- ચીને પાકિસ્તાની આતંકવાદીઓ માટે ખાસ ડિવાઇસ તૈયાર કરી દીધી, જેના ઉપયોગથી આતંકીઓ ગુપ્ત રીતે વાતચીત કરી શકે છે
ગયા વર્ષે જુલાઈમાં, સુરક્ષા દળોએ જમ્મુના પુંછ ક્ષેત્રમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન વિશેષ ટેલિકોમ ગિયર મેળવ્યા હતા. તે પછી, આ વર્ષે એપ્રિલમાં, કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન આવો જ એક ટેલિકોમ હેન્ડસેટ મળ્યો હતો, જેણે સુરક્ષા નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું હતું. આને અલ્ટ્રા સેટ કહેવામાં આવે છે. આ હેન્ડસેટને ચીની કંપનીઓએ ખાસ કરીને પાકિસ્તાની સેના માટે તૈયાર કર્યો છે.
તાજેતરના વર્ષોમાં ચીને પાકિસ્તાનને માત્ર આર્થિક મદદ જ નથી કરી પરંતુ તે તેની સેનાને તેના અદ્યતન હથિયારો અને સાધનો પણ આપી રહ્યું છે. તેણે આવું જ એક ટેલિકોમ ગિયર ડિવાઈસ અલ્ટ્રા સેટ પાકિસ્તાની સેનાને આપ્યું છે. આ હેન્ડસેટ પરંપરાગત મોબાઈલ ટેક્નોલોજી થી સંપૂર્ણપણે અલગ છે. આ એવા હેન્ડસેટ છે જે સેલફોન ક્ષમતાઓ ઉપરાંત વિશિષ્ટ રેડિયો સિગ્નલ ટ્રાન્સમિટ કરવા સક્ષમ છે. આમાં રેડિયો તરંગો દ્વારા માહિતીની આપ-લે કરી શકાય છે. એટલે કે, તેનો ઉપયોગ મોબાઈલની સાથે સાથે રેડિયો તરીકે પણ થઈ શકે છે, તેથી આ હેન્ડસેટ એક અનોખું ઉપકરણ બની જાય છે.
તે પછી તે તેના કંટ્રોલ રૂમના સંપર્કમાં રહે છે. તેના સંદેશાઓ પકડવા ખૂબ મુશ્કેલ છે. અલ્ટ્રા સેટ અને કંટ્રોલ રૂમ દ્વારા જ માહિતીની આપ-લે થાય છે. આ કામ ચીની સેટેલાઇટ દ્વારા કરવામાં આવે છે જે હેન્ડસેટની માહિતી પાકિસ્તાન સ્થિત માસ્ટર સર્વર પર અને ત્યાંથી પાછા હેન્ડસેટ યુઝર સુધી પહોંચાડે છે.
ઉલ્લેખનીય છે કે ચીન તાજેતરના વર્ષોમાં પાકિસ્તાની સેનાની સંરક્ષણ ક્ષમતા વિકસાવવા માટે ખૂબ જ સક્રિય છે. આ સિવાય પાકિસ્તાની સેના માટે આ દિશામાં સ્ટીલહેડ બંકર, માનવરહિત એરિયલ અને કોમ્બેટ એરિયલ વ્હીકલ, અંડરગ્રાઉન્ડ ફાઈબર કેબલ અને એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેવાય અને એચજીઆર શ્રેણીની ચાઈનીઝ રડાર પ્રણાલીઓ ખાસ લક્ષ્યોને ઓળખવા માટે વિકસાવવામાં આવી છે. એટલું જ નહીં, એલઓસીની નજીક એસએચ-15 ટ્રક માઉન્ટેડ હોવિત્ઝર ધરાવતી અત્યાધુનિક કોમ્બેટ સિસ્ટમ જોવા મળી છે.
અલ્ટ્રા સેટમાં ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ અથવા કોડ ડિવિઝન મલ્ટીપલ એક્સેસ જેવી પરંપરાગત મોબાઈલ ટેક્નોલોજીની જરૂર નથી. આ જ કારણ છે કે તેમના તરફથી મોકલવામાં આવેલા સંદેશાઓ ભારતીય સેના અને સુરક્ષા દળો દ્વારા પકડાતા નથી. તેથી આ એક નવા પડકાર તરીકે ઉભરી આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત પાકિસ્તાની આતંકવાદીઓ પાસેથી આ અલ્ટ્રા-સેટ ઉપકરણોની શોધ એ ઘૂસણખોરી વિરોધી ઓપરેશન ચલાવી રહેલા સુરક્ષા દળો માટે ચિંતાનો વિષય છે.