બાંધકામ ખર્ચને ઘટાડવા છ બાબતોનું ધ્યાન રાખવું અતિજરૂરી
કોરોના મહામારી બાદ ફરીવાર રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી આવી છે. લોકો પોતાના ઘરના ઘર માટે પ્લોટ્સની ખરીદી પણ કરતા થયા છે. મિલકત સંબંધી સર્ચ એન્જીન મેજિકબ્રિક્સ.કોમ અનુસાર રહેણાંક પ્લોટ્સની માંગમાં વધારો નોંધાયો છે. રહેણાંક માટે પ્લોટ્સની ખરીદી સરળ બની છે જો કે, ઘર બનાવવું સરળ નથી. ઘરનું ઘર વિકસાવવામાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે કે, બાંધકામનો ખર્ચ નિયંત્રણમાં રહે. જો બાંધકામ વેળાએ અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો બાંધકામના ખર્ચને ચોક્કસ ઘટાડી શકાય છે તેવું એનારોક પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટના રિસર્ચ વિભાગના ડાયરેકટર પ્રશાંત ઠાકુરનું માનવું છે.
આ અંગે આર્કિટેક્ટ ઓફિસ કોન્ટ્રાક્ટરનું માનવું છે કે બાંધકામમાં નાની નાની બાબતો નો ધ્યાન રાખીને ૧૨થી ૧૫ ટકા સુધી ખર્ચ ઘટાડી શકાય છે. બાંધકામનો ખર્ચ ઘટાડવામાં બાંધકામ નો વિસ્તાર પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય છે. સામાન્ય રીતે સરેરાશ પ્રતિ સ્ક્વેર ફૂટ રૂ. ૧૫૦૦નોં બાંધકામ ખર્ચ ગણી શકાય છે. બાંધકામની ગુણવત્તાનો પણ ખર્ચ સાથે સીધો સંબંધ છે. અતિ આધુનિક અને લક્ઝરી મકાનના બાંધકામમાં પ્રતિ સ્ક્વેરફુટ રૂપિયા બે હજાર સુધીનો ખર્ચ પણ આવી શકે છે. પરંતુ અમુક બાબતો નું ધ્યાન રાખીને ખર્ચને પ્રતિ સ્ક્વેર ફૂટ રૂપિયા ૫૦૦ સુધીનો ખર્ચ ઘટાડી શકાય છે. જો પ્રતિ સ્ક્વેર ફૂટ બાંધકામનો ખર્ચ રૂ. ૧૨૦૦ સુધી આવે તો તેને મિનિમમ ખર્ચ ગણી શકાય.
ગ્રીડ સ્ટ્રક્ચરનું બાંધકામ ઉત્તમ
તમારા સપનાનું ઘર ત્યારે જ બની શકે જ્યારે એક વિસ્તૃત ડિઝાઇન હોય. સામાન્ય રીતે ગ્રીડ સ્ટ્રક્ચરને વળગી રહેવું વધુ સારું છે કારણ કે, તેનઇ મજબૂતાઈ વધુ હોય છે અને ભારનો સામનો કરવામાં પણ સક્ષમ છે. આધુનિક સ્ટ્રક્ચર દેખાવમાં સારું લાગે છે પરંતુ તેની મજબૂતી ઓછી પણ હોઈ શકે છે. જો કે, માળખાકીય ઇજનેરો વધારાના આરસીસી દ્વારા ફેન્સી ફોર્મ્સ મજબૂત બનાવી શકે છે પરંતુ તે બિલ્ડિંગની કુલ કિંમતમાં ૬% સુધીનો વધારો કરે છે તેવું કોન્ટ્રાક્ટરનું માનવું છે.
પ્લોટની પસંદગીને વધારાના ખર્ચ સાથે સીધો સબંધ
પ્રશાંત ઠાકુર ના મત મુજબ બાંધકામનો ખર્ચ ઘટાડવા પ્લોટની પસંદગી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્લોટની પસંદગી વેળાએ પ્લોટનું લેવલ રોડના લેવલ થી સમકક્ષ હોય તો વધારાના મટીરીયલનો ખર્ચ ઘટી જતો હોય છે કારણ કે, જો પ્લોટનું લેવલ રોડના લેવલથી નીચુ હોય તો વધારાનું મટીરીયલ નાખીને રોડ અને પ્લોટ બંનેના લેવલ સમકક્ષ કરવું પડે છે જેના કારણે વધારાનો ખર્ચ ભોગવવો પડે છે.
આર્કિટેકટ અને કોન્ટ્રાકટરની નાની ભૂલ મોટો ખર્ચ વધારી શકે
બાંધકામના વધારાના ખર્ચને રોકવા સારા આર્કિટેક અને કોન્ટ્રાકટરની ભૂમિકા પણ મહત્વની હોય છે. જો આપનો કોન્ટ્રાકટર સારો હશે તો બાંધકામ ખર્ચ પણ ઘટી જશે. પ્રશાંત ઠાકુરના મત મુજબ સારો આર્કિટેક પ્લોટની ઉપલબ્ધ જગ્યાનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકે છે તેમજ ખર્ચને વધતો અટકાવી શકે છે. આર્કિટેકના પ્લાન અનુસાર જ તમામ બાંધકામ થતું હોય છે ત્યારે જો પ્લાનમાં ભૂલ હશે તો ચોક્કસ ખર્ચ વધી શકે છે. જો નિયત સમય મર્યાદામાં બાંધકામ પૂર્ણ ન થાય તો પણ ખર્ચ વધી શકે છે. જેથી કોન્ટ્રાકટર એવો હોઈએ કે, જે નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ કરી શકે.
ઝડપી અને સસ્તા બાંધકામ માટે પીઇબી પદ્ધતિનું સર્વશ્રેષ્ઠ
ઔદ્યોગિક બાંધકામમાં ઉપયોગમાં લેવાતું પ્રી-એન્જીનિયર્ડ બિલ્ડિંગ(પીઈબી)નો ક્ધસેપ્ટ હવે ધીમે ધીમે રહેણાંક બાંધકામમાં ઉપયોગી નીવડી રહ્યું છે. પીઈબી ક્ધસેપ્ટમાં સામાન્ય રીતે ગેલવેનાઇઝડ લોખંડના સળિયાનો ઉપયોગ સ્ટ્રકચરમાં કરવામાં આવે છે તેમજ દીવાલ અને ફ્લોર માટે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિના કારણે ઝડપી બાંધકામ અને ઓછામાં ઓછા ખર્ચનો લાભ મળે છે. જ્યારથી આ પદ્ધતિ પ્રકાશમાં આવી છે ત્યારથી બાંધકામ ખર્ચમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. ઉપરાંત આ પદ્ધતિથી મજૂરી ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થતો હોય છે.
રો-મટીરીયલની જથ્થાબંધ ખરીદી
બાંધકામમાં ઉપયોગમાં લેવાતું રો મટીરીયલ જેવું કે, ઈટ, રેતી, કપચી, સિમેન્ટ, લોખંડની ખરીદી સ્થાનિક ધોરણે અને જથ્થાબંધ કરવી હિતાવહ છે. સ્થાનિક ધોરણે ખરીદી કરવાથી ગુણવત્તાની ખાતરી મળે છે જ્યારે જથ્થાબંધ ખરીદી કરવાથી ભાવમાં પણ રાહત મળે છે જેથી સ્થાનિક ધોરણે કરેલી જથ્થાબંધ ખરીદી જ વધુ હિતાવહ છે.
બાંધકામનું આયુષ્ય ધ્યાને લેવું જરૂરી
બાંધકામ માટે સસ્તા પ્રોડક્ટ્સનો આગ્રહ રાખવો જોઈએ નહીં કારણ કે, સસ્તી પ્રોડક્ટ્સથી કરવામાં આવેલા બાંધકામની ગુણવત્તા પણ નબળી હોય છે જેથી બાંધકામ લાંબો સમય ટકી શકતું નથી જેથી નજીવા સમયે ફરીવાર બાંધકામ કરવાની ફરજ પડે છે. બાંધકામના ખર્ચમાં ફક્ત વન ટાઈમ ખર્ચ નહીં પરંતુ લાઈફ ટાઈમ ખર્ચને ધ્યાને લેવો જોઈએ. નબળી ગુણવતાવાળા મટીરીયલથી નજીકના સમયમાં ફરીવાર બાંધકામ કરવાની ફરજ પડતા વધારાનો ખર્ચ ભોગવવો પડે છે જેથી લાઈફટાઈમ બાંધકામને ધ્યાને રાખીને ગુણવતાયુક્ત રો મટીરીયલનો ઉપયોગ કરવો જોઈએ.