ઉંમરને કારણે જ્યારે હાડકાં નબળાં પડે ત્યારે જો વડીલો કોઈ પણ કારણસર પડી જાય તો તેમને તરત જ ફ્રેક્ચર થઈ જાય છે અને આ ફ્રેક્ચરને રિપેર કરવું શક્ય નથી એટલું જ નહીં, આ પ્રકારનાં ફ્રેક્ચર વ્યક્તિને પથારીવશ કરી મૂકે છે અને ઘાતક પણ નીવડી શકે છે. અમુક પ્રકારની તકેદારી રાખવી જરૂરી છે, જેનાથી ફ્રેક્ચર થતાં અટકાવી શકાય
ઑસ્ટિઓપોરોસિસ શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો મળીને બનેલો એક શબ્દ છે. ઑસ્ટિઓ એટલે કે હાડકાં અને પોરોસિસ એટલે કે કાણાં. સામાન્ય રીતે હાડકાંમાં કાણાં પડવાની અવસ્થાને ઑસ્ટિઓપોરોસિસ કહે છે. આ વર્ષે જે આંકડો બહાર પાડવામાં આવ્યો હતો એ મુજબ દુનિયાભરમાં ૯ મિલ્યન ફ્રેક્ચર થાય છે, જેનું કારણ આ રોગ છે. ઉંમરની સાથે જ્યારે હાડકાં નબળાં પડતાં જાય ત્યારે આ તકલીફ આવે છે. મોટા ભાગે આ રોગ સ્ત્રીઓમાં ૫૦ વર્ષ પછી એટલે કે મેનોપોઝ પછી આવે છે, જ્યારે પુરુષોમાં આ રોગ એનાં ૧૦-૨૦ વર્ષ પછી એટલે કે ૬૦-૭૦ વર્ષે આવે છે. આ કન્ડિશનમાં હાડકાંને ઘસારો લાગે છે; જેને કારણે હાડકાં નબળાં પડે, બરડ બને છે અને ખૂબ સરળતાથી આ નબળાં હાડકાંઓમાં ફ્રેક્ચર થઈ જાય છે.
ટેસ્ટ
૨૮ ટકા સ્ત્રીઓ અને ૩૭ ટકા પુરુષો ઑસ્ટિઓપોરોસિસને કારણે થતા હિપ ફ્રેક્ચરને કારણે ફ્રેક્ચર થયાના એક વર્ષની અંદર જ મૃત્યુ પામે છે. આમ પણ ૫૦ વર્ષની ઉંમર પછી કોઈને પણ ફ્રેક્ચર થાય છે તો એ ફ્રેક્ચર થવા પાછળનું કારણ ઑસ્ટિઓપોરોસિસ જ હોય છે. ભારતની વાત કરીએ તો આપણા દેશમાં દર ૩૦ સેક્ધડે એક વ્યક્તિને ઑસ્ટિઓપોરોસિસને કારણે ફ્રેક્ચર થાય છે. આ રોગ એક સાઇલન્ટ ડિસીઝ છે એ બાબતે સમજાવતાં ડોકટર કહે છે, મહત્વની વાત એ છે કે આ એક સાઇલન્ટ ડિસીઝ છે. એટલે કે જ્યાં સુધી વ્યક્તિને ફ્રેક્ચર થાય નહીં ત્યાં સુધી એવાં કોઈ લક્ષણો નથી જેના દ્વારા એ પહેલેથી ખબર પડી શકે કે વ્યક્તિને ઑસ્ટિઓપોરોસિસ થયો છે. ફક્ત એક ટેસ્ટ છે, જેના દ્વારા ખબર પડી શકે છે. એ છે બોન ડેન્સિટી ટેસ્ટ, જે આદર્શ રીતે દરેક સ્ત્રીએ મેનોપોઝ પછી કરાવવી જ જોઈએ. એ કરાવ્યા પછી એ ટેસ્ટ મુજબ એનો ઇલાજ કરવો કે નહીં એ નક્કી થઈ શકે છે. જેમનો આ રિપોર્ટ નોર્મલ આવે તેમણે પણ દર ત્રણ વર્ષે આ રિપોર્ટ ફરીથી કરાવતા રહેવો જોઈએ.
ફ્રેક્ચર થવાની શક્યતા
આ રોગ સાઇલન્ટ કિંલર તરીકે ઓળખાય છે. લાંબા સમય સુધી વ્યક્તિને ખબર જ પડતી નથી કે તેમનાં હાડકાંમાં પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમ ત્યારે સામે આવે છે જ્યારે વ્યક્તિને ડાયરેક્ટ ફ્રેક્ચર થાય. એ વિશે વાત કરતાં એસ. એલ. રહેજા ફોર્ટિસ હોસ્પિટલ, માહિમના ક્ધસલ્ટન્ટ ક્લિનિકલ ડેન્સિટોમેટ્રિસ્ટ ડોકટર કહે છે, ઑસ્ટિઓપોરોસિસ એક ગંભીર બીમારી છે. ખાસ કરીને કરોડરજ્જુ, કાંડું અને હિપ્સનાં હાડકાંમાં આ રોગને કારણે ફ્રેક્ચર થવાની સંભાવના વધુ હોય છે. જે લોકોને ઑસ્ટિઓપોરોસિસ છે તેવા લોકો સામાન્ય ઘટનાઓ જેમ કે અચાનક ધક્કો લાગે અથવા બસ, રિક્ષા કે સ્કૂટર પર બેઠા હોય અને સ્પીડબ્રેકર કે ખાડાને લીધે આંચકો લાગે અથવા સામાન્ય પડી જાય તો પણ તરત જ ફ્રેક્ચર થઈ જાય છે. વળી એક વાર ફ્રેક્ચર થયા પછી બીજું ફ્રેક્ચર થવાની સંભાવના પણ ખૂબ વધી જાય છે. આથી ખૂબ જ સંભાળ રાખવી પડે છે.
ફ્રેક્ચરની ગંભીરતા
આંકડાઓ મુજબ એક વર્ષમાં કરોડરજ્જુનાં પાંચ લાખ, હિપ ફ્રેક્ચરનાં ૩ લાખ, કાંડાનાં બે લાખ અને બીજાં હાડકાંઓનાં ૩ લાખ ફ્રેક્ચર ભારતમાં જોવા મળે છે. ફ્રેક્ચર્સ થયા પછી તેને લાંબા સમયની કેર કરવી પડે છે. ધ્યાન રાખવા છતાં પણ વ્યક્તિને હંમેશાં માટેની ફિઝિકલ ડિફેક્ટ રહી જાય છે એટલું જ નહીં, આવી વ્યક્તિઓ ફ્રેક્ચર થયાના એક વર્ષની અંદર જ વ્યક્તિ મૃત્યુ પામે છે. આ ફ્રેક્ચર્સની ગંભીરતા સમજાવતાં ડોકટર કહે છે, ઑસ્ટિઓપોરોસિસનું જે ફ્રેક્ચર છે એ સાંધી શકાતું નથી. એક વખત હાડકાંમાં ક્રેક આવી તો એ ક્રેક રહે જ છે અને ફ્રેક્ચર થયેલું હાડકું ક્યારેય ફરી પહેલાં જેવી શક્તિ મેળવી શકતું નથી. વળી આ પ્રકારનું ફ્રેક્ચર વ્યક્તિના પોરને પણ અસર કરે છે. આ કારણોને લીધે આવી વ્યક્તિ સતત પેઇનમાં જીવે છે.
કઈ રીતે રોકી શકાય?
આ રોગને અને એને કારણે થતા ફ્રેક્ચરને રોકવું હોય તો શું કરવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું એ આજે સમજીએ ડોકટર પાસેથી આ રોગને કારણે થતા ફ્રેક્ચરને અટકાવવાં હોય તો પહેલાં આ રોગને પાછળ ઠેલવો પડે. ઘણા લોકોને પંચાવન વર્ષે ઑસ્ટિઓપોરોસિસ આવે છે તો ઘણાને ૭૫ વર્ષે. આ બાબતનું એ મહત્વ છે કે જો મેનોપોઝ પછી સ્ત્રીઓ પોતાનું કેલ્શિયમ અને વિટામિન ઉ લેવલ જાળવી રાખે અને એક્સરસાઇઝ ચાલુ રાખે સાથે તેમનું વજન ક્ધટ્રોલમાં હોય તો આ રોગને પાછો ઠેલી શકાય છે. પુરુષોમાં પણ આ નિયમો લાગુ પડે છે. હવે જો વ્યક્તિને આ રોગ હોય જ અને ખાસ તો એમ સમજવું કે ઘરમાં જો વડીલ હોય તો અમુક બાબતોની ખાસ તકેદારી રાખવી. જો તેમનું આ પ્રમાણે ધ્યાન રાખવામાં આવે તો ફ્રેક્ચર ટાળી શકાય છે. વડીલની બોન ડેન્સિટી ટેસ્ટ કરાવવી, જેથી અંદાજ આવે કે તેમને આ રોગ છે કે નહીં.
મોટા ભાગનાં ફ્રેક્ચર વડીલ બાથરૂમમાં પડી જાય ત્યારે થતાં હોય છે. એટલે જો વડીલ ઘરમાં હોય તો બાથરૂમમાં માર્બલ કે સ્લિપ થઈ જવાય એવી ટાઇલ્સ ન નખાવવી. એવી હોય તો બદલાવીને ઍન્ટિગ્લાઇડ ટાઇલ્સ નંખાવવી અને બાથરૂમ હંમેશાં એકદમ કોરું રહે એનું ધ્યાન રાખવું. રાત્રે વડીલોને હંમેશાં ઊઠીને યુરિન પાસ કરવા જવું પડતું હોય છે. આ સમયે ખાસ તેમની પાસે લાકડી હોવી જરૂરી છે. લાકડી એક એવી સાથી છે જેને લીધે પચાસ ટકા પડવાની શક્યતાને નિવારી શકાય છે. વળી લાકડીને કારણે વડીલોને કોઈના પર નિર્ભર રહેવાની જરૂર રહેતી નથી. એટલે એ વાપરવામાં સંકોચ ન કરવો. રાત્રે વડીલો સૂવે ત્યારે તેમની પાસે લાકડીની સાથે ચશ્માં પણ રાખવાં એટલું જ નહીં, એ રૂમમાં સંપૂર્ણ અંધારું ન કરવું. આ સિવાય ખાસ કરીને ટોઇલેટ સીટની આજુબાજુ સપોર્ટ લઈને ઊઠી શકાય એવી રેલિંગ બનાવડાવવી, જેથી એ પકડીને શકે જેને લીધે તે પડે નહીં. આ એ જગ્યા છે જ્યાં મોટા ભાગે લોકો પડતા રહે છે. ઘરમાં નાનાં બાળકો હોય અને તેમનાં રમકડાં આમતેમ ફેલાયેલાં હોય તો પણ વડીલોને એ પગમાં આવતાં પડવાની શક્યતા ઘણી વધુ રહે છે. આવી રીતે જ્યારે વડીલો પડે છે ત્યારે તેમનાં હાડકાં નબળાં હોવાને લીધે ફ્રેક્ચર થઈ જ જાય છે. એટલે આ બાબતે સજાગ રહેવું. ખાસ કરીને રાત્રે તેમની રૂમ અને બાથરૂમ સુધીનો રસ્તો ક્લીન રાખવો વડીલોને રિક્ષા, બસ કે સ્કૂટરમાં ટ્રાવેલ ન કરાવો. ખાસ કરીને ચોમાસામાં જ્યાં ખાડાખબડાવાળા રોડ બહુ છે. જો કરાવવું જ પડે એમ હોય તો રિક્ષા-ડ્રાઇવરને સૂચના આપો કે ખાડાવાળા રોડ પરથી ન જ ચલાવે.