તાલુકા પોલીસ મથકના સ્ટાફે સમગ્ર પ્રકરણ પુરૂ કરવા મોટી રકમ માગ્યાનો ઘનશ્યામભાઇનો આક્ષેપ
17 રોકાણકારોને માસિક દોઢ ટકા વ્યાજ આપવાની લાલચ દઇ કૌભાંડ આચર્યાનો નોંધાતો ગુનો
નાના રોકાણકારોને ન્યાય અપાવવાની તપાસને ત્રાસમાં ખપાવી કાયદાનો દુર ઉપયોગ ઘનશ્યામે કર્યાનો પોલીસનો બચાવ: ઘનશ્યામ સાચો હોય તો સામે આવે
નાના મવા રોડ પર આવેલા સાકેંત પાર્ક, રાજ રેસિડેન્સી સામે ધનંજય નાગરિક ક્રેડિટ સોસાયટીના નામની મંડળીએ નાના રોકાણકારોને માસિક દોઢ ટકા વ્યાજ આપવાની લોભામણી લાલચ દઇ 17 જેટલા રોકાણરાકોના રૂા.4 કરોડનું ફુલેકુ ફેરવ્યા અંગેની તાલુકા પોલીસમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ અને પોલીસ દ્વારા થતી તપાસ અંગે ધનંજય ક્રેડિટ સોસાયટીના ઘનશ્યામભાઇ પાંભર દ્વારા પોલીસ સામે કરાયેલા આક્ષેપના પગલે સનસનાટી મચી ગઇ છે.
દોઢ વર્ષથી આખા પરિવારને ત્રાસ દેતા હોવાના થયેલા આક્ષેપને ખોટા ગણાવી ગુનો નોંધાતા ઘનશ્યામભાઇના પિતાએ ઝેરી દવા પીવાનું નાટક કર્યાનું અને તેઓ સાચા હોય તો પોલીસ તપાસમાં સહકાર આપવા સામે આવે તેવો પોલીસ દ્વારા બચાવ કરવામાં આવ્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ પડધરી તાલુકાના ઉકરડા ગામના વતની અને છેલ્લા 11 વર્ષથી રાજકોટના રૈયા રોડ પર નંદનવનપાર્કમાં રહેતા જયંતીભાઇ અમરશીભાઇ બેચરાએ ઘનશ્યામભાઇ પાંભર તેમના પત્ની અસ્મીબેન અને પિતા વલ્લભભાઇ લાલજીભાઇ પાંભર સામે તાલુકા પોલીસમાં 17 રોકાણકારો વતી રૂા.4 કરોડની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ધનંજય ક્રેડિટ સોસાયટી ચલાવતા ઘનશ્યાભાઇ પાંભરનો પરિચય થયો હતો. પોતાની ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરવાથી માસિક દોઢ ટકા વ્યાજ આપવાની લાલચ આપી હતી. આથી જયંતીભાઇ બેચરાએ પોતાની ખેતીની જમીન વેચી રૂા.25 લાખ આપ્યા હતા. 2015 થી નિયમિત વ્યાજ આપતો હોવાથી જયંતીભાઇ બેચરાએ પોતાના અન્ય સગા-સંબંધીઓને ધનંજય ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કરવાનું જણાવતા પોતાના 17 જેટલા પરિચીતોએ રૂા.4 કરોડનું ધનંજય ક્રેડિટ સોસાયટીમાં રોકાણ કર્યુ હતું.
દરમિયાન 2019માં ધનંજય ક્રેડિટ સોસાયટીની ઓફિસ એકાએક બંધ થઇ ગઇ હતી. ઘનશ્યામભાઇ પાંભર સુરત જતો રહ્યો હતો. ત્યાં પણ તેની સામે છેતરપિંડીનો ગુનો નોંધાતા તે પોલીસમાં હાજર થઇ રોકાણકારોને ત્રણ માસમાં નાણા પરત આપી દેવાશે તેવું જણાવ્યું હતું. લાંબો સમય બાદ ધનંજય ક્રેડિટ સોસાયટીની ઓફિસ ખુલ્લી હતી અને ત્યાં વિનેશ માવાણી નામના એડવોકેટ બેઠા હતા. ધનંજય ફાયનાન્સનો તમામ હવાલો પોતે સંભાળી લીધો છે. રોકાણકારોને નાણા ન મળતા તાલુકા પોલીસમાં અરજી કરી હતી.
પોલીસે જયંતીભાઇ બેચરાની અરજીની તપાસ શરૂ કરતા ઘનશ્યામભાઇ પાંભરે પોલીસ દ્વારા ત્રાસ દેવામાં આવતો હોવાનું અને સમગ્ર પ્રકરણ પુરૂ કરવા મોટી રકમ તાલુકા પોલીસના અધિકારી દ્વારા માગવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.જેની સામે તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી.ધોળાએ ઘનશ્યામ પાંભર સાચો હોય તો પોલીસ સમક્ષ આવે, નાના રોકાણકારોને ન્યાય અપાવવા ચાલતી તપાસને કાયદાનો દુર ઉપયોગ કરી ખોટા પાટે ચડાવવા પ્રયાસ થઇ રહ્યો હોવાનો બચાવ કર્યો છે.
પોલીસમાં ગુનો નોંધાતા ધનશ્યામના પિતાએ ઝેરી દવા પીધી
ધનંજય ક્રેડિટ સોસાયટીમાં રોકાણકારોની મોટી રકમ ફસાયા અંગેની તાલુકા પોલીસમાં ગુનો નોંધાતા તપાસ અર્થે તાલુકા પોલીસ ગઇ ત્યારે ઘનશ્યામભાઇ પાંભરના પિતા વલ્લભભાઇ પાંભરે પોતે ઝેરી દવા પીધી હોવાનું પોલીસને જણાવ્યું હતું અને પોતે જ 108માં ફોન કરી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇ ગયો છે.