કલાકના ગાળામાં એક યુવકના એન્ટિજન ટેસ્ટના પોઝિટવ અને નેગેટિવ રિપોર્ટ આવ્યા!
કોરોનાની તપાસ માટે કરવામા આવતા એન્ટિજન ટેસ્ટની વિશ્વસનીયતા સામે વધુ એકવાર સવાલ ઉઠ્યા છે. જામનગર શહેરમાં એક યુવકે બે અલગ અલગ સેન્ટર પર એક કલાકના ગાળામાં કરાવેલા બે એન્ટિજન ટેસ્ટના રિપોર્ટ અલગ અલગ આવ્યા હતા. એક સેન્ટર પર જે યુવકને પોઝિટિવ રિપોર્ટ અપાયો હતો તે જ યુવકને અન્ય સેન્ટર પર નેગેટિવ રિપોર્ટ અપાતા ચોંકી ઉઠ્યો હતો.
મનપામાં આવી રહેલા અરજદારોના ગેટ પર જ એન્ટિજન ટેસ્ટ કરવામા આવે છે. ત્યારે 8 તારીખે એક યુવકે અહીં એન્ટિજન ટેસ્ટ કરાવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં અહીં હાજર સ્ટાફ દ્વારા તેમને જરુરી દવા આપી હોમ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી. બાદમાં એક કલાક બાદ આ યુવકે ગોમતીપુર વિસ્તારમાં આવેલા આરોગ્ય કેંદ્રમાં ફરીવાર એન્ટિજન ટેસ્ટ કરાવ્યો હતો. અહીં જ્યારે યુવકના હાથમાં રિપોર્ટ આવ્યો તો તે ચોંકી ઉઠ્યો હતો. કારણ કે તે રિપોર્ટ નેગેટિવ હતો. એક કલાકના ગાળામાં જ પોઝિટિવ અને નેગિટિવ રિપોર્ટ મળતા યુવક મૂંઝાયો હતો.
મનપાના ગેટ પાસે કાર્યરત સેન્ટર પર છેલ્લા આઠેક દિવસથી દરરોજ 10 થી 12 લોકોના એન્ટિજન ટેસ્ટના રિપોર્ટ પોઝિટિવ આવતા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ લોકોની તબિયત સ્થિત હોય હોમ આઈસોલેશનમાં મોકલવામા આવતા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ, એક યુવકના એક કલાકના ગાળામાં પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ આવતા એન્ટિજન ટેસ્ટની વિશ્વનીયતા સામે વધુ એક વાર સવાલ ઉઠ્યા છે.