ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ છે. લગભગ દેશના દરેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આ સીઝનમાં તમને કાળઝાળ ગરમીથી તો રાહત મળે છે. પણ કોલેજ, ઓફિસ કે કામ પર જવાનું મોંઘું પડી જાય છે. વરસાદમાં બહાર જતી વખતે તમારા દરેક સામાનની સંભાળ રાખવી જરૂરી બની જાય છે. ખાસ કરીને ટુ-વ્હીલર અને પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝર્સ માટે આ ખૂબ જ મુશ્કેલ કામ બની જાય છે. ઘણી વખત વધારે પડતાં વરસાદના લીધે તમારી પાસે છત્રી અને રેઈનકોટ હોવા છતાં તમે પલળી જતાં હોવ છો. તો ક્યારેક ચંપલ પાણીથી ભીના થઈ જાય છે તો ક્યારેક બેગ ભીની થઈ જાય છે અને તેમાં રાખેલી આપણી કિંમતી ચીજવસ્તુઓ પણ બગડી શકે છે. વરસાદમાં બહાર નીકળતાની સાથે જ સૌથી પહેલા આપણે આપણા મોબાઈલ, ટેબલેટ, ઘડિયાળ અને લેપટોપની કાળજી રાખવાનું વિચારતા હોઈએ છીએ. સાથોસાથ આ બધા ગેજેટ્સની પણ કાળજી લેવી જરૂરી બને છે.
સામાન્ય રીતે દરેક વ્યક્તિના સ્માર્ટફોન હંમેશા તેમની સાથે જ હોય છે. જ્યારે પણ તમે વરસાદમાં બહાર જાઓ છો. ત્યારે ઘણીવખત તમારો ફોન પણ વરસાદના સંપર્કમાં આવી જતો હોઈ છે. ત્યારે વરસાદમાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને સુરક્ષિત રાખવું અઘરું બની જાય છે. તો વરસાદની મોસમમાં તમારા ગેજેટ્સને ભીના થવાથી કેવી રીતે બચાવી શકાય તે વિશે જાણો.
ચોમાસાની સીઝનમાં બધા જ ઈલેક્ટ્રોનિક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. દિવાલોમાંથી નીકળતું પાણી પણ ટીવી કે ACને નુકસાન પહોંચાડી શકે છે. વરસાદનું પાણી આપણા મોબાઈલ ફોનમાં ન જવું જોઈએ. તો કયારેક તમારી ઘડિયાળ પણ બંધ પડી શકે છે. તેમજ વરસાદ આપણા ઘરના સર્કિટ બોર્ડને પણ નુકસાન પહોંચાડી શકે છે. મોટાભાગના ટેકનિકલ સાધનો વરસાદના સંપર્કમાં આવે ત્યારે તે જોખમી બની જાય છે.
આ વસ્તુઓને વરસાદમાં ભીના થવાથી બચાવવી જોઈએ.
- મોબાઇલ અને ટેબ્લેટ
- સ્માર્ટ વોચ
- TV
- રેફ્રિજરેટર
- લેપટોપ
- AC કે કૂલર
- વોશિંગ મશીન
મોબાઇલ અને ટેબ્લેટને વરસાદના પાણીથી કેવી રીતે સુરક્ષિત કરવું :
તમારા ફોનને વરસાદથી બચાવવાનું કામ અઘરું બની જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમારે દરરોજ બહાર જવાનું થતું હોઈ છે. સ્માર્ટફોનએ એકમાત્ર એવી વસ્તુ છે જે સામાન્ય રીતે હંમેશા આપણી સાથે જ હોઈ છે. કેટલાક લોકો પોતાના મોબાઈલને બાથરૂમમાં સાથે લઈ જતાં હોઈ છે. આમ કરવાથી મોબાઈલ પાણીમાં પડવાનું જોખમ વધી જાય છે. તેથી મોબાઈલની જાળવણી કરવી જરૂરી છે. જ્યારે પણ તમે વરસાદમાં બહાર નીકળો ત્યારે તેને સુરક્ષિત રાખવા માટે વોટરપ્રૂફ પાઉચને હમેશાં તમારી સાથે રાખો . તેમજ બને તો મોબાઈલમાં ટેમ્પર્ડ ગ્લાસ સ્ક્રીનનો સ્ક્રીન ઉપયોગ કરી શકો છો. કેટલાક લોકો ટેબ્લેટનો ઉપયોગ સ્માર્ટફોનના વિકલ્પ તરીકે કરતાં હોઈ છે. તેથી ટેબ્લેટની જાળવણી કરવા માટે તમે વોટરપ્રૂફ કવરનો ઉપયોગ કરી શકો છો. જેથી કરીને તમે તમારા મોબાઇલ અને ટેબ્લેટને પાણીમાં પલળવાથી બચાવી શકો.
લેપટોપને વોટરપ્રૂફ કવરમાં રાખો
બધા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમાંથી લેપટોપ મોંઘી વસ્તુ હોઈ છે. તેથી તેને પાણીથી બચાવવા માટે વોટરપ્રૂફ બેગ ખરીદીને હમેશાં તમારી સાથે રાખો. ખુલ્લી ડિઝાઇન બેગ અથવા બેકપેકનો ઉપયોગ કરવાનું ટાળો. જેના કારણે પાણી અંદર જવાનો કોઈ ભય રહેતો નથી.
ઇયરફોનને સિલિકોન કવરમાં રાખો.
જ્યારે તમે કૉલેજ અથવા કામ પર જાવ છો. ત્યારે મુસાફરી કરતી વખતે ઘણા લોકો ઇયરફોનનો ઉપયોગ કરતાં હોઈ છે. સાથોસાથ એવા ઘણા નાના ગેજેટ્સ પણ હોય છે જેનો આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરતાં હોઈએ છીએ. ક્યારેક જો તમે વરસાદમાં ભીના થઈ જાવ છો. તો તમારા ઇયરફોન એ પાણીમાં પલળવાની શક્યતા વધી જાય છે કારણ કે બાકીના બધા ઉપકરણો મોટાભાગે તમારી બેગ અથવા ખિસ્સામાં હોય છે. એટલા માટે તમે સિલિકોન કવરનો ઉપયોગ કરી શકો છો. તેમજ તમે મોટા હેડફોન માટે વોટરપ્રૂફ કવર ખરીદી શકો છો. જેથી કરીને વરસાદમાં પલળવાથી વસ્તુઓને બચાવી શકાય.
તમારી સ્માર્ટવોચને પણ આ રીતે સાચવો
તમારા હાથમાં હંમેશા તમારી સાથે રહેતી સ્માર્ટવોચ પણ એક ગેજેટ છે. જેને વરસાદમાં સૌથી પહેલા સુરક્ષિત રાખવું જોઈએ. આ નાની વસ્તુ તમારા SPO2 સ્તરને ટ્રૅક કરવા તેમજ હૃદયના ધબકારાથી લઈને ઊંઘ સુધી ઘણી બધી વસ્તુઓ કામ લાગે છે. જોકે મોટાભાગની સ્માર્ટવોચ અને ફિટનેસ ટ્રેકર્સ વોટર પ્રૂફ હોઈ છે. જો સ્માર્ટવોચ વોટરપ્રૂફ હોઈ તો કોઈ ચિંતા રહેતી નથી. પણ જો વોટરપ્રૂફ નથી તો તેને સિલિકોન કવરમાં જ રાખો.
નિયમિતપણે AC સાફ કરો
જો વરસાદની સિઝનમાં ACનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. તમારા એર ફિલ્ટરને નિયમિતપણે સાફ કરવાનું રાખો. રૂમની બારી કે દરવાજા ખુલ્લા હોય ત્યારે AC ને હમેશાં બંધ રાખો. તેમજ તમારા ACમાં ડ્રાય મોડ છે તો તેનો ઉપયોગ કરવાનું રાખો.
દર અઠવાડિયે ફ્રિજને સાફ કરો
વરસાદમાં ફ્રિજના સૌથી મોટા દુશ્મનો ભેજ અને બેક્ટેરિયા હોઈ છે. ફ્રિજમાં ભેજને કારણે દુર્ગંધ આવવાની શક્યતાઓ વધી જાય છે. એટલા માટે તેને દર અઠવાડિયે સાફ કરવાનું રાખો. હમેશાં ફ્રિજના દરવાજાને બંધ રાખો. રેફ્રિજરેટરને ટીશ્યુ અથવા કપડાથી સાફ કરવાનું રાખો.
વોશિંગ મશીનને વરસાદમાં ઢાંકીને રાખો
ચોમાસામાં વોશિંગ મશીનને સુરક્ષિત રાખવા માટે ટબ અને લિન્ટ કલેક્ટર જેવી વસ્તુઓને નિયમિતપણે સાફ કરવાનું રાખો. તમારા વોશિંગ મશીનને શક્ય તેટલું સૂકું રાખવાનો પ્રયાસ કરો. ભીના હાથથી તેના પ્લગને અડવાનું બંધ કરો. . જેના કારણે વીજ કરંટ લાગવાનો પણ ભય રહેતો નથી .ચોમાસાની સીઝનમાં વોશિંગ મશીનનો ઉપયોગ કરતી વખતે હંમેશા ચપ્પલ પહેરવાનું રાખો. તમારા વોશિંગ મશીનને સમય સમય પર સારી રીતે સાફ કરવાથી તેમાં મોલ્ડ વધતો અટકાવી શકાય છે. સાથોસાથ તેને વરસાદમાં પણ ઢાંકીને રાખો.
તમે ટીવી માટે ડિહ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો છો
રેફ્રિજરેટરની જેમ જ ટીવી પણ દિવાલમાંથી વધુ પડતા ભેજ અથવા પાણીના ટપકાને કારણે બગડી શકે છે. આને રોકવા માટે તમે લિવિંગ રૂમમાં ડિહ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકો છો અથવા તો તમે નજીકમાં ભેજ શોષી લેતા છોડ પણ લગાવી શકો છો. તમારા ઘરમાં જે જગ્યા પર પાણી પડતું હોઈ તે જગ્યાથી TVને દૂર રાખો.