મોરબીનો ઇતિહાસ, ઔદ્યોગિક વિકાસ તથા સામાજિક, વહીવટી અને શૈક્ષણિક માળખા સહિતના તમામ પાસાઓનો ગહન અભ્યાસ કરશે
ભૂકંપ અને જળ હોનારત જેવી કુદરતી થપાટો ખાઈને પણ ઝડપભેર બેઠા થયેલા મોરબી શહેરમાં એવી તો કઈ તાકાત છે ? કે સતત વિકાસ સાધી આજે દેશ વિદેશમાં સીરામિક ક્ષેત્રે ડંકો વગાડ્યો છે. મૂળ મુંબઈની અને હાલ અમેરિકા વસવાટ કરતી યુવતીએ મોરબીનું ઊંડાણપૂર્વક સંશોધન કરવાનો પડકાર ઝીલી પીએચડી કરી રહી છે. આ યુવતી મોરબીનો ઇતિહાસ, ઔદ્યોગિક વિકાસ તથા સામાજિક, વહીવટી અને શૈક્ષણિક માળખા સહિતના તમામ પાસાઓનો ગહન અભ્યાસ કરી રહી છે.
મૂળ મુંબઈની વતની અને છેલ્લા ૬ વર્ષથી અમેરિકા રહેતી નિધિ સુબ્રમણ્યમ નામની યુવતી હાલ પીએચડીમાં મોરબી શહેર પર રિસર્ચ કરી રહી છે. તેણે મુંબઈમાં બેચલર ઓફ આર્કિટેક સુધી અભ્યાસ કર્યો છે. અમેરિકામાં તેના મેરેજ થયા બાદ તે છેલ્લા ૨ વર્ષથી પી.એચ.ડી કરી રહી છે. જો કે તેને પી.એચ.ડી.માં ભારતના મેટ્રો શહેરને બદલે નાના શહેરો જેને આપબળે વિકાસ કરીને દેશ અને દુનિયામાં આગવી ઓળખ ઉભી કરી હોય તેના પર ઊંડું સંશોધન કરી રહી છે.
પી.એચ.ડી. માટે તેણે અગાઉ સર્ચ કરતા ભારતના આપબળે વિકસિત થયેલા શહેરોમાં તામિલનાડુનું તિરુપુર અને ગુજરાતનું મોરબી શહેર ધ્યાને આવ્યા બાદ આ બન્ને શહેરો પર પસંદગી ઉતારી હતી. હાલ તે મોરબી પર પી.એચ.ડી. કરી રહી છે.
નિધિ સુબ્રમણ્યમ કહે છે કે મોરબીમાં હું કોઈને ઓળખતી ન હતી. પરંતુ જાત મહેનત કરીને આ વિકસિત શહેરની રજે – રજની વિગતો મેળવી છે. જેમાં ઔદ્યોગિક તથા જુદા જુદા એસોસિએશનો અને વહીવટી તંત્રને મળીને મોરબી પર ઊંડો અભ્યાસ કરી રહી છું.
વધુમાં તેણે કહ્યું કે મારા મંતવ્ય પ્રમાણે મોરબી શહેર અને નજીક આવેલા ગ્રામ્યવિસ્તારોને જોડીને યોગ્ય રીતે પ્લાનિંગ થાય તો હજી પણ મોરબીનો મેટ્રો શહેર જેવો વિકાસ થઈ શકે તેમ છે. મોરબી સીરામીક ઉદ્યોગ પાસે લેટેસ્ટ ટેકનોલોજી છે. મોરબીમાં હેરીટેજના પણ ઘણા બધા સ્થળો છે. સરકાર મોરબીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે યોગ્ય પ્લાનિંગ કરે તો મોરબી હજુ પણ વધુ વિકસિત શહેર બની જવાની ક્ષમતા ધરાવે છે.