સામાન્ય રીતે ગૃહિણીઓને રસોડામાં કે ઘરના કામ કરતાં ઘણી વાર નાની-નાની ઇજાઓ થતી હોય છે. એ જ રીતે ઘરમાં રમત કરતાં છોકરાઓ પણ આવી ઇજાઓનો ભોગ બને છે. કારખાનામાં કામ કરતાં લોકોને ઘણીવાર કેટલીક ગંભીર ઇજાઓ થઈ જાય છે અને દવાખાને કે હોસ્પિટલે પહોચ્યા પહેલા શરીરમાંથી ઘણું બધુ લોહી વહી જતું હોય છે. મોટી ઇજાઓમાં તો ક્યારેક જીવનું જોખમ પણ બની જતું હોય છે. તાત્કાલિક સારવાર માંગી લેતી કેટલીક ઘટનાઓમાં લોહી નીકળતું બંધ કરવું એ છે. જેને “રક્તસ્ત્રાવ અટકાવવો” એવું કહેવાય છે. તાત્કાલિક સારવાર કઈ રીતે કરવી એ જ્ઞાન ન હોવાથી ઇજા પામનાર અને તેની આસપાસના લોકોમાં ભય ફેલાઈ જાય છે. આવી ઇજા દરમિયાન જો થોડીક સમયસૂચકતા અને થોડા વ્યવહારુ જ્ઞાનને અમલમાં મૂકીએ તો ઇજા પામનાર થોડી રાહત પામી શકે છે. સમયસૂચકતામાં પહેલા ક્યાસ કાઢવો પડે છે કે ઇજા કેટલી ગંભીર છે? સાથે સાથે ઇજા પામનારનું કેટલું લોહી વહી શકે તેમ છે તે પ્રમાણે તેની કેટલી ઘરગથ્થું સારવાર થઈ શકે તેમ છે? દર્દીને તુર્ત જ ફરજિયાત દવાખાને કે હોસ્પિટલે લઈ જવો પડે તેમ ના હોય તેવા સંજોગોમાં નીચેના કેટલાક પ્રયોગો અજમાવી શકાય છે.
- જ્યાંથી રક્તસ્ત્રાવ થતો હોય ત્યાં ઠંડા પાણીની સતત ધાર કરવાથી રક્તસ્ત્રાવ ઝડપી બંધ કરી શકાય છે. શકાય હોય પાણીના નળ નીચે ઇજાગ્રસ્ત ભાગ રાખી શકાય.
- બરફ કે સ્પિરિટ જેવો ઠંડો પદાર્થ પણ દર્દીને રાહત આપે છે અને રક્તસ્ત્રાવ અટકાવવામાં ઉપયોગી સાબિત થાય છે. ઠંડક હોવાને કારણે દર્દીને દુખાવામાં ઘણી રાહત મળશે.
- રસોડામાંથી હળદળ લાવી ઇજાવાળા ભાગ પર દબાવીને ત્યાં સખત પાટો બાંધી શકાય છે. હળદળ મૂળભૂત રીતે આયુર્વેદિક ઔષધી હોવાથી ત્યાં પાક થવાની શક્યતા પણ ઘણી ઘટી જાય છે.
- હરડે કે ફટકડી જેવા તૂરા પદાર્થોનો લેપ કરવાથી લોહીનો સ્ત્રાવ અટકે છે.
- જેઠીમધનું બારીક ચૂર્ણ પણ રક્તસ્ત્રાવ અટકાવશે અને દર્દીના દુખાવામાં રાહત આપશે.
- ‘લિનીમેંટ રેવંચીની’ કે ‘અર્ક લોબાન’ જેવી પ્રવાહી દવાઓ પણ ફાર્મસીમાં વેંચાય છે. જે ઘરમાં પહેલેથી રાખી મૂકવી હિતાવહ છે. જેના કારણે આવા સંજોગોમાં લેપમાં તેનો ઉપયોગ કરીને દર્દીને રાહત આપી શકાય છે.
- આ ઉપરાંત, નદી કિનારે ઉગતું ‘ધાબાજરિયું’ નામની વનસ્પતિના ડુંડા કપાસ જેવા હોય છે. આ ડુંડાને બાળીને કે બાળ્યા વિના પણ રક્તસ્ત્રાવ થતો હોય ત્યાં મૂકીને દબાવી દેવાથી તુર્ત જ રક્તસ્ત્રાવ અટકે છે.