ટીમ ઇન્ડિયાના ધબડકાની પરંપરા ગઇકાલે દુબઇમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપની મેચમાં પણ યથાવત્ રહ્યું હતું. ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે પરાજય થતાં ટીમ કોહલીની ટીમ ઇન્ડિયા સેમીફાઇનલ પહેલા લગભગ નોક આઉટ થઇ ગઇ છે. હવે તો ચમત્કાર જ ભારતને ફાઇનલમાં પહોંચાડી શકે. આ ચમત્કાર માટે સાત કોઠા વિંધાય તો જ ભારતને લાભ થાય. ગ્રુપ-2 માં પાકિસ્તાન 3 મેચમાં 6 પોઇન્ટ ઉપર ટોપમાં છે. ટીમ ઇન્ડિયા પાસે હજુ સુધી 1 પણ પોઇન્ટ નથી.
ભારત અફઘાનિસ્તાન, નામીબીયા અને સ્કોટલેન્ડ સામેની મેચમાં સતત જીતે તો તેને 6 પોઇન્ટ મળે. ન્યુઝીલેન્ડને પણ 3 મેચ રમવાનું છે જો તે ત્રણેય મેચ જીતે તો 8 પોઇન્ટ થાય અને ભારતને પાછળ રાખી દે. વિશ્ર્વના ક્રિકેટ જગતમાં બીસીસીઆઇને સૌથી સમૃદ્વ અને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ધનમાં આળોટનારા ખેલાડીઓ માનવામાં આવે છે પરંતુ અત્યારે ટીમ ઇન્ડિયા ક્રિકેટના તમામ ફોર્મેટમાં બહુ ફાવતી નથી.ીં
ટીમ ઇન્ડિયામાં સતત નિરાશા પ્રર્વતે છે. આમ કેમ? ટીમ ઇન્ડિયાના ધબડકા પાછળ ક્યાં-ક્યાં કારણ અને પરિબળો કારણભૂત બને છે અને તેની સતત ચર્ચા અને મનોમંથન થયે રાખે છે. ટીમ ઇન્ડિયામાં એકપણ ખેલાડી જરાપણ નબળો ન ગણાય પણ ક્રિકેટરોને સતત રમતું રહેવું અઘરૂં પડે છે. ખાસ કરીને ક્રિકેટરોને આઇપીએલનું થકાણ અને પ્રજાનો ક્રિકેટ પ્રત્યે વધુ પડતી અપેક્ષાનું ભારણ રહે છે.
હાર પચાવવાની શક્તિ ઓછી થતી જાય છે. ક્રિકેટનું અતિરેક અને મોટાભાગના ક્રિકેટરો મેદાનથી વધુ જાહેરાતોમાં જોવા મળે છે. પૈસાનો દબદબો અને જેન્ટલમેન્ટ ગેમ ગણાતી ક્રિકેટ હવે આર્થિક, સામાજીક અને રાજકીય પરિમાણોને સંતુલિત રાખવાની રમત બનતી જાય છે. લોક લાગણી અને પરર્ફોમન્સની જાળવણીમાં સંતુલન રાખવામાં જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ મેદાનમાં ઝાંખા પડી જતાં હોય તેવું લાગે છે. આસાન વિજય દેખાતી રમતમાં પણ ટીમ ઇન્ડિયાના ધુરંધરો શેરી-ગલ્લીના ખેલાડીઓ ન કરે તેવી ભૂલો કરી હતી.
જગત સામે ફજેતી વોહરી રહ્યાં છે. ટીમ ઇન્ડિયા માટે ક્રિકેટના અતિરેક અને કેપ્ટન, કોચ અને હવે તો મેન્ટરની નિમણૂંક સુધીના પરિબળોમાં સતત થતી ખેંચતાણને લઇને ટીમની મજબૂતીમાં જે ધ્યાન આપવું ઘટે તે દેવાતું નથી. એક તરફ આઇપીએલ, ટી-20 અને પ્રાદેશિક કક્ષાએ નવી-નવી પ્રતિભાઓ ઉભરતી આવે છે. પ્રાદેશિક કક્ષાએ ક્રિકેટ દિવસે-દિવસે મજબૂત બનતું જાય છે.
જ્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટીમ ઇન્ડિયાના ધબડકાની પરંપરા વધતી જાય છે. ટીમ ઇન્ડિયાની આ દશા અને દિશા ટીમને ક્યાં લઇને પહોંચશે તે આવનારો સમય જ બતાવશે, જો કે જેન્ટલમેન ગેમ અંગે કોઇ પૂર્વ ધારણા બાંધી ન શકાય પણ પરર્ફોમન્સ સુધારવા પૂર્વ આયોજન કરવું જ પડે, ટીમ ઇન્ડિયાએ માનસિક, શારીરીક સ્વસ્થ થઇને ફરીથી દેશ માટે રમવા તૈયાર થવું જ પડશે.