વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની 136 કરોડની કુલ વસ્તીમાંથી 100 કરોડ નાગરિકોને કોરોના રસીનું સુરક્ષા કવચ આપવામાં તંત્રએ ખૂબ જ ઝડપથી જે સિદ્વિ પ્રાપ્ત કરી છે તે ખરેખર સરાહનીય હશે, વિશ્ર્વના તમામ દેશો માટે ભારતના સો કરોડ ડોઝની ઉપલબ્ધિ એક આદર્શ ઉદાહરણ બની રહેશે. આ સિદ્વિ દેશની આંતર માળખાકીય સુવિધા અને વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયથી પ્રાપ્ત થયેલી એક ઐતિહાસિક સફળતા બની રહેશે, તેમાં બેમત નથી.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં સૌના સહકાર અને ખાસ કરીને વૈજ્ઞાનિકો અને આરોગ્ય વિભાગની મહેનતથી પ્રાપ્ત થયેલી આ સિદ્વિ દેશની સમગ્ર વિશ્ર્વમાં ગરિમા વધારનારી ગણાવીને સાથેસાથે સાર્વજનિક રીતે સો કરોડની સિદ્વિ સાથે આત્મવિશ્ર્વાસ ભલે વધે પણ જેવી રીતે ચાલુ યુદ્વમાં હથિયાર હેઠા ન મૂકાય તે રીતે કોરોના સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી સાવચેતી અને સતર્કતામાં જરાપણ ચૂક કરવી પોષાય તેમ નથી. તેમ જણાવીને હજુ આ લડાઇ લાંબી ચાલશે તેવો નિર્દેશ આપી દીધો છે. કોરોનાના આરંભથી જ આ બિમારી કાચિંડાની જેમ રંગ બદલનારી બની રહી છે. ત્યારે સો કરોડ રસીના ડોઝ પછી શુ?
રસીકરણ અભિયાન કોરોના મહામારીને અટકાવવામાં કેટલા અંશે સફળ માનવું જોઇએ? કોરોના ફેલાવવાની માન્યતામાં શરૂઆતમાં આ વાયરસ સપાટી પર સ્પર્શથી ફેલાતું હોવાનું માનવામાં આવતું હતું, પછી શ્ર્વાસ અને હવામાં વાયરસના સંક્રમણની શક્યતાથી માસ્ક અને દો ગજ કી દૂરી જેવી સાવચેતીની હિમાયત કરવામાં આવતી હતી. હવે વાયરસ અને શરીરની અંદરની રોગપ્રતિકારકશક્તિ અને એન્ટીબોડીથી કાબૂમાં રાખી શકાય તેવી માન્યતા ઉભી થઇ છે. એક પછી બીજા અને બીજા પછી ત્રીજા વેરિયન્ટ સુધી કોરોનાની આ ભૂતાવળ સફર કરી ચુકી છે હજુ કેટલા વેરિયન્ટ આવશે તે નક્કી નથી.
કોરોનાની સારવાર, રસીની શોધ, તેની બનાવટ, અસરકારકતા, રસીની માત્રા, તેનું પ્રમાણ, બે રસીઓનું સંયોજન, શરીરમાં એન્ટિબોડીનું નિર્માણ, તેની અસરકારક, સમયાવધી જેવા પરિબળો હજુ ઉકેલ માંગતા કોયડા બની રહ્યાં છે ત્યારે આજે દેશભરમાં સો કરોડની ઉપલબ્ધિને ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. 136 કરોડમાંથી 100 કરોડને સુરક્ષાકવચ અપાયું છે.
હજુ બાકીનાઓને આપવાની કામગીરી બાકી છે. સો કરોડની જેમ 100 ટકા રસીકરણ માટે આપણે પ્રયાસ અને પ્રવાસ કરવાનો છે. આજે રસીકરણના ટાર્ગેટ એચિવમેન્ટ માટે જશ્ન અને આતશબાજી થાય છે અલબત્ત રસીકરણ ઝુંબેશ દરમિયાન જે પરિવારે કોરોનામાં પોતાના સ્વજન ગુમાવ્યા હોય તેવા પરિવાર માટે આજની ઉજવણી કેવી લાગણી ઉદ્ભાવનારી બની રહે તે તો જેણે કોરોનામાં આપ્તજન ખોયા હોય તેને જ ખબર હોય, સો કરોડના ટાર્ગેટ પાર કરવાની આ ઉપલબ્ધિ કોરોનાના જન્મમાં એક સિમાંચિહ્નરૂપ ગણાય પણ વિજય રેખા તો જ નથી બનવાની.
કોરોનાની આ ભૂતાવળ લાંબો સમય માનવ સમાજ પીછો છોડવાની નથી એ વાત ક્યારેય ભૂલવાની ભૂલ ન થાય તેની તકેદારી જરૂરી બની છે. સુરક્ષા કવચ અસરકારકરીતે કામ કરશે જ પણ આ યુદ્વ હજુ ચાલી રહ્યું છે ત્યારે હથિયાર હેઠા મૂકવાના ના નથી. 100 કરોડના આંક 136 કરોડ સુધી પહોંચાડવાની સાથેસાથે કોરોના સંપૂર્ણ નામશેષ કરવાનું લક્ષ્ય જ અંતિમ ધ્યેય બનાવવું પડશે.