આલણદેમાં રૂપ હતું , થનગનતી જુવાની હતી, રાજરાણીને ઓપ આપે એવો મિજાજ હતો… પરંતુ… એના હૈયામાં કુણપ નહોતી, આંખમાં મીઠપ નહોતી, વાણીમાં અમી નહોતાં
એક જ સપ્તાહમાં નાગવાળો જોઈ શક્યો હતો કે લાડકોડમાં ઊછરેલી આલણદેને સમજાવવી ભારે કઠણ છે જે માનવી બીજાની વાત સાંભળે જ નહિ અને પોતાની વાતને પકડી રાખે તેને કેવી રીતે સમજાવાય ?
નાગવાળાના લગ્નજીવન પર એક સપ્તાહ વીતી ગયું. આ એક જ સપ્તાહમાં નાગવાળાને જે અનુભવ થયો તે ભારે દર્દભર્યો હતો. નાગવાળાએ જીવનના સથવારાની જે કલ્પના કરી હતી, તે એક જ સપ્તાહમાં વેરાઈ ગઈ.
આલણદેમાં રૂપ હતું , થનગનતી જુવાની હતી, રાજરાણીને ઓપ આપે એવો મિજાજ હતો … પરંતુ … એના હૈયામાં કુણપ નહોતી. આંખમાં મીઠપ નહોતી . વાણીમાં અમી નહોતાં.
નાગવાળો દિવસના ભાગમાં તો ઓરડે જઈ શકતો જ નહોતો. છેક પોઢણ આરતી પછી વાળુ કરી, બાપુ પાસે ઘડીક બેસી, ભાઈબંધો સાથે વાતવિનોદ કરીને પછી તે ઓરડે જતો હતો.
અને ઓરડે જતાં જ તેનો સત્કાર હૈયાના ઉમળકાથી નહોતો થતો … મનમાં ફૂલડાંની મહેક નહોતી પથરાતી.
ઊકળતી આંખડીયે, વીંધાતો વાળો નાગ
વાતે વાતે કરાગ,
આલણદેના એંકારનો
કેમ આટલું મોડું કર્યું ? સવારના જાઓ છો તી પાછું મોઢુંયે દેખાડતા નથી … શું મારામાં કાંઈ ખોડખાંપણ છે ? શું મનડું બીજે કાંય કોળ્યું છે ?
આવા પ્રશ્નોના હારમાળા સર્જાતી અને પિતાના શબ્દો હૈયે રાખીને નાગવાળો સમસમીને બેરી રે’તો.
એક જ સપ્તાહમાં નાગવાળો જોઈ શક્યો હતો કે લાડકોડમાં ઊછરેલી આલણદેને સમજાવવી ભારે કઠણ છે . જે માનવી બીજાની વાત સાંભળે જ નહિ અને પોતાની વાતને પકડી રાખે તેને કેવી રીતે સમજાવાય ?
આઠમે દિવસે નાગવાળાએ મનમાં નક્કી કર્યું … થનગનતું લોહી છે … પડ્યો બોલ ઝિલાવો જોઈએ એવા અધિકારથી ટેવાયેલી છે . . .આવી સ્ત્રી સામે હઠ કરવાથી કંઈ વળે નહીં . ધીરે ધીરે એનું મન થાળે પડી જશે, અહીેંની રીતભાત જેશે , અહીના માનવીઓમાં હળશે – મળશે . મારા સ્વભાવને પારખવાની કંઈક તાલાવેલી જાગશે એટલે આપોઆપ પીના ઠામમાં ઘી ભરાઈ જશે.
નાગવાળાએ આ રીતે મનને તસલ્લી આપી અને આ જ રાતે વાળુ કરીને તરત ઓરડે જવું અને આલણદે સાથે મીઠાશથી વાતો કરવી એમ મનથી નકકી કયું.
પરંતુ માનવી ધારે છે કંઈ અને સર્જાય છે કંઈ . જો માનવીનું ધાર્યું થતું હોય તો સંસાર સાવ રસહીન બની જાય અથવા ક્લરવ શૂન્ય થઈ જાત !
જીવરામ વૈઘની દવાનાં માત્ર ત્રણ જ પડીકાં ખાઈને ધમ્મરવાળા સ્વસ્થ થઈ ગયા હતા. વૈદરાજે આગ્રહ કર્યો કે એકાદ અઠવાડિયું દવા લો તો પાછો ઊથલો ન મારે ! પણ ધમ્મરવાળા માન્યા નહિ … હસીને બોલ્યા : ‘વૈદરાજ, દવાયું – બવાયું તો બધી હૈયાળો આપનારી કહેવાય . ખરી દવા તો ભગવાનની કિરપા છે . જે દી એનો સાદ પડશે તે દી કોઈનો કારી નહીં ચાલે !’
આવા વિશ્વાસ આગળ વૈઘ શું કરે ?
ધમ્મરવાળાએ એકના એક દીકરાના આગ્રહને વશ થઈ દવા લીધી હતી . પણ આઠમને દિવસે બપોરે નીંદર કરીને ધમ્મરવાળો ઊઠ્યા ત્યારે તેમનું શરીર તૂટતું હતું . પગમાં કળતર થતી હતી અને માથું કંઈક ભારે જણાતું હતું.
આજ સવલો ઘડીક આવેલો … ત્યાર પછી ડોકાયેલો જ નહોતો. બાપુએ એક બંધાણી જે ઓરડાના બારણા પાસે બેઠો બેઠો ઝોલે ચડ્યો હતો … તેને બૂમ મારી : ‘અલ્યા રૂખડગર !’
‘આવ્યા બાપુ….’ કહી બાવા રૂખડગરે એક ખોખારો ખાધો અને ઢોલિયા પાસે આવીને બોલ્યો શું જોઈ, મોટા બાપુ? ’
‘ઓલ્યા સવલો દેખાતો નથી … આવ્યો છે કે નંઈ ? જો આવ્યો હોય તો આઈ મોકલ ! ’
‘જી …’ કહીને બાવો ઓરડા બહાર નીકળી ગયો.
આજ નાગવાળો સીમમાં ગયો હતો. બે ખેડૂતો વચ્ચે શેઢા બાબતની તકરાર ચાલતી હતી … ગામમાં ક્યાંય કરાગ ન રહેવો જોઈએ અને સહ ભાઈયું માફક રહેવા જોઈએ – આવી નીતિ ધમ્મરવાળાની હતી . તેઓ માનતા હતા કે, ‘દરેક માનવી સમાન મનનો કે વિચારના હોય નહિ. કોઈ ઊદોર હોય, કોઈ સ્વાર્થી હોય તો કોઈ સાંકડા મનનાં હોય !ે પણ જો સહુ સંપીને રહેવાનું નક્કી કરે તો પછી બળતરા આપોઆપ શો થઈ જાય !
ે અને ગામનો સંપ જાળવી રાખવા ખાતર કોઈ પણ પ્રકારના નાના મોટા ક્લહને તરત ડામી દેવામાં ધમ્મરવાળાને ગામનું કયું દેખાયું હતું.
ધમ્મરવાળો વારંવાર કહેતો કે, રોગ, અગ્નિ ને કજિયો ત્રણ ય સરખાં છે. કોઈને વધવા ન દેવાય.
બંને ખેડૂતોના મનનો કચવાટ દૂર કરી અને બંને ખેડૂતોને ભેરુ બનાવી નાગવાળો પોતાની માણકી ઘોડી પર બેસીને દરબારગઢમાં આવ્યો ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો …
બાપુને તાવ આવ્યો હતો . ડેલીએ એક રખોપિયા સિવાય કોઈ નહોતું … ચારપાંચ માણસો, જે કાયમી ડાયરામલ્લ ગણાતા તે મોટા બાપુ પાસે ઓરડે બેઠા હતા.
નાગવાળો સીધો ઘોડાહારમાં ગયો . માણકીને બાંધી પલાણ, દળી વગેરે ઉતારી માણકીની પીઠ પર હાથ પંપાળી એક માણસને ઘાસ નાખવાનું કહી તે બાપુને મળવા પાછો વળ્યો . સોએક ડગલાં ચાલ્યો હશે ત્યા આલણદેની બાનડી જેઠી સામી મળી અને બે હાથ જોડીને બોલી : ‘ખમ્મા મારા રાજને ! મારાં બા આપને કા’રુંનાં યાદ કરી રહ્યાં છે ! ’
‘તારાં બાને કહેજે … હું સીમમાં ગીયો’તો. હજી હાલ્યો આવું છું … મોટા બાપુને મળીને અબઘડી આવ્યો ! ’ ’ કહી નાગવાળો પિતાના ઓરડા તરફ વળ્યો.
બાપુને આજ નમતા બપોર પછી તાવ આવ્યો છે એ વાતની ખબર નાગવાળાને નહોતી.
નાગવાળો જેવો ઓરડામાં દાખલ થયો કે તરત જ મોટા બાપુના પગ દાબી રહેલો સવલો બોલી ઊઠ્યો : ‘નાના બાપુ, આપની આવરદા પૂરાં સો વરહની છે ! હજી મોટા બાપુ સંભારતા’તા ને તમે ઓરડામાં પગ મેક્યો ! ’ ’
‘કેમ , બાપુ અત્યારના સૂઈ ગયા ?’
‘જરા પગનું કળતર થાતું’તું . મનજી ને કરસનનો કરાગ મટ્યો ?’
‘હા બાપુ … ઈ પતી ગીયું.’ કહી નાગવાળાએ ઢોલિયા પાસે જઈ પિતાના કપાળ પર હાથ મૂક્યો.
કપાળ ચૂલે મૂકેલી તવી જેમ ધખતું હતું. નાગવાળો બોલ્યો:
‘બાપુ, તમને તોતાવ ચડયો લાગે છે !’
‘અમથું જરાક તપી ગયું છે…’ કહી ધમ્મરવાળો જરાક મરકયા.
નાગવાળાએ સવલા સામે જોઈને કહ્યું : ‘સવલા , તું વૈદબાપાને બોલાવી આવ્ય ! જો વચ્ેચે કયાંય વાર્તુયે ચડતો નંઈ!’
સવલો ઊભો થાય તે પહેલાં જ ધમ્મરવાળાએ ખાટલામાંથી બેઠાં થતા કહ્યું: અરે નાગ… બાપ ! વૈદડા બૈદડાની કંઈ જરૂર નથી પેટમા રોટલો ને ખીચડી પડશે એટલે ગરમાવો હાલ્યો જશે ! તું જરાય ફકર કરે માં.’
‘બાપુ … આપ જ કે’તા’તા કે ઊગતા દશમનને ને ઊગતા રોગને તરત ડાંભવો જોઈએ.’
‘ઈ તો હું હજીય કહું છું … બેટા, આ તો ડાહ્યા પુરુષોએ નક્કી કરેલી નીતિ કે’વાય … એમાં કાંઈ મીનમેખ નોં હોય … આ તો અવસ્થાવાળાની વાત જુદી છે … એને ઊગતા આથમતાનું કાંઈ નોં હોય ! તું હાથપગ ધોઈ કપડાં બદલાવી લે … પછી હારે વાળુ કરશું.’
નાગવાળાએ કહ્યું : દવા નોં કરવી હોય તો પછી જોવાશે … પણ એક વાર જીવરામબાપા ભલે આવી જાય … અલ્યા, હજી તું ઊભો નથી થીયો ?’ નાગવાલાએ સવલા સામે નજર કરી.
સવલો તરત ઊભો થતાં બોલ્યો : ‘અબસાત આવ્યો !’
સવલો ઓરડા બહાર નીકળી ગયો એટલે નાગવાળાએ કહ્યું : ‘બાપુ , તમે સૂઈ જાઓ … હું પગ દબાવું છું.’
‘પહેલાં તું હાથમોં ધોઈ આવ્ય … પછી નિરાંતે બેસજે.’
નાગવાળો ઊઠીને બહાર ગયો.
આજ વહેલા વાળું કરીને પત્નીના મનને સંતોષ આપવાનો તેણે વિચાર કર્યો હતો અને અત્યારે પત્ની વીસરાઈ ગઈ હતી.
ધમ્મરવાળાએ રૂખડગરને બોલાવીને કહ્યું : ‘રૂખડગર, તું રસોડે કહી આવ્ય ! બે થાળી આંઈ જ મોકલે.’
ઓરડામાં કોડિયાના બે દીવા બળી રહ્યા હતા . રૂખડગર ઊઠીને ચાલતો થયો. ત્યાં બેઠેલા ચાર પાંચ જણશમાંથીએકે કહ્યું ‘બાપુ, તમને કોઈ દી અનરવાઈ થઈ હોય એવું મેં સાંભળ્યું પણ નથી.’
જાગા , નરવાને અનરવાઈ એટલે જરા આકરી લાગે અને હવે કાંઈ કાયાનો વાંક છે ? નાગની માના મોત પછી આમેય કાળજું ખખડી ગીયું’તું …’ આ તો મારા નાથનો પાડ માનું કે નાગને ઘરભારી થતો હું જોઈ શક્યો. બાકી, હવે મડાને વીજળીનો ભો હોય નહિ !’
બીજા એક કાઠી ગલઢેરાએ કહ્યું : ‘બાપુ , ભાઈની ઇચ્છાને રોકશો નઈં. ભલે બેચાર દી દવા લેવી પડે.’
‘ઇચ્છાને રોકું તોય નાગ ક્યાં માને એવો છે ? જુવાનજોધ થીયો તોય હજી બાળક જેવો જ છે.’ ધમ્મરવાળાએ કહ્યું.
‘ મા બાપની નજરે તો છોરું બાળરાજા જ ગણાય … બાકી, નાના બાપુએ ખાંભલીને બચાવવામાં જે તેજ દેખાડ્યું છે તે કાંઈ જેવું તેવું નો કહેવાય ! હજી હાથનાં મીંઢળ છૂટ્યાં નથી … ચાર આંખો મળી નથી …. અને હાકલ પડતાં જ સાબદા થવું ઈ કાંઈ નાની વાત નથી ! મોટા બાપુ, આપના કળમાં એક રતન છે … દીવો છે !’ ત્યાં બેઠેલા ગામોટે કહ્યું,
થોડી વારમાં જ સવલો જીવરામ બાપાને લઈને આવી પહોંચ્યો.
ઓરડામાં દાખલ થતાં જ સવલાને ધમ્મરવાળાએ કહ્યું : ‘જો, ભાઈ, હાથપગ ધોવા ગીયો છે … ઝટ બોલાવી લાવ. ને વૈદરાજ સારું ચાકળો પાથર.’
સવલાએ એક ચાકળો ઢોલિયા પાસે મૂક્યો … અને તે નાગવાળાને બોલાવવા ઓરડા બહાર નીકળી ગયો.
નાગવાળો હાથમોં ધોઈ આવતો હતો … સવલાએ સામે જઈને કહ્યું : ‘જીવરામ બાપા આવી ગયા છે.’
‘સારું થીયું … તું ઉપર જા. ને મીઠી કે જીવીને કહીને મારાં લૂગડાં લેતો આવજે.’
‘ભલે . પણ …’
‘વળી પણ ક્યાંથી આડું આવ્યું ?’
‘નાના બાપુ , વાત કે’વાય એવી નથી . મારી ઘરવાળી આપનો લગ્ન ઉપર પોતાની ચારેય બે’નોને તેડાવી હતી . કોણ જાણે સુદ વદનો ગોટો થઈ ગીયો કે શું થયું … ચારેય બે’નું આજ છોકરાં બોકરાં સાથે આવી પડી ! કઠણાઈ તો ઈ બેઠી છે કે ધીરે કોઈ જણ નથી….’
‘ તો એમાં શું ? મોટા બાપુની દવા લેવા જા તઈ ઘીરે આંટો
મારતો આવજે.’ કહી નાગવાળો બાપુના ઓરડા તરફ ગયો.
નાગવાળો ઓરડામાં દાખલ થયો એટલે તે જોઈ શક્યો કે વૈદરાજ બાપુની નાડ તપાસી રહ્યો છે.
નાગવાળો આસ્તેથી એક તરફ બેસી ગયો.
નાડી , પણ વગેરે જોઈને વૈદરાજે નાગવાળા સામે જોઈને કહ્યું : ‘બાપુને આમજવર લાગે છે … બરાબર બાવીસમે દિવસે ઊતરશે ઉકાળેલું ઠારેલું પાણી ને સાવ મોળી છાશ સિવાય કાંઈ ખોરાક દેવાશે નઈ.’
ધમ્મરવાળાએ હસતાં હસતાં કહ્યું : ‘જીવરામ, બીજા વૈદોના તો મને ખબર નથી … પણ તું આમ વળતી ઉંમરે ભે નાખતાં ક્યારનો શીખી ગયો ? બાવીસ દી સુધી છાશ ને પાણી ! આવી તે પરેજી હોય ? તારે જોવું હોય તો દૂધ, ખીચડી ને રોટલો ખાધા પછી મારો તાવ પૂંછડી વાળીને ભાગશે !’
જીવરામ વૈદે ગંભીર સ્વરે કહ્યું : ‘બાપુ , બધા તાવ સરખા નથી હોતા … આ તાવ મને આમજવર જ લાગે છે અને આ બધા તાવમાં ખોરાક લેવો ને ઝેર લેવું બેય બરાબર . ’
‘ શું બાવીસ દી સુધી તાવ રે’શે ?’ નાગવાળાએ સવાલ કર્યો.
‘હા … અઠવાડિયામાં મોળો પડી જાશે … પણ ઊતરશે બાવીસમા દિવસે. અને આ તાવમાં તો ખૂબ સાવધ રહેવું જોઈએ. જો ખોરાક લેવાય અને વિકાર વધે તો સનેપાત જેવું થઈ જાય … એટલે મારી ખાસ વિનંતી છે કે મોળી છાશ ને ઉકાળેલા પાણી સિવાય કાંઈ ન લેવું !’
એક કાઠી ગલઢેરાએ કહ્યું : જીવરામ, તારી વાત જ કોઈને સમજાય નંઈ . અલ્યા , અન્ન સમા પ્રાણ છે . . .બાવીસ દી સુધી કાંઈ ખાય નહીં તો ગજબ જ થઈ જાયને … ? અમે અમારી જિંદગાનીમાં આવો તાવ કે’દી યે સાંભળ્યો નથી .’
‘જીવરામ વૈદે કાઠી ગલઢેરા સામે જોઈને કહ્યું : ‘આપા , હું મોટા બાપુ દસ વરસ જીવે એટલા માટે ખોરાક બંધ કરાવું છું . અન્ન સમા પ્રાણ નથી પણ પ્રાણ માટે અન્ન છે . અન્નમાં જેમ અમૃત છે તેમ વખ પણ છે.’ આટલું કહીને વૈદરાજે મોટા બાપુ સામે જોઈને કહ્યું : ‘મોટાબાપુ , મારા નિદાનમાં કોઈ દી ફરક પડ્યો નથી … અને હું તો આપનો આશ્રિત છું … આપને દુ:ખી કરવા કેમ ઇચ્છું ?’
નાગવાળાએ કહ્યું : ‘વૈદબાપુ , તમે કહો છો તેમ જ પરેજી પળાવીશ . બીજી કાંઈ પરેજી ? ’
‘… આ તો ખાવાપીવાની પરેજી થઈ … પણ બાપુએ પથારીમાં સૂઈ રહેવાનું છે . કળશ્યે જાવું હોય તો પણ ઓરડા બારુ નોં નીકળાય … અને મોટા બાપુનાં કપડાં રોજ ધોવરાવવાનાં , ગાદલાની ચાદર પણ રોજેરોજ બદલાવવાની અને એમની પાસે બેથી વધારે માણસોએ બેસવું પણ નંઈ.’
‘અરે જીવરામ ! તે તો મને બંદીખાને નાખ્યો ! હવે અમથો જરાક તાવ આવ્યો છે એમાં આવડી મોટી રામાયણ ? તું ફરી વાર નાડી જો … ક્યાંક ભૂલ તો નથી ને ?’ ધમ્મરવાળાએ કહ્યું.
જીવરામ વૈદે ફરી વાર નાડી હાથમાં લેતાં કહ્યું : બાપુ , વાંદરો બુઢ્ઢો થાય પણ તરાપ ન ચૂકે હાં ! નાડી પોતે જ મારા કાનમાં કીયે છે કે આ તાવ બાવીસો છે . આમાં પરેજી પાળ્યા વગર છૂટકો નઈં.’
ધમ્મરવાળો કંઈ બોલ્યો નહિ.
નાગવાળાએ કહ્યું : ‘વૈદબાપુ, તમે જેમ કે’શો તેમ જ થાશે. હવે દવા તરત મોકલો.’
વૈદે મોટા બાપુને હિંમત આપવા કહ્યું : ‘મોટા બાપુ, આ તાવ ન મટે એવો નથી … માટે આપ કોઈ પ્રકારની ચિંતા કરશો નહિ . આ દરદો એવાં હોય છે કે કાળજી રાખવાથી એની મુદતે મટી જાય . હું આપને ખાતરી આપું છું કે એકવીસ દિવસ સુધી લાંઘણ કરવાથી આપને જરાયે વાંધે નઈં આવે … કાયામાં નવું ચેતન આવશે ને બધો દોષ પાકીને કોઠો શુદ્ધ થઈ જાશે.’
‘જીવરામ, મોતનો તો મને ભોં છે જ નઈં … આ તારી પરેજી કાળજે વાઢ મૂકે એવી છે … હવે જો છૂટ આપે તો આજ દીકરા ભેગો જમી લઉં…’
‘ ના બાપુ … વૈદામાં છૂટ આપવાની વાત જ નથી … માત્ર દરદીની હિતની વાત છે અને વાત જરા કડવી હોય તો પણ વૈદે ન છૂટકે કહેવી પડે છે.’ કહી જીવરામ વૈદ ઊભા થયા.
નાગવાળાએ સવલાને બૂમ મારી. પણ સવલો હજી કપડાં લઈને આવ્યો જ નહોતો.
આલણદે એની સાથે વાત કરી રહી હતી .