જૂનાગઢ સહિત સમગ્ર ભારત વર્ષમાં સારો વરસાદ થાય તેવી પ્રાર્થના સાથે 60 વર્ષની જૂની પરંપરા અનુસાર આજે ગિરનારના પગથિયે દોરી બાંધી, 36 કી.મી ગિરનાર ફરતે દોરો ફેરવી, ગિરનાર ફરતે કરવામાં આવતી દૂધધારા પરિક્રમાનો આજે વહેલી સવારે હર હર મહાદેવ, જય ગિરનારીના નાદ સાથે પ્રારંભ થયો હતો.
ગિરનારના પગથિયે દોરી બાંધી દર વર્ષે જેઠ વદ અગિયારસના દિવસે એટલે કે યોગિની એકાદશીના પવિત્ર દિવસે દોરી ગિરનાર ફરતી 36 કિલોમીટર બાંધવામાં આવે છે અને માલધારીઓ તથા ભાવિકો દ્વારા ગિરનાર ફરતે દૂધની ધારા કરવાની એક 60 વર્ષ જૂની પરંપરા ચાલી રહી છે જે મુજબ આજે વહેલી સવારે છ વાગ્યે ગિરનારના 30 પગથિયા પર આવેલ ત્રિગુનેશ્વર મહાદેવ મંદિરથી કરમણ ભગતની આગેવાની નીચે આ દુધારા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
દૂધધારા યાત્રા ગિરનાર ફરતે એટલે કે વન વિભાગની હદમાં કરવામાં આવતી હોવાથી વન વિભાગે પાસે દર વર્ષની જેમ મંજૂરી માંગવામાં આવી હતી અને તે મંજૂરી મળી જતાં આજે કરમણ ભગતની આગેવાની નીચે દૂધ ધારા યાત્રા શરૂ થવા પામી હતી. આ તકે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર યોગીન પઢીયાર વિશ્વ હિન્દુ પરિષદના હિરેન રૂપારેલીયા સહિતના અગ્રણીઓ અને 100 જેટલા ભાવિક ભક્તજનો દૂધ ધારા યાત્રામાં જોડાયા હતા.
આ યાત્રા દરમિયાન કોઇ વન્ય પ્રાણી કે અન્ય અડચણ ન આવે તે માટે વન વિભાગ દ્વારા આર.એફ. ઓ. ભાલીયા સહિતના સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છે. જે દૂધધારા યાત્રિકોની સાથે બંદોબસ્ત માં રહેશે.એક લોકવાયકા મુજબ ગિરનાર ઉપર તેત્રીસ કરોડ દેવતા, ચોસઠ જોગણી અને યોગી, જોગી અને તપસ્વીનું અહીં બેસણું છે તેવા ગિરનારને સૂતરની આંટીએથી બાંધી લેવામાં આવે છે અને દૂધધારા કરી તેમનો અભિષેક કરી, જુનાગઢ શેત્ર અને સમગ્ર ભારત વર્ષમાં સારો વરસાદ થાય એવી મંગલ કામના કરવામાં આવતા વરસાદ સારા પ્રમાણમાં થાય છે.