એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં કોરોનાની મહામારી થમવાનું નામ નથી લઈ રહી. એવામાં ભારતમાં શરૂ થયેલી બીજી લહેર અતિ ઘાતકી સાબિત થઇ રહી છે. કોરોનાના ધમાસણ સામે આરોગ્ય સેવા પણ ટૂંકી પડી રહી છે. રેમડેસીવીર ઇન્જેક્શન તેમજ ઓક્સિજનની અછત ઉભી થતા લોકોના જીવ જઈ રહ્યા છે. આ વચ્ચે પણ કપરાકાળનો લાભ ખાટવા અમુક ગીધડાઓ મેદાને ઉતાર્યા છે. આ વચ્ચે એક એવા અહેવાલ પ્રસારિત થયા છે કે અહમદનગર મતક્ષેત્રના ભાજપના સંસદીય સભ્ય ડો. સુજય વિખે પાટીલ પાસે 10 હજાર રેમડેસીવીર ઈન્જેક્શનોનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો છે. આ 10 હજાર ઈન્જેકશનો દિલ્હીથી અહમદનગરમાં ચાર્ટડ પ્લેન દ્વારા પહોંચાડાયા હોવાના અહેવાલ પ્રકાશિત થયા છે. આ મુદ્દે બોમ્બે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે એક તરફ દિલ્હી પોતે કટોકટીમાં સપડાયું છે. એવામાં આટલો મોટો જથ્થો અને તેની વહેચણી કોઈ એક રાજકીય નેતાને કેમ થઇ શકે ?? એ પણ ચાર્ટર પ્લેન દ્વારા ?? આ કેવી રીતે શક્ય છે ?? આ કાળા બજારનો વેપલો કોની મીઠી નજર હેઠળ થઇ રહ્યો છે ?? તે જાણવું ખૂબ જરૂરી બન્યું છે.
એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંઘે આ મુદ્દે કહ્યું કે આ માત્ર ન્યૂઝ રિપોર્ટ કે મીડિયાના અહેવાલો નથી. પરંતુ આ સાથે આ રાજકીય નેતા સુજય વિખેર પાટીલે પોતે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રેમડેસીવીર ઇન્જેક્શનો વિશે માહિતી આપેલી છે. ઉલ્લેખનીય છે કે હાલ રાજધાની દિલ્હીમાં રેમડેસીવીર ઇન્જેક્શનો તેમજ ઓક્સિજનની ભારે અછત સર્જાય છે. એવામાં આ પ્રકારે કાળાબજાર ચિંતાજનક છે. એક તરફ રાજકીય નેતા પાસે રેમડેસીવીર ઇન્જેક્શનનો ઢગલો છે તો બીજી તરફ કટોકટીના સમયે સરકાર ઠન ઠન ગોપાલ છે.