ઘેટાના શરીરે ઇજાના નિશાનો જોવા મળ્યા: જંગલી કૂતરુ કે નાયડુ જેવું જનાવર હોવાની શકયતા
ધ્રોલના મજોઠ ગામે જંગલી જનાવરે 50થી વધુ ઘેટાનું મારણ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘેટાના શરીરે ઇજાના નિશાન પણ જોવા મળ્યા છે. આ ઘેટા ઉપર જંગલી કૂતરું કે નાયડુ જેવા કોઈ જનાવરે હુમલો કર્યો હોવાની શક્યતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ધ્રોલ તાલુકાના મજોઠ ગામે આવેલ કાનાભાઈ લાખાભાઈ ઝાપડાના વાડામાં ઘેટા ઉપર કોઈ જંગલી જાનવરે હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે. આ બનાવમાં 52 જેટલા ઘેટાઓનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે જાણ થતા તાલુકા પંચાયત પ્રમુખ પોલુંભા જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ કાસુન્દ્રા, ધ્રોલ ટીડીઓ વિનોદભાઈ ચૌહાણ, વિસ્તરણ અધિકારી ડગરા, પશુ ડોકટર તેમજ ગામના સરપંચ, ઉપસરપંચ અને તલાટીએ સ્થળ ઉપર જઈને નિરીક્ષણ કર્યું હતું. આ અંગે ટીડીઓ વિનુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે ઘટના 30 તારીખે રાતના સમયે બની હતી. જેની બે દિવસ બાદ જાણ થતા પશુ ડોકટર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
ડોકટરના જણાવ્યા પ્રમાણે ઘેટાઓના શરીરે ઇજાના નિશાન જોવા મળ્યા છે. જેથી તે ચોક્કસપણે કહી શકાય કે ઘેટાઓ ઉપર કોઈ જનાવરે હુમલો કર્યો છે. પણ કયું જનાવર હોય તે નક્કી થઈ શક્યું નથી. વધુમાં ગ્રામજનોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ઘેટાના શરીરે જે નિશાન હતા તે કોઈ દીપડા જેવા ભયાનક પ્રાણીના નથી. માટે જંગલી શ્વાન કે નાયડા જેવા પ્રાણીએ ઘેટા ઉપર હુમલો કર્યો હોવાની શક્યતા સેવાઇ રહી છે. વધુમાં ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ઘેટાઓ ડરપોક પશુ ગણાય છે. અમુક ઘેટાઓ ઉપર જ હુમલો થયો છે. બાકીના ઘેટાઓ ડરમાં જ મૃત્યુ પામ્યા છે.