ઉપલેટા વિસ્તાર ભૂ માફીયાઓ માટે સ્વર્ગ સમાન ગણાય છે. પણ છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં ભૂ માફીયાઓ સામે સ્થાનીક તંત્રએ અનેક વખત આકરી કાર્યવાહી કરતા સોપો પડી ગયો છે. ગઈકાલે રાત્રે બે વાગે મેખાટીંબી ગામેથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને આવી રહેલ ટ્રક ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો.
નાશી છૂટતા ટ્રક પાછળ જીપ દોડાવી ટ્રકને ઝડપી લીધો
પ્રાપ્ત થતી વિગતો મુજબ તાલુકાના મેખાટીંબી નાગવદર ગામમાં આવેલ વેણુ નદીમાં માથાભારે શખ્સો દ્વારા ખેડુતોને ધાકધમકી આપી ગેરકાયદેસર બેફામ રેતીની ચોરી થઈ રહી હોય તેવી બાતમી રાત્રે બે વાગે મામલતદાર ગોવિંદસિંહ મહાવદીયાને મળતા સ્ટાફ સાથે રાખી ટ્રક નં. જી.જે.09 ઝેડ 4697નો ચાલક ભાગી રહ્યો હતો. ત્યારે તેનો પીછો કરી 30 ટન જેટલી રેતી પકડી પાડી હતી. રેતી ટ્રક સહિત છ લાખ એકવીસ હજારના મુદામાલને ઝડપી લઈ સ્થાનીક પોલીસને હવાલે કર્યો હતો. આ કામગીરીમાં સર્કલ રામભાઈ કંડોરીયા, રેવન્યુ તલાટી મહેશભાઈ કરંગીયા, રાહુલભાઈ સોલંકી સહિત સ્ટાફ જોડાયો હતો.