલત થઈ કે ચલાતું જ નહોતું. ડોક્ટર પાસે ગયાં ત્યારે તેમણે MRIકરવાનું કહ્યું અને એમાં ખબર પડી કે ઘૂંટીથી ઉપરની બાજુનો ટેન્ડન એટલે કે સ્નાયુબંધ તૂટી ગયો છે. એટલી હદે હાલત ખરાબ થઈ કે સર્જરી કરાવવી પડી.

કેસ-૨૩૦ વર્ષની નીતા ઑફિસથી ઘરે જવા માટે હડબડીમાં પગથિયાં ઉતારવા ગઈ તો બે-ચાર પગથિયાં લપસી ગઈ અને એ અવસ્થામાં ઘૂંટી જમીન સાથે ઘસડાઈ અને ભયંકર પેઇન ઊપડ્યું. માંડ નીચે ઊતરી અને ઘરે પહોંચી ત્યાં સુધીમાં તો તેનો પગ સૂજીને દડા જેવો થઈ ગયો હતો. ડોક્ટર પાસે ગયા તો ખબર પડી કે સ્નાયુબંધ તૂટી જવાને કારણે આ પરિસ્થિતિ સરજાઈ છે. જોઈ શકાયું કે પ્રોબ્લેમ નાનો છે અને ચાર દિવસ પેઇનકિલરના ઇન્જેક્શન લઈને જોયું. થોડો ફરક પડ્યો એમ લાગ્યું તો ફિઝિયોથેરપી ચાલુ કરી અને હવે ઘણું સારું છે. બેસ્ટ એ કે સર્જરીની જરૂર ન પડી, ફિઝિયોથેરપીથી ઘણું કવર થઈ ગયું.

કેસ-૩૫૬ વર્ષના જાવેદભાઈ સ્કૂટર પરથી પડી ગયા અને તેમને ખભા પર માર વાગ્યો. ખભા પરનો સ્નાયુબંધ તૂટ્યો અને પીડા એટલી થતી હતી કે સહન જ ન થાય. ડોક્ટર પાસે ગયા ત્યારે તેમણે જોયું કે આ ભાઈ જાતે હાથ ઊંચો જ નહોતા કરી શકતા. કોઈ કરે તો હાથ ઊંચો થાય છે, પરંતુ એની મેળે તેમને કરવો હોય ત્યારે તે હાથ ઉપર નહોતા કરી શકતા. આખરે સર્જરી કરવી પડી.

કેસ-૪૪૦ વર્ષનાં જયાબહેન સોપારી કાપી રહ્યાં હતાં ત્યારે ધ્યાન ન રહ્યું અને અંગૂઠા પાસે કપાઈ ગયું. લોહી તો ખૂબ નીકળ્યું, પરંતુ ફક્ત સ્નાયુ જ નહીં એની સાથે સ્નાયુબંધ પણ કપાઈ ગયો. તાત્કાલિક હોસ્પિટલ ભાગવું પડ્યું અને સર્જરી પણ કરાવવી પડી.

આપણા શરીરમાં હાડકાં હોય છે અને સ્નાયુઓ પણ હોય છે, પરંતુ આ બન્નેને જોડતા અમુક ખાસ ટિશ્યુઝ હોય છે; જેને સ્નાયુબંધ કહે છે. એને અંગ્રેજીમાં ટેન્ડન કહે છે. શરીરમાં જેટલાં હાડકાં અને સ્નાયુઓ છે એને જોડતા એટલા જ ટેન્ડન છે, પરંતુ જ્યારે કોઈ પણ કારણોસર આ સ્નાયુબંધ તૂટી જાય ત્યારે શું હાલત થાય છે એ આજે સમજીએ.

કઈ રીતે તૂટે?

સ્નાયુબંધ શરીરમાં ઘણાબધા હોય છે, પરંતુ જે સ્નાયુબંધ તૂટી શકે છે અથવા જે સ્નાયુબંધ તૂટતા વધુ જોવા મળે છે એ સ્નાયુબંધ છે હાથના ખભાના સ્નાયુબંધ, પગની ઘૂંટી પાસેનો સ્નાયુબંધ અને ઘૂંટણનો સ્નાયુબંધ. આ ત્રણ સ્નાયુબંધ એવા છે જેમની તૂટવાની શક્યતા બીજા સ્નાયુબંધ કરતાં વધારે જોવા મળે છે. એમાં પણ જે દરદીઓ જોવા મળે છે એમાં સૌથી વધુ હાથના ખભાનો સ્નાયુબંધ અને પગની ઘૂંટીના સ્નાયુબંધના દરદીઓ વધુ જોવા મળે છે.

કઈ રીતે આ સ્નાયુબંધ તૂટી શકે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ઉપાસની હોસ્પિટલ, મુલુંડના જોઇન્ટ રિપ્લેસમેન્ટ ડોકટરકહે છે, જ્યારે શરીરને કોઈ પણ જાતનો માર લાગે, વ્યક્તિ પડી જાય અથવા જ્યાં સ્નાયુબંધ છે ત્યાં ચાકુ જેવો તીક્ષ્ણ પદાર્થ વાગે અને એ કપાઈ જાય તો એ તૂટી શકે છે. કોઈ પણ ઉંમરે આ થઈ શકે છે. કોઈ પણ પ્રકારના ઍક્સિડન્ટમાં આવું બનતું હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિને સ્ટેરોઇડનાં ઇન્જેક્શન સ્નાયુબંધ પર જ આપવામાં આવે તો પણ સ્નાયુબંધ તૂટી શકે છે. એકાદ ઇન્જેક્શનથી જોકે ફરક પડતો નથી, પરંતુ એકથી વધુ સ્ટેરોઇડ ઇન્જેક્શન આપવામાં આવે તો એવું થતું હોય છે.

સર્જરીની જરૂર

સ્નાયુબંધ તૂટે ત્યારે વ્યક્તિને અનહદ પેઇન થાય છે, એ જગ્યાએ સોજો આવી જાય છે અને એ સ્નાયુનું હલનચલન અટકી જાય છે. જેમ કે ખભા પર થયું હોય તો હાથ ઊંચો થતો નથી અને પગની ઘૂંટીમાં થયું હોય તો ચાલી શકાતું નથી. ડોક્ટર ચેક કરે તો એ સમજી શકાય છે કે સ્નાયુબંધ તૂટ્યો છે એટલે આવું થયું છે, પરંતુ એને ક્ધફર્મ કરવા માટે સ્કેન કે જરૂરી છે.

એને લીધે આગળનો ઇલાજ શું કરી શકાય એ સમજાય છે. સ્નાયુબંધ કેટલો તૂટ્યો છે અને કઈ રીતે તૂટ્યો છે એના પર આગળનો ઇલાજ અવલંબે છે.

ઇલાજ વિશે સમજાવતાં ડોકટરકહે છે, જ્યારે સામાન્ય તૂટ્યો હોય અને જોડાઈ શકવાની શક્યતા ડોક્ટરને લાગતી હોય તો તે ફક્ત પેઇન ઓછું થાય એ માટેનાં ઇન્જેક્શન કે દવાઓ આપતા હોય છે અને એની સાથે ફિઝિયોથેરપી ચાલુ કરે છે, જેથી રિકવરી આવી શકે છે. પરંતુ જો એ વધારે તૂટી ગયો હોય તો સર્જરી જ એકમાત્ર ઑપ્શન બચે છે.

 સર્જરીનું પરિણામ

સ્નાયુબંધ તૂટી જાય એ પરિસ્થિતિ કોઈ પણ ઉંમરે આવી શકે છે, પરંતુ જેમની ઉંમર ઓછી છે અને હાડકાં સશક્ત છે; ટિશ્યુનો કોઈ પ્રોબ્લેમ નથી તેમને સર્જરી કરવામાં આવે તો સર્જરીનું પરિણામ ઘણું જ સારું આવતું હોય છે. પરંતુ મોટી ઉંમરે તકલીફ થઈ શકે છે એ સમજાવતાં ડોકટરકહે છે, જે લોકો મોટી ઉંમરના છે અને તેમનાં હાડકાં નબળાં પડી ગયાં છે અને ઉંમરને લીધે એ નબળાં પડતાં જ રહેશે એવા લોકો માટે આ સર્જરીનું પરિણામ ૧૦૦ ટકા સારું નથી આવતું હોતું, કારણ કે તેમના ટિશ્યુ પહેલેથીજ નબળા હતા અને સર્જરી કરીને જ્યારે સ્નાયુબંધને સાંધવામાં આવે છે ત્યારે એ વ્યવસ્થિત સંધાતો નથી.

આમ જ્યારે સર્જરીનો નિર્ણય લેવામાં આવે ત્યારે ઉંમર અને વ્યક્તિની હેલ્થને પણ ધ્યાનમાં લેવાં જરૂરી છે.

ધ્યાનમાં રાખો

જ્યારે પણ તમે કોઈ પણ કારણોસર સ્ટેરોઇડનાં ઇન્જેક્શન લો તો મહત્વની વાત એ છે કે ડોક્ટર સાથે એ ક્ધફર્મ કરો કે તે શરીરના કયા ભાગમાં આ ઇન્જેક્શન આપવા માગે છે.

બને ત્યાં સુધી સ્નાયુબંધ કે એની આજુબાજુના ભાગમાં ઇન્જેક્શન લેવાં જ નહીં, જેને કારણે સ્નાયુબંધ તૂટવાનું કોઈ રિસ્કરહે જ નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.