રાહુલ ગાંધીએ આતંકવાદનો મુદ્દો બેરોજગારી સાથે સાંકળતા ભડકો
વિદેશમાં ભારતની છબી ખરડી હોવાનો આક્ષેપ
કોંગ્રેસના રાહુલ ગાંધીની જીભ લપસી જતી હોવાની ઘટનાઓ અવાર-નવાર માધ્યમોમાં આવતી રહે છે. રાહુલ ગાંધીના બાલીસપણા અંગે આક્ષેપબાજી થાય છે ત્યારે રાહુલ ગાંધીએ તાજેતરમાં જર્મની ખાતે સરકાર વિરુઘ્ધ સખત શબ્દોમાં વિરોધ કરવા જતા વટાણા વેર્યા હોવાનું જાણવા મળે છે.
રાહુલ ગાંધીએ જર્મનીની બુસેરીયસ સમર સ્કુલમાં સંબોધન કરતી વખતે આતંકવાદીઓને બેરોજગારી સાથે સંકળાવી દેતા વિવાદ વકર્યો છે. રાહુલ ગાંધીએ દેશમાં ભારતની છબી બગાડી હોવાના આક્ષેપ ભાજપ તરફથી થઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ આઈએસઆઈએસ જેવા ઘાતકી આતંકી સંગઠનનું ઉદાહરણ બેરોજગારી સાથે ભેળવી દેતા હવે તડાપડી બોલી રહી છે. એક વર્ગ એવો પણ છે કે રાહુલ ગાંધીએ આતંકવાદીઓને અડકતરી રીતે રોબીનહુડ સાથે સરખાવ્યા હોવાનું માને છે. શું બેરોજગારી હોય તો આતંકવાદી બની જવાય ? તેવો પ્રશ્ન પણ પુછી રહ્યો છે.
રાહુલ ગાંધીએ જર્મનીમાં કેન્દ્ર સરકાર સામે કરેલા નિવેદનોનો ભાજપે સખત શબ્દોમાં વિરોધ કર્યો છે. ભાજપે આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષની માફીની માંગ કરી છે. ભાજપે આક્ષેપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ આતંકવાદને ન્યાયીક ઠેરવવા માટે ફકત નરેન્દ્ર મોદી સરકાર પર શાબ્દીક પ્રહાર કરવા જુઠાણુ ચલાવ્યું છે. ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું છે કે, રાહુલ ગાંધીએ દેશને નીચો બતાવવા માટે એક પણ તર્ક છોડી નથી. જર્મનીમાં જઈ તેમને આપેલું ભાષણ જુઠાણાથી ભરેલું હતું.
ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ દેશનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીએ બિલકુલ બાલીસ વર્તન કર્યું હોવાનું તેમનું કહેવું છે. રાહુલ ગાંધી પાસે પરીપકવતાથી અપેક્ષા રાખવી યોગ્ય ન હોવાનું પણ તેમને કહ્યું છે. રાહુલ ગાંધી ભારત માટે ખુબ જ નીચો અભિપ્રાય ધરાવતા હોવાનો આક્ષેપ પણ સંબિત પાત્રાએ કર્યો છે.