મોટી ઉંમરે પણ ફાંગી આંખ આવી શકે છે. સોમાંથી ચાર વયસ્ક લોકો ફાંગી આંખ ધરાવે છે ત્યારે જાણીએ કે વયસ્કમાં જોવા મળતી ફાંગી આંખની તકલીફ પાછળ કયાં-કયાં કારણો જવાબદાર છે
મલાડમાં રહેતા ૪૫ વર્ષના ગુજરાતી વેપારીને અચાનક જ જોવામાં તકલીફ પડવા લાગી. ડબલ વિઝનનો પ્રોબ્લેમ ચાલુ થયો. એટલે કે બે પ્રકારનાં ચિત્રો સાથે દેખાય, જેમાં ક્ન્ફ્યુઝન ઊભું થાય અને એમાં એક આંખ બંધ કરીને જુએ તો એક અને બીજી આંખ બંધ કરીને જુએ તો બીજું ચિત્ર દેખાય. આવી વિચિત્ર સમસ્યા ઘરના લોકોને કહી ત્યારે ઘરમાં બધાનું ધ્યાન ગયું કે આ ડબલ વિઝનની તકલીફનું કારણ એ હતું કે અચાનક જ તેમની જમણી આંખ ફાંગી થઈ ગઈ હતી. તાત્કાલિક તેઓ ડોક્ટર પાસે ગયા. આંખના ડોક્ટરે ચકાસીને કહ્યું કે હકીકત છે તેમની જમણી આંખ ફાંગી તો થઈ ગઈ છે, પરંતુ આ બાબતે ટેસ્ટ કરીને જોવું પડશે કે આ થવાનું કારણ શું છે. ઘણી ટેસ્ટ કરવામાં આવી અને એ ટેસ્ટમાં ખ્યાલ આવ્યો કે તેમને આંખની અંદર એક ટ્યુમર હતું, જે ધીમે-ધીમે વધી રહ્યું હતું અને એને કારણે તેમની આંખ ફાંગી થઈ ગઈ હતી. સદ્નસીબે આ ટ્યુમર કેન્સરિયસ નહોતું અને સર્જરી દ્વારા એ ઠીક કરી શકાયું. મહત્વની વાત એ છે કે સમયસર ફાંગી આંખનું લક્ષણ એ લોકો સામે આવી ગયું અને નિદાન પણ થઈ ગયું. આમ આ કેસમાં જોઈએ તો ફાંગી આંખ કોઈ બીજા રોગને કારણે સામે આવેલી તકલીફ હતી એટલે કે એ રોગ નહોતો, પરંતુ રોગનું લક્ષણ બનીને સામે આવ્યું હતું. વયસ્ક લોકોમાં જ્યારે ફાંગી આંખ થાય છે ત્યારે એ બાબત સમજવા જેવી છે કે એ ખુદ એક પ્રોબ્લેમ હોઈ શકે છે. એ એક છૂપા પ્રોબ્લેમનું લક્ષણ પણ હોઈ શકે છે, જેને જાણીને તમે મુખ્ય પ્રોબ્લેમ સુધી પહોંચી શકો છો અને અમુક કેસમાં ફાંગી આંખને કારણે બીજા પ્રોબ્લેમ્સ પણ ચાલુ થાય છે; જેમ કે લેઝી આઇ એટલે કે આળસુ આંખ. આમ ફાંગી આંખ સ્વયં રોગ, કોઈ બીજા રોગનું લક્ષણ કે કોઈ બીજા રોગનું કારક એમ ત્રણેયમાંથી કંઈ પણ હોઈ શકે છે. એ શું છે અને શા કારણે છે એ જાણવું અત્યંત જરૂરી છે.
તપાસ જરૂરી
ફાંગી આંખની તકલીફ મોટા ભાગે જન્મજાત હોય છે અથવા તો બાળપણમાં જ ડેવલપ થાય છે એવું ઘણા લોકો માને છે. એ વાત પણ સાચી છે કે ફાંગી આંખના વધુપડતા કેસ બાળકોના જ જોવા મળે છે. પરંતુ વયસ્ક લોકોમાં પણ આ તકલીફ જોવા મળી શકે છે. મહત્વનું એ છે આ તકલીફ નાનપણથી હોય અને મોટી વયે જોવા મળે એટલું જ નહીં, મોટી ઉંમરે કોઈ કારણસર એ અચાનક આવી પણ શકે છે. વયસ્કમાં જોવા જઈએ તો એક આંકડા મુજબ દર સોએ ચાર જણ ફાંગી આંખ ધરાવતા હોય છે. વયસ્ક લોકોમાં ફાંગી આંખની તકલીફ વિષે વાત કરતાં હિન્દુજા હેલ્થકેર સર્જિકલ, ખારના ક્ધસલ્ટન્ટ ઑપ્થેલ્મોલોજિસ્ટ, વિટ્રિઓ-રેટિનલ સર્જ્યન અને યુવિઆઇટિસ સ્પેશ્યલિસ્ટ ડોકટરકહે છે, વયસ્ક લોકોમાં આ તકલીફ સામાન્ય જ કહી શકાય. પરંતુ મહત્વનું એ છે કે બાળકમાં ફાંગી આંખ આવે અને વયસ્કને આ પ્રોબ્લેમ આવે એ બન્ને વાત ઘણી જુદી છે. એક વયસ્ક વ્યક્તિની આંખ અચાનક ફાંગી કેમ થઈ ગઈ એ બાબતે તપાસ કરવી અત્યંત જરૂરી છે, કારણ કે એની પાછળ ઘણાં કારણો હોઈ શકે. આમ નિદાન ચોક્કસ થવું જરૂરી છે, જે માટે સમય લાગે. આ મોતિયા જેટલી સરળ વાત નથી કે દરેક વ્યક્તિએ મોતિયો સરખો જ હોય. પરંતુ હકીકત એ છે કે વયસ્કને ફાંગી આંખની તકલીફ આવે પછી થોડી ધીરજ રાખવી પડે. ટેસ્ટ કરાવીને યોગ્ય નિદાન કરાવવું પડે. બને તો ફાંગી આંખના સ્પેશ્યલિસ્ટ, જેને સ્ક્વિન્ટ સ્પેશ્યલિસ્ટ કહેવાય છે તેને જ દેખાડવું; જેથી નિદાન યોગ્ય થઈ શકે અને ઇલાજ પણ.
ચિહ્નો
આંખ ફાંગી થાય તો તરત જ એ વ્યક્તિના ચહેરા પર જોઈને જાણી શકાય કે વ્યક્તિની આંખ ફાંગી છે. પરંતુ એ સિવાય પણ અમુક લક્ષણો છે, જેના દ્વારા ખ્યાલ આવે કે આંખમાં તકલીફ ઊભી થઈ છે. જેમ કે વિઝન ડબલ થઈ જાય. એટલે કે વ્યક્તિ જુએ ત્યારે તેને એકસાથે બે ચિત્રો દેખાય અને એ સમયે એક આંખ બંધ કરે તો એક જ ચિત્ર દેખાય અને વળી બીજી આંખ બંધ કરે તો પણ એક જ, પરંતુ જુદું ચિત્ર દેખાય. આ ઉપરાંત શરૂઆતમાં વ્યક્તિની આંખ થાકી જાય. ઘણી વાર ચિત્ર એકબીજા પર ચડી ગયું હોય એવું દેખાવા લાગે છે. આ સિવાય આંખ ખેંચાતી હોય છે, વાંચવામાં તકલીફ પડવા લાગે છે.
કારણો
વયસ્ક વ્યક્તિને જ્યારે ફાંગી આંખની તકલીફ હોય તો એની પાછળ કયાં-કયાં કારણો હોઈ શકેડોકટર પાસેથી.
૧. ઘણી વાર એવું બને છે કે એક આંખ વ્યક્તિની નબળી જ હોય છે. મગજ અને આંખ બન્નેનો જ્યારે તાલમેલ ગોઠવાય ત્યારે જ વ્યક્તિ બરાબર જોઈ શકે છે. જ્યારે આ તાલમેલ પહેલેથી યોગ્ય ન હોય ત્યારે ઉંમર વધતાં ધીમે-ધીમે એની અસર દેખાય છે અને મોટી વયે આંખ ફાંગી બને છે.
૨. આ સિવાય કોઈ પણ પ્રકારનો મગજને સંબંધિત પ્રોબ્લેમ હોય તો પણ આંખ ફાંગી થઈ શકે છે; જેમ કે સ્ટ્રોક, બ્રેઇન ટ્યુમર, હેમરેજ જેવી કોઈ મોટી આફત કે પછી સામાન્ય ટ્રોમા પણ આંખને અસર કરી શકે છે; કારણ કે મગજ સાથે જોડાયેલી આંખની નસોમાં પ્રોબ્લેમ આવ્યો એનો અર્થ એ કે તકલીફ આવી શકે છે.
૩. જો વ્યક્તિનો ઍક્સિડન્ટ થાય, વ્યક્તિની આંખ ડેમેજ થાય તો પણ એ ટ્રોમાને લીધે વ્યક્તિની આંખ ફાંગી થઈ શકે છે.
૪. જે લોકોને ડાયાબિટીઝ અને હાઇપરટેન્શન છે એ લોકોની આંખ ઉપર અસર થઈ શકે એમ છે અને એને કારણે ફાંગી આંખની તકલીફ આવી શકે છે. આ બન્ને રોગની નસો પર એક ખાસ અસર હોય છે. જો એની અસર આંખની નસો પર પડે તો આંખ ફાંગી થઈ શકે છે. મોટા ભાગના કેસમાં આ ફાંગી આંખ બેચાર અઠવાડિયાંની અંદર ખુદ જ ઠીક થઈ જાય છે, પરંતુ જો એ ન થાય તો ચોક્કસ તપાસ જરૂરી છે.
૫. આ સિવાય જે વ્યક્તિને હાઇપરથાઇરોઇડની તકલીફ હોય તેને પણ થાઇરોઇડની અસર આંખ પર દેખાઈ શકે છે, જેને કારણે આંખ ફાંગી થઈ શકે છે.
૬. આપણે શરૂઆતમાં જે કેસ જોયો એ રીતે જો આંખમાં કોઈ ટ્યુમર થયું હોય તો એનાં લક્ષણોરૂપે પણ ફાંગી આંખ બહાર આવે છે. આવા કેસમાં ફાંગી આંખ કરતાં મોટો પ્રોબ્લેમ એ ટ્યુમર હોય છે, જે આંખની અંદર હોય છે.
૭. ઘણી વાર એક આંખમાં અત્યંત ખરાબ વિઝન હોય અને એ આંખનું વિઝન ધીમે-ધીમે ઓછું થઈ રહ્યું હોય ત્યારે પણ એ આંખ ફાંગી થઈ જતી હોય છે. પરંતુ આવા કેસમાં દરદી ધીમે-ધીમે એ આંખે દૃષ્ટિહીન થઈ જાય છે. તેનું વિઝન પાછું લાવી શકાતું નથી.