કસરત કરતી વખતે ઉંમર મુજબ વ્યક્તિનો મેક્સિમમ હાર્ટ-રેટ કેટલો હોવો જોઈએ. તમારી ઉંમરનાં વષોર્ને ૨૨૦માંથી બાદ કરતાં જે આંક મળે એ થયો મેક્સિમમ હાર્ટ-રેટ. અલબત્ત, અચાનક અથવા તો વધુ સમય માટે આટલો હાર્ટ-રેટ રહે તો શરીર અને હૃદયને નુકસાન થાય. હૃદયને ફાયદો થાય એ માટે કસરત કરતી વખતે જેટલો હાર્ટ-રેટ જળવાવો જોઈએ એને ટાર્ગેટ હાર્ટ-રેટ કહે છે.
સામાન્ય રીતે મેક્સિમમ હાર્ટ-રેટના ૭૦ ટકા જેટલો હાર્ટ-રેટ કસરત કરતી વખતે અચીવ કરવો જોઈએ. એની ગણતરી કરવા માટે મેક્સિમમ હાર્ટ-રેટના આંકને ૦.૭૦ સો ગુણવાી જે અંક મળે એ છે તમારો ટાર્ગેટ. ધારો કે તમારી ઉંમર ૪૦ વર્ષ છે તો મેક્સિમમ હાર્ટ-રેટ ૨૨૦ માઇનસ ૪૦ એટલે કે ૧૮૦ એ તમારો મેક્સિમમ હાર્ટ-રેટ થયો.
હવે કસરત કરતી વખતે જે ટાર્ગેટ હાર્ટ-રેટ અચીવ કરવાનો છે એની ગણતરી કરીએ. મેક્સિમમ હાર્ટ-રેટના ૭૦ ટકા ગતિએ કસરત કરવાનું સ્વાસ્થ્ય માટે ઉત્તમ લાભદાયક ગણાય છે. એ માટે ૧૮૦ ગુણ્યા ૦.૭૦ કરીએ તો ૧૨૬ આંક મળે. વર્કઆઉટ કરતી વખતે તમારો હાર્ટ-રેટ ૧૨૬ સુધી પહોંચે અને એ મેઇન્ટેન થાય એ રીતે કસરતની ગતિ વધારવી, ઘટાડવી કે પછી અટકાવવી.
૨૦ મિનિટ સુધી સતત હાર્ટ-રેટ ૧૨૬ રહે એ ગતિએ કરવામાં આવેલી કસરત હૃદયને પૂરતી કસરત પૂરી પાડે છે. એમ કરવાથી કસરત કર્યા પછી પણ શરીરમાં એનર્જી ખર્ચાવાનું એટલે કે કેલરી બર્ન થવાનું થોડા કલાક સુધી ચાલુ રહે છે.