મનુષ્ય તરીકે આ મૃત્યુલોકમાં જન્મતાં પહેલા આપણે, તમે અને મેં પરમાત્માને અને પરમેશ્ર્વરીને કયા કયા વચનો આપ્યા હશે અને કઈ કઈ શરતો પાળવાની બાંહેધરી આપી હશે એ બધુ યાદ રાખવાનો અને તેનું પૂરેપૂરૂ પાલન કરવાનો ધર્મ મારે બજાવવો જોઈતો હતો. પણ હું વિસરી ગયો.. મા બાપ અને કૂળદેવતા -કુળદેવીને આપેલા વચનો મારે લખી લેવા જોઈતા હતા. જો એ પાળી બતાવ્યા હોત તો કોરોના વાયરસનાં કાતીલ ઘા ઉપર ઘા વેઠવાનો વખત કદાચ ન આવત !
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આખા દેશની પ્રજાને કરેલા સંબોધનમાં આપણે બધાએ માનવ તરીકે જન્મ લેતી વખતે આપણી પૃથ્વીને અને માનવજાતને આપેલા સંભવિત વચનોનું અને સંભવિત શરતોનું એક નિખાલસ તથા નેક દિલ વડાપ્રધાનની હેસિયતથી સ્મરણ કરાવ્યું છે. આ આક્રમણ એકલા ભારત ઉપર નથી, સમગ્ર વિશ્ર્વ ઉપર છે એમ દર્શાવીને તેમણે કોરોના વાયરસની વિઘાતક કટોકટીનો સામનો કરવાનો ધર્મ આ દેશની ધનિક, નિર્ધન, શિક્ષિત-અશિક્ષિત, વ્યકિતગત તેમજ સમૂહગત બજાવવો જ ઘટે એમ કહીને દેશના સવા અબજ લોકોને ગંભીર અને હૃદયભીની અપીલ કરી છે. રવિવારે જનતા-કર્ફયુ પાળીને તેમાં જોડાયાનો ઘંટારવ કરવાનો અનુરોધ કર્યો છે આપણે બધા તેમની અપીલને માથે ચઢાવીને તેમણે કહ્યું છે તે બધુ જ કરી બતાવીએ, એ આજનો તકાજો છે…
‘કોરોના વાયરસ’ કોની નીપજ છે, કોનું પાપ છે, કોની નિમક હરામી છે, કોનો કોનો વચનદ્રોહ છે, કોની કોની હરામખોરી છે, કોણે કોણે અને કઈ કઈ રીતે ભગવાન સાથે વચનદ્રોહ કરીને ઘોર પાપ આચર્યું છે અને ભગવાનને માનવજાત પ્રત્યે રૂ ઠવાનાં અનિષ્ટો આચર્યા છે એનો બધાનો જાયજો લેવાનું અત્યારે કસમયનું હોવા છતાં અનિવાર્ય છે.
ભગવાન કરી કરીને શું કરી લેશે, એટલી હદે ભગવાનની લક્ષ્મણ રેખાને ઓળંગી જવાની નાદાની આપણે બધાએ, ખાસ કરીને રાજકીય ક્ષેત્રની મતિભ્રષ્ટતાએ આચરી છે. જેની સામે રીતસર યુધ્ધ જાહેર કરીને અને એમાં વધુમાં વધુ હલકટાઈ ચલાવી લઈને એમાં લાંછન ભરી હાર ખમીને આપણે પંગુ તથા પાંગળા પૂરવાર થઈ ચૂકયા છે. માનવ જાતના મોટામાં મોટા શત્રુ સમા ભેળસેળના અનિષ્ટને આપણે દેશવટો આપી શકયા નથી. જાલીમશાહીનું અને હેવાનિયતનું પ્રદર્શન કરતા બળાત્કારીઓને ફાંસીએ ચડાવવાનાં દ્રશ્યો આઝાદી પછીના સીત્તેર-બોંત્તેર વર્ષેય આપણા દેશમાં બનતા રહ્યા છે.
આપણા દેશમાં દેશભકિત અને દેશદાઝનો દુકાળ પડયો હોવાનું કહેતા શહીદોના આ દેશને કોણજાણે કેમ શરમ આવતી નથી..આપણે સંસ્કૃત ભાષાને ખતમ કરી, ને એમ કરીને શ્રી કૃષ્ણ, શ્રી રામ, કાલીદાસ, ભવભૂતિ, વિક્રમ, ચાણકય, ચંદ્રગુપ્ત, સમ્રાટ અશોક, મહાત્મા ગાંધી, વેદકાલીન ઋષિ-મૂનિઓ અને વ્યાસ, વાલ્મિકી, ગૌતમ બુધ્ધ, મહાવીર, તુલસીદાસ, કબીર, નરસિંહ, મીરાબાઈ, રાધા, જશોદા સહિત અસંખ્ય નરપુંગવો, સંતો, સતીઓ, જોગીઓ-જોગમાયાઓ, સંસ્કૃત ભાષાના પ્રબુધ્ધો તેમજ એની અનિવાર્યતા દાખવતા રહેલા પંડિતો, સંગીતજ્ઞો તથા કળાધરો, વગેરેને સતત લોપતા જ રહ્યા…
સંસ્કૃતિ વિના, સંસ્કાર વિના અને નિજી સભ્યતા વિનાય કોઈ દેશ વિકાસ કરી શકે, કે જીવી શકે એવી ભ્રમણા અને મૂર્ખામીમાં આ દેશ ચૂંથાતો રહ્યો કોન્વેન્ટ કલ્ચરમાં લૂંટાતો-રિબાતો જ રહ્યો.
જો આપણા દેશની સંસ્કૃતિ, સંસ્કાર, સભ્યતા અને જીવનપધ્ધતિને સાબૂત કે જીવંત રખાયા હોત તો કમસેકમ આપણા દેશમાં કોરોના વાયરસ જેવા કોઈ પણ પ્રાણઘાતક વાયરસ પગપેસારો ન કરી શકયા હોત !
એમ કહી શકાય તેમ છે કે, કોરોનાનો ભારતમાં પગપેસારો ‘હાથનાં કર્યા હૈયે વાગ્યા’ સમો છે. ભગવાનને જન્મ વખતે આપેલા વચનોનું અને શરતોનું પાલન નહિ કરવાનું પરિણામ છે.કુદરતનાં સિધ્ધાંતોનું તથા ધર્મના આદર્શોનું પ્રમાણિક પણે પાલન નહિ કરવાનાં પાપે આજની સ્થિતિ સર્જી છે.
- કુદરતનો આ પ્રકોપ છે.
હમણા સુધી પાપાચાર કરતી રહેલી અને કુદરતની આચાર સંહિતાનું પાલન નહિ કરતી રહેલી માનવજાતની ચાતુરી, ભાષણખોરીની ચાતુરી તેમજ ભોળીભલી ગરીબ પ્રજાને ભરમાવી લેવાની પાવરધાઈ ભગવાન માન્ય રાખે એવી સાબિત થતી નથી. સતી તોરલે જેસલને આપેલી શિખ કોરોના વાયરસને કોઠે પડી શકે.
- ‘પાપ તારૂ પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે,
- તારી બેલડીને બૂડવા નહિ દઉ, જાડેજા રે, એમ તોરલ કૈછે જી’
આપણા નેતાઓ, ધર્માચાર્યો, ધર્મગૂરૂ ઓ અને સવા અબજ જેટલી પ્રજા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જે કાઈ કહ્યું છે એનું બરાબર પાલન કરે, માંગલ્યભીનો ઘંટારવ કરે, તોરલે કહ્યું એમ પાપોનું વિશુધ્ધ હૃદયે પાલન કરે, હજુ ધરમને સંભાળી લે અને હવે પછી હમણા સુધી કરેલા પાપો અને દુષ્કૃત્યોનું પૂનરાવર્તન નહિ કરવાનું સત્યપ્રતિજ્ઞાૂર્વક માતૃભૂમિને ચરણે બેસીને જાહેર કરે !
ભગવાનને સાથે રાખ્યા વિના આટલા બધા પાપોનાં પ્રતીક ‘કોરોના’નો કાળમુખો પડછાયો કાયમને માટે ને વહેલાસર નહિ હટે… અબતક પરિવાર ‘જનતા કર્ફયુ’માં જોડાશે પ્રભુને પ્રાર્થના કરશે અને વડાપ્રધાને રાષ્ટ્રનાં હિતમાં તેમજ જગતની માનવજાતનાં હિતમાં જે કાંઈ કરવાની હૃદયભીની અપીલ કરી છે તેનાં પાલનમાં પોતાનો સૂર પૂરાવશે!