અબતક, રાજકોટ
સ્થાનકવાસી જૈનોના પર્યુષણ પર્વના શુભારંભે ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે ‘ડુંગર દરબાર’ અમિન માર્ગ ખાતે ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરજમુનિ મહારાજ સાહેબ (ધીર ગુરુદેવ)એ પ્રવચન ધારામાં પર્યુષણ એટલે શું ? અને તેમાં પણ આઠ દિવસ કેમ ! વિવિધ સંપ્રદાયો, શ્રધ્ધા ભક્તિ, ઉપવાસ, ભ્રાંતિ, આત્માની શુધ્ધિ, દાન-ધર્મ, જપ, તપ, શીલ, ભાવ, સાદગી વગેરેનું મહત્વ અને તે અંગે વિસ્તૃત છણાવટ કરી હતી.
પૂ.ધીરજમુનિ મ.સા.એ જણાવ્યું હતું કે માત્ર ભેગા થવું એ પ્રસંગ છે જેમાં સાથે મળી ભેગા થઇ કોઇ કાર્યની ઉજવણી કરીએ તે પ્રસંગ છે. પરંતુ એક-મેક થવું એ એક પર્વ છે. જેમાં એક-બીજાના મય થઇ અને શ્રધ્ધા ભક્તિથી ઉજવણી કરીએ તે પર્વ છે.
યાત્રા કરવાના અનેક તીર્થોને વર્ણવી પૂ.ગુરુદેવે જણાવ્યું કે તીર્થમાં આપણે જવું પડે જ્યારે પર્વ સામેથી પધારે છે અને તેમાં પણ પર્વાધિરાજ પર્વ પર્યુષણ. એટલે શું ? તે અંગે અનેક વ્યાખ્યાઓ કરી કહ્યું કે જાતમાં વસતું તેનું નામ પર્યુષણ અને જગતમાં વસવું તેનું નામ પ્રદૂષણ તેઓએ એમ પણ કહ્યું કે સામાન્ય લોકો એવું વિચારે કે સંવત્સરી એક દિવસ હોય તો આ આઠ દિવસનો પર્વ કેમ ? પરંતુ સાત દિવસએ તૈયારીના છે. માટે આઠ દિવસનો પર્વ આમ પર્યુષણ પર્વના આઠ દિવસ પ્રદૂષણમાંથી બહાર નીકળી અને જાતમાં વસવાનું છે.
પોતાની સાથે અથવા પોતાની પાસેથી કામ લેવા માટે મગજનો ઉપયોગ કરવો જોઇએ. જ્યારે બીજાની પાસેથી કામ લેવું હોય ત્યારે હૃદ્યનો જેમકે પ્રેમ, લાગણી, ક્ષમા વગેરેનો ઉપયોગ કરવો જોઇએ. તારામાં તું નથી, મારામાં હું નથી પરંતુ પર્વાધીરાજ પર્યુષણમાં શું નથી….? એમ કહેતા પૂ.ધીરગુરૂ દેવે ઉમેર્યું હતું કે જો મન મક્કમ હોય તો મુશ્કેલ કશું જ નથી…
પૂ.ધીરગુરૂ એ જણાવેલ કે ‘નોડાઉટ’ ધર્મદિપ પ્રગટાવવા ‘નો ડાઉટ’ શંકા નહિં ‘નો ડીલે’ ધર્મમાં વાર નહીં, ‘નો ડીલ્યુઝન’ ભ્રાંતિમાંથી બહાર આવો, ‘નો રીફ્યુઝલ’ ઇન્કાર ન કરો. આ ચાર સૂત્રોને ટાંકતા તેઓએ જણાવ્યું હતું કે દિપ પ્રગટાવાથી રોશની થાય તે સ્વાભાવિક છે પરંતુ આપણે ધર્મદીપ પ્રગટાવવાનો છે. જે વસ્તુનો જે સ્વભાવ છે તે પણ ધર્મ છે. સૂર્યનો સ્વભાવ ગરમી આપે, બરફનો સ્વભાવ ઠંડક આપે, અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા આપે તેમ આત્માનો સ્વભાવ ન રાગ, ન ધ્વેશ માત્ર સમતા જે છે, જેમ છે તેને જુઓ જાણો એ નિશ્ર્ચય ધર્મ છે. જ્યારે કર્તવ્યએ વ્યવહાર ધર્મ છે.
વધુમાં ધર્મ અને સંપ્રદાયો અંગે તેઓએ જણાવ્યું હતું કે ભારતમાં ૨૦૦ જેટલા સંપ્રદાય છે. પૂ.ગુરૂ દેવે માત્ર જૈનો જ નહીં પરંતુ કોઇપણ જીવને આપણે કઇ રીતે મદદરૂ પ થઇ શકીએ તે પણ ધર્મ છે. દાતાની વ્યાખ્યા કરતા તેઓએ કહ્યું કે સરોવર કરતા વાદળા વખણાય, પૈસાદાર કરતા દાનવીર વખણાય અને પૈસા હોવા છતાં કીર્તી તો દાનવીરની જ થાય.
તેઓએ એમ પણ જણાવ્યું હતું કે હું અહિં ત્રીજી વખત આવ્યો છું પરંતુ ત્રીજી લહેરની ચિંતા કરતા નહીં જ્યારે સમગ્ર વિશ્ર્વને સંદેશ આપતા કહ્યું કે પર્યુષણનો આ આઠ દિવસ દરમિયાન એક કરોડ ૮ લાખ ‘નમો જિણાયં, જિય ભયાણં’ના પાઠ કરવાના છે.
નવકાર મંત્રથી શરૂ થયેલ પૂ.ધીરગુરૂ ની પ્રવચન ધારામાં ભ્રાંતિ વિશે વિસ્તૃત છણાવટમાં જ્યાં સુખ નથી તેને આપણે સુખ માનીએ છીએ. આવી ભ્રાંતિમાંથી બહાર નિકળવું જરૂ રી છે અને તેના માટે શ્રધ્ધા જરૂ રી અને માત્રને માત્ર શ્રધ્ધા હોય તો પણ બેડો પાર થઇ જાય.
પર્યુષણ પર્વના આઠ દિવસ ક્રોધ ન કરવો તે બાબતે પૂ.ગુરૂ દેવે જણાવ્યું હતું કે ક્રોધથી કર્મ છૂટશે નહીં આઠ દિવસ તો ક્રોધ ન જ કરીએ. તેઓએ ભ્રાંતિ વિશે પતિ-પત્નિનું દ્રષ્ટાંત આપી ભ્રાંતિમાંથી દૂર થવા. આત્માની વાતો જાણવા ઉપરાંત અહિંસા, તપ, સંયમ, ધર્મ વિશે તેમજ ધર્મના કાર્યમાં સંસારનું કામ ન કરવા પરંતુ સંસારના કાર્યમાં ધર્મને અવશ્ય લાવવા જણાવ્યું હતું અને ધર્મ એટલે કર્મને કાપવાની કાતર. જીવામાં સાદગી સ્વભાવમાં તાજગી વગેરેના આશિર્વાદરૂ પી વચનો ઉમેર્યા હતાં.
પૂ.ધીરગુરૂ દેવના સાનિધ્યે પર્યુષણનો ધર્મોલ્લાપૂર્વક શુભારંભ
મનીષ કોઠારી, આશા દેસાઈ, પાયલ અજમેરા ઉગ્ર તપસાધનામાં આગળ
શ્રી ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટના ઉપક્રમે બીનાબેન અજયભાઇ શેઠ પ્રેરિત પર્યુષણ પ્રવચન માળાના પ્રારંભે પોથી અર્પણ વિધિનો શ્રીમતિ રંજનબેન જે. પટેલ પરિવારે લાભ લીધેલ.
પૂ. ગુરુદેવે જણાવેલ કે- ધર્મદીપ પ્રગટાવવા નો ડાઉટ શંકા નહિ, નો ડીલે ધર્મમાં વાર નહી, નો ડીલ્યુઝન, ભ્રાંતિમાંથી બહાર આવો, નો રીફયુઝલ ઇન્કાર ન કરો.
તપસ્વી મનીષભાઇ કોઠારીને ૩૪મો ઉપવાસ, આશાબેન દેસાઇને ર૪મો અને પાયલબેન અજમેરાને ર૩મો ઉ૫વાસ છે. પુસ્તક અનુમોદનાનો સુશીલાબેન મનુભાઇ સંઘવી (જામનગર) અને શાસન પ્રગતિ ડીસ્કાઉન્ટનો લાભ જયશ્રીબેન નવીનભાઇ દોશી (કલકતા) એ લાભ લીધેલ. જયારે તીર્થકર નામાંકનવાળલ ઘડિયાળ નો અનેક ભાવિકોએ લાભ લીધેલ. રવિવારે સવારે ૯ કલાકે ભકતામર અને ૯.૩૦ કલાકે અહિંસા દીપ પ્રગટાવો વિષય પર પ્રવચન યોજાશે.
જૈન શાળાના બાળકોએ પર્યુષણ વધામણા નૃત્ય અને જીત રાજેશ પારેખે અંગ્રેજીમાં પર્યુષણની મહત્તા દર્શાવી હતી. સુચિત્રા મહેતાએ ભકિતગીત રજુ કરેલ.
કલકતાના શ્રી મહેશ કોઠારી અને શ્રી ભાવેશ દામાણી દંપતિ તેમજ ભાવના નિકુંજ શેઠ આરાધનામાં જોડાયા છે. ગૌ-માતા જીવદયામાં રૂ . ૧૧૦૦૦/- ની દત્તક યોજવામાં ભાવિકો જોડાઇ રહેલ છે.
જીવંત પ્રસારણ જોવા માટે…
‘અબતક’નું જીવંત પ્રસારણ ઇન કેબલ નં. ૫૬૧
ડેન નંબર ૫૬૭
સેવન સ્ટાર (મુંબઇ) ૫૪૦
રીયલ જીટીપીએલ ૩૫૦
ફેસબુક અને યુટયુબ પર પણ જીવંત પ્રસારણ જોઇ શકાશે
પૂ.ધીરગુરૂ દેવની પ્રવચન ધારાનું લક્ષ્ય ચેનલ પર વિશેષ પ્રસારણ
પર્યુષણ પર્વના પાવન દિવસો દરમ્યાન લક્ષ્ય ચેનલ પર પૂ.ધીરગુરૂ દેવના શુભંક્ર સાંનિધ્યે પ્રવચન ધારા
તા. ૪-૯-૨૦૨૧ થી
તા. ૧૧-૯-૨૦૨૧ દરમ્યાન વિશેષ પ્રસારણ દરરોજ સાંજે ૬:૦૦ થી ૭:૩૦ કલાક સુધી નિહાળી શકાશે.