સનાતન ધર્મમાં પંચામૃત અથવા ચરણામૃતને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. જેવી રીતે મંદિરનો પ્રસાદ ગ્રહણ કરવાને શુભ તથા આવશ્યક મનાય છે, તેવી જ રીતે મંદિરનો પ્રસાદ ચરણામૃતનું પણ અનેરુ મહત્વ રહેલું છે. તેથી જ મંદિરમાં પ્રસાદ પહેલા ચરણામૃત આપવામાં આવે છે. પણ કદાચ ઘણાં ઓછા લોકો પંચામૃત અને ચરણામૃત વચ્ચે શું અંતર છે તે જાણીતા હશે. લગભગ દરેક મંદિરોમાં ચરણામૃત તો મળે છે, પણ પંચામૃત બહુ ઓછા ધાર્મિક સ્થળો પર આપવામાં આવે છે. ખાસ કરીને પંચામૃતનો ઉપયોગ વિશેષ કરીને તહેવારોમાં કરવામાં આવે છે. જો કે દેશમાં કેટલાંક મંદિરો એવા પણ છે, જ્યાં નિયમિતપણે પંચામૃત પ્રસાદ તરીકે આપવામાં આવે છે.

તો ચાલો આજે આપણે ચરણામૃત સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિશે જાણીએ. પૌરાણિક માન્યતાનુસાર ત્રાંબાના વાસણમાં રાખવામાં આવેલા જળમાં ત્રાંબાના ઔષધીય ગુણો સમાવિષ્ટ થઇ જાય છે. તેમાં તુલસીનું પાન, તેલ તથા અન્ય ઔષધીય તત્વો મિશ્રિત હોય છે, તેનું તાત્પર્ય એ જ છે કે વધુ પડતા મંદિરો તથા ઘરના પૂજા સ્થાન પર હંમેશા ત્રાંબાના લોટાના તુલસી મિલાવેલું જળ રાખવામાં આવે છે.

અનેક ધાર્મિક સ્થાનો તેમજ ઘરમાં પણ પૂજા ઘરના સ્થાન પરથી જ્યારે પણ લોકો ચરણામૃત ગ્રહણ કરે છે, તો ત્યારબાદ પોતાના હાથનો મસ્તક પર પણ સ્પર્શ કરે છે, એટલે કે સિર માથા પર ચડાવે છે એમ કહી શકાય, પરંતુ શાસ્ત્રોક્ત મતાનુસાર આમ કરવું એ યોગ્ય નથી મનાતુ, કારણ કે આમ કરવાથી નકારાત્મક પ્રભાવ વધે છે. શાસ્ત્રોમાં દર્શાવાયુ છે કે ચરણામૃત હંમેશા જમણા હાથથી લેવું જોઇએ અને શ્રધ્ધાપૂર્વક મનને શાંત રાખીને ગ્રહણ કરવું જોઇએ.

ચરણામૃત ગ્રહણ કરવાના ફાયદા

શાસ્ત્રોમાં ચરણામૃત સાથે શ્ર્લોકનું વર્ણન દર્શાવાયું છે. “અકાલમૃત્યુહરણં સર્વવ્યાધિવિનાશનમ, વિષ્ણો પાદોદકં પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે !!” અર્થાત, ભગવાન વિષ્ણુના ચરણોનું અમૃતરૂપી જળ જેને ‘ચરણામૃત’ કહેવામાં આવે છે, તેનાથી દરેક પ્રકારના પાપદોષનો નાશ થાય છે અને તેને ઔષધી સમાન માનવામાં આવે છે તથા પ્રચલિત માન્યતાનુસાર ચરણામૃતના જળને નિયમિતપણે ગ્રહણ કરવાથી કોઇ ભયાનક રોગ થવાની સંભાવના નહીંવત રહે છે. ચરણામૃતમાં મિલાવવામાં આવતા તુલસીપત્રને એક એન્ટીબાયોટીક મેડીસીન માનવામાં આવે છે. તેના સેવનથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. આયુર્વેદાનુસાર આ જળ પૌરુષત્વ વધારવા માટે પણ ગુણકારી માનવામાં આવે છે. એટલું જ નહીં ચરણામૃતથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભની સાથે-સાથે બુધ્ધિ તથા સ્મરણશક્તિમાં પણ વધારો થવાનો લાભ મળે છે. ઇશ્ર્વરના સાંનિધ્યમાં મૂકેલું જળ અથવા તો ચરણામૃત અતિ પવિત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.