પૃથ્વી પરનાં સ્વર્ગ સમાન કાશ્મીરમાં અમન, શાંતી સ્થાપવા સૈન્યની મહત્વપૂર્ણ ભૂમિકા સાબિત થઈ
કવિ દાદબાપુની રચના છે કે, પાળીયા થઈને પુજાવું રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. આ કડીથી એ વાત સ્પષ્ટ થાય છે કે, ઠાકોરજી નહીં પરંતુ દેશની સર્વભૌમકતા માટે પાળીયા પણ થવું પડે તો પણ મંજુર છે એવી જ ઘટના કાશ્મીરમાં જોવા મળી છે. ઠાકોર તરીકે પ્રસ્થાપિત થયેલા કાશ્મીરમાં રાજકીય નેતાઓ જે અમન અને ચેઈન ધરાવતા રાજયમાં શાંતી સ્થાપી ન શકયા અને ત્યાંની પ્રજાનો વિશ્ર્વાસ એકત્રિત ન કરી શકયા તે વિશ્ર્વાસ ભારતીય સૈન્યએ જીતી બતાવ્યો છે. બીજી તરફ કાશ્મીરમાં અમન અને શાંતી સ્થાપવા માટે સૈન્યએ જે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે તે અત્યંત કારગત નિવડી છે. કાશ્મીરમાં ઈજારો ધરાવતા મહેબુબા મુફતી જેવા નેતાઓએ પ્રજાનો ભરોસો જીતવામાં અસફળ રહ્યા છે. હરહંમેશ સૈન્યએ દેશના હિત માટે અને દેશની રક્ષા માટે પોતાના જીવ ગુમાવ્યા છે પરંતુ હાલની સ્થિતિ મુજબ હવે મિલિટ્રી શહિદી વહોરવા માટે નહીં પરંતુ શત્રુઓને મોતને ઘાટ ઉતારવા માટે વધુ સજજ થઈ છે. શ્રીનગરમાં થયેલી મુઠભેદમાં હિઝબુલ મુઝાહિદીનના ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે સાથોસાથ સૈન્યએ ત્યાંની જનતાનો ભરોસો પણ જીત્યો છે.
જમ્મુ-કાશ્મીરનાં શ્રીનગર અને શોપીયાન વિસ્તારમાં રવિવારે અથડામણમાં સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા છે અને લશ્કર એ તોયબા સાથે સંકળાયેલા ત્રણ આતંકીઓને ધરપકડ પણ કરી છે. સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવેલી મુઠભેદ ૧૦ કલાક સુધી ચાલી હતી જેમાં સુરક્ષા જવાનોએ આતંકીઓને શરણાગતિ સ્વીકારવા આહવાન પણ કર્યું હતું પરંતુ નાપાક હરકતોને આધીન રહેલા આતંકીઓએ અંતમાં જયારે સુરક્ષા જવાનો પર ગોળીબાર કર્યો ત્યારબાદ માત્ર ગણતરીની જ મિનિટોમાં સુરક્ષા જવાનોએ આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હિઝબુલ મુઝાહિદીનનાં બે આતંકીઓની ઓળખ થતાની સાથે જ સૈન્યએ તેના માતા-પિતાને બોલાવી તેમને શરણાગતિ સ્વીકારવા પ્રયાસ કર્યો હતો જેના પર આતંકીઓએ ઈન્કાર કરતા આતંકીઓ સામે જવાબી કાર્યવાહીમાં તેઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. હાલ જે આતંકીઓનાં મોત થયા છે તેમાનાં એક આતંકીએ ગત માસમાં શ્રીનગરનાં પાંડચ વિસ્તારમાં બીએસએફનાં બે જવાનોની હત્યામાં તેની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું હતું.
સૈન્ય દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કે, જે આતંકીઓ તેમનાં ઘરમાં રહે છે અને જે લોકો તેઓને સાચવી રહ્યા છે તે દેશનાં શત્રુ છે અને જમ્મુ-કાશ્મીર કે જે પૃથ્વી પરનું સ્વર્ગ છે તેમાં શાંતી પ્રસરાવવાનાં બદલે આતંક ફેલાવી રહ્યા છે જેનાથી લોકોની સુખ-શાંતી પણ હણાય રહી છે. આ કાર્યવાહી બાદ સ્થાનિકોને ડર રહેલો હતો કે મુઠભેદમાં તેઓનાં મકાનોને ઘણી નુકસાની પહોંચશે પરંતુ સૈન્ય પરનો ભરોસો અને સૈન્યની શુઝબુઝથી લોકોનાં ઘરોમાં સહેજ પણ નુકસાની જોવા મળી ન હતી જેનો રાજીપો પણ સ્થાનિક લોકોએ વ્યકત કર્યો હતો.