દેશભરના શહેરી વિસ્તારોમાં ‘ગૌ-હોસ્ટેલ’બનાવવા માટે સરકારી જગ્યા ભાડા પટ્ટે આપીને તેમાં વિવિધ પશુપાલકના ગૌ-વંશને સમુહમાં રાખીને દુધ ઉપરાંત ગૌ-મુત્ર અને ગોબરનો પણ ઉપયોગ કરીને માલધારીઓને વધારાની આવક રળતા કરવા કામધેનું આયોગના ચેરમેન ડો. કથીરીયાની શહેરી વિકાસ મંત્રાલયને રજુઆત
વર્તમાન સમયમાં વિવિધ સાંપ્રત સમસ્યાઓના કારણે પશુપાલનનો વ્યવસાય દિવસે-દિવસે સમસ્યારુપ બનતો જાય છે. વધતી જતી વસ્તી અને શહેરીકરણના કારણે જગ્યાનો અભાવ, નાનુ કુટુંબ, ઓછા પશુઓના કારણે તેના દુધ ઉપરાંતના ઉત્પાદનનો ઉપયોગ વગેરે જેવી સમસ્યાથી પશુપાલકો માટે પશુપાલનનો વ્યવસાય સમસ્યારુપ બનતો હોય ગૌવંશને રસ્તા પર રખડતી રઝળતી છોડી દે છે આ રસ્તા પર રખડતા રઝળતા પશુઓના કારણે ટ્રાફીક જેવી અનેક સમસ્યા સર્જાય છે. તેના નિરાકરણ માટે રાષ્ટ્રીય કામધેનું આયોગે ગૌ-હોસ્ટેલ બનાવવાનો નિર્ણય કર્યો છે.
ગૌ પ્રેમીઓ માટે પોતાની પસંદગીની પ્રજાતિની ગાયનું ચોખ્ખુ દુધ પ્રાપ્ત કરવાનું સપનું પુરુ થાય તેવા એક પ્રયોજનમાં રાષ્ટ્રીય કામધેનું આયોગ ની નવી બોડીએ દેશના મોટા શહેરોમાં ગાયોના રક્ષણ, સ્વરક્ષણ અને વિકાસ માટે શહેરી વિસ્તારોમાં અથવા તો વિકસીત વિસ્તારોમાં ગાયો માટેની હોસ્ટેલ ઉભી કરી રખડુ ગાયોની સમસ્યાના નિવારણની સાથે સાથે દુધનું ઉત્પાદન અને આ હોસ્ટેલો થકી આવક પણ મેળવવાના ફાયદાઓ માટે વિચારણા થઇ રહી છે.
આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાએ જણાવ્યું હતું કે મેં શહેરી વિકાસ મંત્રાલયને દેશમાં ગાયો માટેની હોસ્ટેલનો મારો વિચાર સરકારને વિનંતી કરી છે. જેનાથી સમગ્ર દેશના શહેરી વિસ્તાર આ યોજના માટે એક અલાયદુ વ્યવસ્થા તંત્ર ઉભુ થાય તે માટેના પ્રયાસો શરુ થયા છે.
શહેરી વિસ્તારોમાં ગાયોના જતન માટે કોઇપણ પ્રકારની ખામી ન રહે તે માટે એકવાર સમગ્ર દેશના મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં ગાયો માટેની હોસ્ટેલ ઉભી કરી રપ થી પ૦ લોકોના સહયોગથી હોસ્ટેલોનું નિર્માણ કરી તેની દેખભાળ અને તેના દુધનો ઉપયોગ કરી શકે તે માટે સરકાર એક આખું અલાયદુ વ્યવસ્થા તંત્ર ઉભુ કરવા માંગે છે. શહેરી વિસ્તાર આસપાસ અત્યારે ગોપાલન, સ્વચ્છતા, ટ્રાફીકની સમસ્યા જેવી અનેક મુશ્કેલીઓનું કારણ બની રહ્યું છે. ત્યારે શહેરી વિસ્તારમાં ગાયો રાખવાની ઇચ્છા ધરાવતા લોકો માટે સ્વાયત્ત રીતે ગાયો માટેની હોસ્ટલ ઉભી થાય તે માટે સરકાર પ્રયત્નશીલ બની છે.
રપ થી ૫૦ લોકો સંયુકત રીતે ગાયો માટેની હોસ્ટેલ બનાવી સંયુકત રીતે તેનું સંચાલન અને પોતાનાં જ પશુનુ દુધ મેળવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ડો. વલ્લભભાઇ કથીરીયાએ શહેરી વિકાસ મંત્રાલયને કરેલી રજુઆતમાં જણાવ્યુું છે કે અત્યારે દેશમાં ઘણાં રાજયો અને કોર્પોરેશન દ્વારા તેમને ગાયોની હોસ્ટેલના નિર્માણ માટેની પ્રક્રિયા અંગે પુછપરછ કરવામાં આવી રહી છે. આવી હોસ્ટેલો ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે સફળ થઇ છે.
આ વ્યવસ્થા સહેલાઇથી શહેરી વિસ્તારો માટે લાગુ કરી શકાય. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ભાડા પટે અથવા તો લીઝ ઉપર હોસ્ટેલ બનાવવામાં રસ ધરાવતાં ખાનગી આસામીઓને જમીનો ફાળવીને પોતાની પસંદગીની ગાયો રાખી દુધનું ઉત્પાદન અને વધારાનું દુધ વેંચી શકે ગોબાર અને ગૌમૂત્રમાંથી સેન્દ્રિય ખાતર અને ગોબર ગેસ પ્લાન્ટ ચલાવીને આવી હોસ્ટેલો એટલે કે ગૌશાળાઓ ખર્ચ માટે આવક પણ ઉભી કરી શકશે.
ડો. કથીરીયાએ અગાઉ પણ સરકારને દરેક નગરપાલિકા વિસ્તારમાં દેશભરમાં ગૌશાળાઓ ઉભી કરવાનું સુચન કરી વસુકેલી ગાયો સાચવવાની વ્યવસ્થા શહેરી વિસ્તાર અથવા તો નજીકના ગામડાઓમાં ગૌશાળાઓના નિર્માણ માટેની દરખાસ્ત કરી હતી. ગ્વાલીયરમાં લોક ભાગીદારીથી બીન રાજકીય સંસ્થાઓ દ્વારા ઉભી કરેલી આવી ગૌશાળાઓમાં ૭૦૦૦ જેટલી ગાયો સાચવવામાં આવી છે ગ્વાલીયરનો આ આશ્રમ સ્થાન દેશભરમાં આદર્શ ઉદાહરણ તરીકે લઇ શકાય કે આવા આશ્રય સ્થાનો અર્થતંત્ર માટે કેવી રીતે ઉપયોગી બની શકે ગોબર અને ગૌ મુત્રનો ઉપયોગ કરીને ગૌશાળાઓ કેવી રીતે આવક ઉભી કરી શકે છે. તેનું ગ્વાલીયર આદર્શ ઉદાહરણ બની રહ્યું છે.
ગૌસેવા અને ગૌચર વિકાસ નિગમના ગુજરાતના ચેરમેન તરીકે ૨૦૧૦ થી ૨૦૧૭ સુધી સેવા આપનાર વલ્લભભાઇ કથીરીયા એ દેશમાં એનીમલ હોસ્ટેલના નિર્માણ માટે એક ખાસ મુસદ્દો તૈયાર કર્યો છે. રાષ્ટ્રીય ગૌપંચ કેન્દ્રના સહાયક અને ગૌ સુરક્ષા અને સંરક્ષણ અને ગાયોની નસલના જતન માટે કાર્ય કરતી સંસ્થા તરીકે કેન્દ્ર સરકારને ગૌ સંબંધી યોજનાઓ માટે મદદરુપ થાય છે. ગૌ સમૃઘ્ધી અને તેની વિરાસતની આવક દેશના અર્થતંત્ર માટે કેવી રીતે મદદરુપ થઇ શકે તે માટે પંચ સતત સક્રિય રહે છે.
દેશમાં અત્યારે રખડતી ગાયોનો ત્રાસ સમાન ધોરણે એક તાત્કાલીક ઉકેલવા લાયક સમસ્યા બની ગઇ છે.
ત્યારે ગૌપાલન માટે પશુપાલકોને સરકારી તંત્ર મદદરુપ થાય એવી રીતે શહેરી વિસ્તાર આસપાસ એનીમલ હોસ્ટેલોનું નિર્માણ કરી રપ થી પ૦ લોકો પોતાની મેળે આવી હોસ્ટેલનું સંચાલન કરે પોતાના જ પશુઓને સાચવીને તેના દુધની આવક ઉભી કરી શકે તે માટે સરકાર ભાડાપટ્ટે જમીન આપીને શહેરી વિસ્તારોના ગાયો માટેની હોસ્ટેલ ઉભી કરવા માટે વિચાર કરી રહ્યું છે. વલ્લભભાઇ કથીરીયાએ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયને એક પત્ર પાઠવી ગુજરાતમાં સફળ રીતે ચાલી રહેલી ગૌ શાળાઓના કનસેપ્ટને લઇને સમગ્ર દેશમાં શહેરી વિસ્તારોમાં પશુપાલકો માટે ગાયોની હોસ્ટેલ ઉભી કરવા માટેની દરખાસ્ત મોકલી છે.