આઝાદીનાં સાત દાયકા બાદ ભારતીય રાજકારણની ધરીનાં કેન્દ્રમાં રહેલા જાતિવાદ, હિન્દુ-મુસ્લિમ અને અનામત જેવા મુદ્દાઓ અચાનક ગાયબ થઇ રહ્યા છે. જેનુ સ્થાન અચાનક કિસાનનો વિકાસ લઇ રહ્યો છે. કદાચ તેનો પ્રારંભ પશ્ચિમ ભારતનાં મહારાષ્ટ્ર તથા ગુજરાતથી થઇ રહ્યો છે.
જ્યારે બે વિભિન્ન વિચારધારા વાળા જુથોને સાથે મળીને સત્તા માટે કુલડીમાં ગોળ ભાંગવાનો વારો આવે ત્યારે આવું થવાનું સ્વાભાવિક છે. આ ઉપરાંત પણ એવા અમુક મુદ્દાઓ છે જે ખાદી ધારીઓને ખેડૂતોના નામે રાજનિતી કરવા આકર્ષે છે.
મહારાષ્ટ્રમાં હિન્દુત્વવાળી શિવસેના અને મુસ્લિમત્વ વાળી કોંગ્રેસ પાર્ટીને સાથે બેસીને સરકાર રચવાની નોબત આવી ત્યારે ક્યા મુદ્દે સાથે બેસવું, જનતાને શું મોં દેખાડવું તે પ્રશ્ન સૌને પરેશાન કરતો હતો. એમાં છેલ્લા ચોમાસામાં ખેડૂતોની પાયમાલી સૌને નજરે ચડી. અંતે હાથવગા હથિયાર તરીકે આ મુદ્દાને કોમન મિનીમમ પ્રોગ્રામ તરીકે સ્વિકારવાનું નક્કી થયું, અર્થાત કરવું પડ્યું છે. હવે જયારે રાજ્યપાલે ખેડૂતો માટે ૧૦૦૦૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યુ એ પણ આ પાર્ટીઓને ઓછું પડે છે. તેથી જ તેઓ ૨૫૦૦૦ કરોડની માગ કરી રહ્યા છે.માની શકાય એવી વાત છે કે રાજ્યમાં સોયાબીન, શેરડી, દ્રાક્ષ, તેલિબીયા, કપાસ તથા કઠોળનાં પાકને નુકસાન થયું છે પણ જો આ જ નવીન યુતિની સરકાર સત્તા પર બેસી ગઇ હોત તો ૧૦૦૦૦ કરોડનું પેકેજ ઓછું કહેવાત? વ્યવહારિક રીતે વિચાર કરો કે ૧૦૦૦૦ કરોડ રૂપિયા ખેડૂતોમાં વહેંચવા નીકળો તો રવિ સિઝન પુરી થઇ જાય! પરંતુ સરકાર બનાવવા માટે આ જનતાના સેવકોની આ જરૂરિયાત છે ખેડૂતોની હોય કે નહીં..!
મહારાષ્ટ્રમાં ખેડૂતો પાયમાલ થયા હોવાનો મુદ્દો ઉંછળતા જ પડોશી રાજ્ય ગુજરાતમાં પણ વિપક્ષોને ખેડૂતો પાયમાલ થયા હોવાનું યાદ આવ્યું. જો કે હાર્દિક પટેલના એક દિવસનાં આંદોલને જ ખેડૂતોને ૭૦૦ કરોડ રૂપિયાની રાહત આપી દીધી. આમ તો રાજ્યમાં સરકારે ઇન્શયોરન્સ કંપનીઓને પૂરના કારણે ખરિફ પાકોને થયેલા નુકસાનું સર્વેક્ષણ કરવાતો કહ્યું છે પણ એજન્સીઓ શરૂઆત કેવી રીતે કરવી તેની જ મુંઝવણમાં હશે. ત્યારબાદ વાવાઝોડાનાં કારણે ૧૮ જિલ્લાઓમાં થયેલી પાકની નુકસાની માટે પણ એજન્સીઓને કામ આપવાની અને સર્વેક્ષણનો અહેવાલ આવ્યાને ૧૫ દિવસમાં ચુકવણું કરવાની સરકારે જાહેરાત કરી પણ અહેવાલ ક્યારે આવશે એ જ મોટો સવાલ હતો. ખેર હાદિકનાં એક દિવસનાં ઉપવાસે ૭૦૦કરોડ રૂપિયા છુટા કર્યા છે. એમ તો સરકારના પ્રતિનીધિઓ પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનામાંથી વળતર અપાવવાની પણ વાત કરે છૈ પણ ક્યારે આવશે તે નક્કી નથી.
ગુજરાત તથા મહારાષ્ટ્રમાં ખરિફ તથા રવિ સિઝનના પાકને નકસાન થયું છે એ વાત સાચી છે. ગુજરાત રાજ્યમાં સરેરાશ કરતા ૪૦ ટકા જેટલો અને સૌરાષ્ટ્ર તથા કચ્ચ્છમાં ૧૭૩ ટકા જેટલો વરસાદ થયો. ખાસ કરીને ભાદરવા તથા આસોમાં વરસાદથી ખરિફ પાકને ૭૫ ટકા જેટલું નુકસાન થયું હોવાનું સરકાર કબુલતી હતી. ત્યારે એવું કહેવાયું કે પાછોતરા વરસાદથી જમીનમા ભેજ રહેવાના કારણે રવિ પાક બમ્પર આવશૈ. પરંતુ દિવાળી બાદના વાવાઝોડાએ આ આશાઓ પર પણ પાણી ફેરવી દીધું છે. હવે નવેસરથી વાવેતર થશે અને પાક થોડા મોડા આવશે.
અહીં મતદારો માટે સૌથી મોટો ચિંતનનો મુદ્દો એ જ છે કે કોમવાદ પર લડનારી પાર્ટીઓ ખેડૂતના નિંભાડે રોટલા કેમ શેકવા આવી છે? આ જાણવા માટે છેલ્લા થોડા ઘટનાક્રમ જોઇએ. મોદીજીની એનડીએ એ રામમંદિર, ૩૭૦ ની કલમ તથા હિન્દુઓના યાત્રાધામોના વિકાસ માટે ફંડ ફાળવીને સાફ સંકેત આપ્યા છે કે હિન્દુઓના હિતનું રક્ષણ કરતા ભાજપને આવડે છે. સામા પક્ષે મુસ્લિમ મહિલાઓ માટે ત્રણ તલ્લાક તથા ગામડાંમાં ગેસનાં સિલીન્ડર તથા વીજળી પહોંચાડીને મહિલાઓના મતમાં ગાબડાં પાડ્યા છૈ. સામાપક્ષે લધુમતિઓની વોટબેંક પર સાત દાયકાથી હક જમાવીને બેઠેલી રાજનૈતિક પાર્ટીને સમજાઇ ગયું છે કે માત્ર આ વોટબેંક ઉપર રાજનીતિમાં સફકતા મળશૈ નહીં તેથી આ પાર્ટીઓ હિન્દુઓની નજીક આવવા મથે છે. આ ઉપરાંત વોટના ગણિત જોઇએ તો સમજાય છે કે શહેરી મતદારો ભાજપને વફાદાર છે. જ્યારે ગામડાંનો મુડ બદલાઇ રહ્યો છે. આ બદલાતા મુડની રોકડી કરવા માટે પણ ગામડાનાં મતદારો ર્આત ખેડૂતોને આગળ કરવાની રણનીતિ ભાજપ વિરોધી છાવણી બનાવી રહી છે.