આગોતરા વાવેતર માટે વરસાદ બાદ પણ પાણીની જરૂર પડે છે. એટલે કે આગામી બે દિવસમાં સારો એવો વરસાદ પડી જશે. પરંતુ ત્યારબાદ છેક સત્તાવાર રીતે ચોમાસુ ન બેસે ત્યાં સુધી પણ પિયતની વ્યવસ્થા હોવી જોઈએ. જે ખેડૂતોને પિયતની પૂરતી વ્યવસ્થા ન હોય તેઓ આગોતરા વાવેતરનું જોખમ લેવા ઇચ્છતા નથી હોતા. આવા ખેડૂતોને જો આગોતરૂ વાવેતર ન કરવું હોય તો તેઓએ શુ તકેદારી રાકવી તે અંગે ડો. ગોહિલે જણાવ્યું કે હાલ ખેતર ખાલી છે ત્યાં ખળ ઊગી જશે. વાવેતર ન કરવું હોય તો 4થી 5 દિવસ પછી તેનું રાપ હાંકી નિંદામણ કરી નાખવું. પછી વરસાદ આવશે ત્યારે જે નિંદામણ થવું જોઈએ તેનું પ્રમાણ નહિવત હશે.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા અગાઉ જાહેરાત પણ કરાઈ હતી કે, જૂન મહિના સુધી નર્મદા નીર ખેડૂતોને આપવામાં આવશે જેથી આગોતરા વાવેતરનું જોખમ મોટાભાગના ખેડૂતો લઈ શકે છે. કારણ કે તેઓને વાવાઝોડાના પગલે વરસેલા પાંચ ઈંચ જેટલા વરસાદ બાદ પિયર માટે નર્મદા નીર પણ મળતું રહેવાનું છે. જેથી મોટાભાગના ખેડૂતો આગોતરા વાવેતર તરફ વળે તેવી શકયતા છે. પરંતુ જે ખેડૂત આગોતરા વાવેતર તરફ ન વળે તેઓએ સમયસર નિંદામણ કરી લેવું જોઈએ તેવી સલાહ ડો.ગોહિલે આપી છે. આ મુજબ જો ખેડુતો નિંદામણ કરી લેશે તેઓ ચોમાસું વાવેતર વધુ સારી રીતે કરી શકશે અને સારી ઉપજ પણ મેળવી શકશે.