શહેરના કાલાવડ રોડ પર આવેલા પદ્યુમન વિલામાં રહેતા ટયુશન કલાસિસના સંચાલક વિજયભાઇ મકવાણા તેમના પત્ની અને પુત્રી સાથે આઠ દિવસ પહેલા લાપતા બન્યાની ચકચારી ઘટનામાં ગુમ થયેલા પટેલ પરિવારને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે મોબાઇલ લોકેશનના આધારે અમદાવાદથી શોધી કાઢયા છે. ગુમ થવા પાછળ વ્યાજ કારણભૂત નહી પરંતુ ભાગીદારી સાથે પૈસાની લેતી-દેતી કારણભૂત હોવાનું સામે આવ્યું છે.
કે.કે.વી.ચોકમાં ભાગીદારીમાં બનાવેલા બિલ્ડીંગના પૈસાની લેતી-દેતીના મામલે ચાલતા વિવાદને વ્યાજંકવાદમાં ખપાવવા પ્રયાસ
પટેલ પરિવારે આપઘાત કરવા અંગેની ચીઠ્ઠી લઇ ગુમ થતા પોલીસને દોડધામ થઇ’તી: મોબાઇલ લોકેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચે પગેરૂ મેળવ્યું
પદ્યુમન વિલામાં રહેતા વિજયભાઇ ગોરધનભાઇ મકવાણા, તેમની પત્ની કાજલબેન અને 11 વર્ષની પુત્રી નિયતી સાથે ગત તા.10 જુને રાજકોટથી લાપતા બન્યા હતા. વિજયભાઇ મકવાણાએ બે ચીઠ્ઠી લખી તેમના ભાગીદાર જે.પી.જાડેજાના લેટર બોકસમાં નાખી હતી. ચીઠ્ઠીમાં પોતે પત્ની અને પુત્રી સાથે સામુહિક આપઘાત કરનાર છે. આપઘાત પાછળ પદ્યુમન બિલ્ડર ગૃપના જે.પી.જાડેજા જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. વિજયભાઇ મકવાણા છેલ્લા 20 વર્ષથી ટયુશન કલાસ ચલાવે છે. તેઓએ 2013માં કે.કે.વી. હોલ પાસે જે.પી.જાડેજની સાથે ભાગીદારીમાં બિલ્ડીંગ બનાવ્યું હતું.
જે.પી.જાડેજાએ રૂ.2.50 કરોડનું રોકાણ કરતા તેઓને 30 ટકાના ભાગીદાર બનાવ્યા હતા. જ્યારે વિજયભાઇ અને તેમનો પરિવાર બાકીના 70 ટકાના ભાગીદાર બન્યા હતા. બિલ્ડીંગ પર લોન લેવામાં આવી હતી તે દરમિય્ન કોર્પોરેશન દ્વારા બાંધકામ અટાકાવવામાં આવતા વિજયભાઇ મકવાણા આર્થિક મુશ્કેલીમાં સપડાયા હતા. ત્યારે જે.પી.જાડેજાએ રૂા.6.80 કરોડ બેન્કમાં ચુકવી બિલ્ડીંગ અંગે સાટાખત કરાવ્યા હતા. જે.પી.જાડેજાનો કુલ રોકાણ રૂા.9.30 કરોડ થયું હતું.
વિજયભાઇ મકવાણા આર્થિક મુશ્કેલીમાં ફસાતા તેઓએ જે.પી.જાડેજા પાસેથી 3 ટકા વ્યાજે પૈસા લીધા અંગેનો ચીઠ્ઠીમાં ઉલેખ કરી પત્ની અને પુત્રી સાથે રાજકોટ છોડી જતા રહ્યા બાદ પોલીસ દ્વારા કરાયેલી છાનભીનમાં વિજયભાઇ મકવાણાને રાજકોટ છોડવા પાછળ વ્યાજ કારણભૂત નહી પરંતુ ભાગીદારીના હિસ્સાબમાં વિવાદ થયો હોવાનું અને આર્થિક ભીસના કારણે જતા રહ્યાનું બહાર આવ્યા બાદ પોલીસે તેમની શોધખોળ કરવા માટે વિજયભાઇ મકવાણાના મોટા ભાઇ કિરણભાઇ મકવાણાને ક્રાઇમ બ્રાન્ચે બેસાડી રાખ્યા હતા અને મોબાઇલ લોકેશન મેળવવાનું શરૂ કરતા વિજયભાઇ તેમના પત્ની કાજલબેન અને પુત્રી નિયતી અમદાવાદ હોવાનું પગેરૂ મળતા ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ અમદાવાદ પહોચી છે. તેઓ અમદાવાદમાં હેમખેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.