હિન્દી-ચીની ભાઈ-ભાઈ……ની કહેવતના બદલે પાડોશી દેશ સાથે પરિસ્થિતિ તદ્ન વિપરીત જ રહેવા પામી છે. ચીનની સામ્રાજ્યવાદી નીતિના કારણે ડ્રેગનને કોઈ પડોશી સાથે માફક આવતું જ નથી. ત્યારે ભારત સાથેની સરહદ પર ચીનના વારંવારના ઉંબાડીયા સામે સતર્ક બનેલી સેના અને ભારતની વિદેશ નીતિમાં હવે આમુલ પરિવર્તન આવ્યું છે. ડ્રેગનને ઘેરવા અરૂણાચલથી અફઘાનિસ્તાન સુધી ભારતના ત્રિપાંખીયા વ્યૂહ સામે ચીનને હવે વારંવાર પેટમાં ચૂક ઉપડે છે. ચીન સાથે યુદ્ધના કડવા અનુભવ જેવા 1972ની પરિસ્થિતિ અને 2021ની ભારતની પરિસ્થિતિ અલગ છે. ભારતના બદલાયેલા રૂખ અને તૈયારીથી ચીન વારંવાર ગિન્નાઈ રહ્યું છે.
1972 અને 2021માં ભારતના બદલાયેલા રૂખ અને તૈયારીથી ‘ગિન્નાયુ’ ચીન
સંઘર્ષમય પરિસ્થિતિ વચ્ચે પણ સરહદ પર શસ્ત્ર સરંજામ-રસ્તા નેટવર્ક દુરસ્ત કરવા યુદ્ધના ધોરણે ચાલી રહેલી કામગીરીથી શત્રુના કાન થયા સરવા !
ચીનની સરહદ પર વિષમ હવામાનને લઈને નોમેન લેન્ડ જેવી સ્થિતિને બદલે હવે ‘મેન એવરીવેર’નો માહોલ: રેઢા રાજના ફાયદા કોઈને નહીં મળે
સંઘર્ષમય પરિસ્થિતિ વચ્ચે પણ સરહદ પર શસ્ત્ર સરંજામ, રસ્તા નેટવર્ક દુરસ્ત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. લેહ, લદ્દાખ, અરૂણાચલ પ્રદેશ અને હિમાલયના પેટાળની મરૂ ભૂમિ જેવી સરહદીય વિસ્તારમાં મોસમના કારણે વર્ષના મોટાભાગે કોઈ જઈ શકતું નથી. સરહદ પર નોમેન લેન્ડ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે જેનો લાભ દૂશ્મન લઈ રહ્યાં છે. સરહદ પર નોમેન લેન્ડ જેવી સ્થિતિના બદલે આંતર માળખાકીય સુવિધાઓ અને ખાસ કરીને રસ્તા અને કનેક્ટિવીટી માટે પુલના નિર્માણથી હવે મેન એવરીવેરનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. રેઢા રાજના ફાયદા હવે કોઈને નહીં મળે.
સડક, સુરંગ અને નાના મોટા પુલનું નિર્માણથી દુર્ગમ વિસ્તારો અને વાતાવરણના પડકારો સામે પહાડી વિસ્તારોમાં કનેક્ટિવીટી અને સૈનિકોની હાજરી માટે ભારતે છેલ્લા એક વર્ષથી યુદ્ધના ધોરણે કરેલી કામગીરીના હવે પરિણામો દેખાઈ રહ્યાં છે. ચીન સાથે વારંવાર થતાં સૈન્ય સંઘર્ષ વચ્ચે દુર્ગમ વિસ્તારોમાં પણ શસ્ત્ર પ્રણાલીઓ, એન્ટી મિસાઈલ ટેકનોલોજી તૈનાત કરવામાં આવી રહી છે. જો કે, સરહદ પર આંતર માળખાકીય સુવિધા મામલે ભારત હજુ ચીનથી ઘણું પાછળ છે પરંતુ આ અંતર જેમ બને તેમ ઓછુ કરવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે. ચીનની સરહદે 50 થી 60 હજાર સૈનિકોની તૈનાતી અને તેના રસાલા અને વ્યવસ્થા માટે સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગઈકાલે સરહદ પર બનેલી 12 સડકોનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં અરૂણાચલપ્રદેશમાં 20 કિ.મી.નો ડબલ લેન અને લદ્દાખ તેમજ જમ્મુ-કાશ્મીરને જોડતા એક રસ્તાનો સમાવેશ થાય છે. બીજી તરફ જનરલ એમ.એમ.નરવણેની આગેવાનીમાં કમાન્ડરોનું સંમેલન મળ્યું હતું જેમાં ચીન સામેની રણનીતિની ચર્ચા કરવામાં આવી રહી છે.
એક તરફ ચીન પૂર્વ લદ્દાખ હોડ સ્પ્રીન, ગોગરા, ડેમચોની સમસ્યાના નિવારણ માટે ગુંદા ગણી રહ્યું છે તેવી સ્થિતિમાં ભારતે સડક નિર્માણથી લઈ ભૂમિથી હવામાં પ્રહાર કરનાર મિસાઈલોની તૈનાતી શરૂ કરી દીધી છે. ભારત દ્વારા દુર્ગમ વિસ્તારોમાં અત્યાર સુધી 1200 કિ.મી.ની સડક બનાવી દીધી છે અને 2850 કિ.મી. પુરા કરીને હવે બાકીની 162 કિ.મી.નું કામ પૂર્ણ કરવામાં આવે એટલે જમ્મુ-કાશ્મીરથી લઈ અરૂણાચલ સુધી ઉત્તર કાશ્મીર સુધી સુરક્ષા કવચ ઉભુ થઈ જાય. 73ના યુદ્ધ અનુભવમાંથી શીખીને ભારતે દુર્ગમ વિસ્તારોમાં સડક નિર્માણનું કામ વેગવાન બનાવ્યું છે. 2022 સુધીમાં હિમાલયના ઉંચા વિસ્તારો અને નોમેન લેન્ડ જેવી ભૂમીમાં સૈનિકોની તૈનાતી અને ચારેતરફ જાગતી ચોકીઓ જેવી પરિસ્થિતિ ઉભી કરીને ચીન ડ્રેગનને ઘેરવાની રણનીતિ પર ભારત સફળ બનવા જઈ રહ્યું છે.
ભારતની સરહદીય સુરક્ષા અને વિદેશ નીતિમાં અફઘાનનું બહુમુલ્ય મહત્વ
ભારતના નિકટવર્તી મિત્ર રાષ્ટ્ર તરીકે અફઘાનિસ્તાનનું જૂના જમાનાથી ખુબ મહત્વ રહ્યું છે. આઝાદી બાદ ભારતના સર્વભૌમત્વ સરહદીય સુરક્ષા, વેપાર અને એક હિતેચ્છુ રાષ્ટ્ર તરીકે અફઘાનનું મુલ્ય સતત વધતું જાય છે. વિદેશ નીતિ અને દીર્ધદ્રષ્ટિમાં વડાપ્રધાન મોદીની મુસદીગીરી વિશ્ર્વમાં સરાહના થઈ રહી છે. વડાપ્રધાને પોતાના શપથવિધિમાં દુનિયાને મોટી મહાસત્તાઓ અને મોટા બેનરવાળા રાષ્ટ્રોના બદલે અફઘાનિસ્તાનના વડાપ્રધાનને મુખ્ય મહેમાન તરીકે ઈઝન આપીને ભારતની બદલાયેલી વિદેશ નીતિનો પરિચય આપ્યો હતો.
અફઘાનિસ્તાન પણ ભારતને પોતાના હિતેચ્છુ અને નિકટવર્તી મિત્ર ગણે છે. તાજેતરમાં જ વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે કતારી નેતા અને અમેરિકાએ નિમેલા અફઘાનિસ્તાનના જલમૈ ખાલીજાદે જણાવ્યું હતું કે, ભારત અને અફઘાનના સંબંધો હંમેશા સંતુલીત રહેતા આવ્યા છે. બીજી તરફ મંત્રી બાગચીએ પણ જણાવ્યું હતું કે, ભારત હંમેશા અફઘાનની સુરક્ષા, સલામતી, લોકતંત્ર, વિકાસ, માનવ અધિકારના જતન માટે અફઘાનના પડખે ઉભુ રહે છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે અફઘાનિસ્તાનના કતારી નેતાઓ સાથેની મસ્લતોને અફઘાનિસ્તાનની આર્થિક, સામાજીક પરિસ્થિતિને બદલવા માટે ભારત હંમેશા તત્પર રહેશે તેવું જણાવીને અફઘાનની મિત્રતાને ભારત માટે ઉપયોગી ગણાવી હતી.