નીતા મહેતા
રુદ્રાક્ષ ખૂબ પવિત્ર છે, તેને ધારણ કરવા માત્રથી જીવનના દરેક દુઃખ દર્દ દૂર થાય છે. રુદ્રાક્ષ અને મહાદેવ વચ્ચે શું સંબંધ છે ? ભગવાન શિવ રુદ્રાક્ષની માળા ધારણ કરે છે, ભગવાન શિવની સાથે જોડાવાને કારણે રુદ્રાક્ષનું મહત્વ ખૂબ વધી જાય છે. ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુઓ માંથી થઈ હતી, તેથી રૂદ્રાક્ષને ભગવાન શિવનું સ્વરૂપ મનાય છે.
સૃષ્ટિના કલ્યાણ માટે જ્યારે વર્ષો સુધી ધ્યાન કર્યા પછી ભગવાન શિવે આંખો ખોલી ત્યારે આંસુઓના ટીપા પડ્યા, અને ધરતીમાતા એ રુદ્રાક્ષના વૃક્ષને જન્મ આપ્યો. રુદ્રાક્ષનો અર્થ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર મનાય છે. રુદ્રાક્ષ બે શબ્દ મળીને બન્યો છે. પહેલો શબ્દ રુદ્ર એટલે ભગવાન શિવ અને બીજો શબ્દ છે અક્ષ એટલે નેત્ર.
રુદ્રાક્ષની ઉત્પત્તિની કથા
એક પૌરાણિક કથા અનુસાર માતા સતીએ જ્યારે હવન કુંડમાં કૂદીને અગ્નિસ્નાન કરી લીધું ત્યારે મહાદેવ વિચલિત થઈને માતા સતીના શરીરને લઈને ત્રણેય લોકમાં વિલાપ કરતા ફરતા હતા. કહેવાય છે કે ભગવાન શિવના વિલાપના કારણે જ્યાં જ્યાં તેમના આંસુ પડ્યા હતા ત્યાં ત્યાં રૂદ્રાક્ષના વૃક્ષ ઉત્પન્ન થયા હતા.
ભાગવત પુરાણ અનુસાર ત્રિપુરાસુર રાક્ષસને પોતાની શક્તિનું અભિમાન હતું, તેથી તેમણે દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું. ત્રિપુરાસુરની સામે કોઈ દેવ કે ઋષિમુની ટકી શકતા ન હતા. બ્રહ્મા વિષ્ણુ સહીત સર્વે દેવો ભગવાન શિવની પાસે ત્રિપુરાસુર થી બચાવવાની પ્રાર્થના કરવા લાગ્યા.
મહાદેવે દેવતાઓની વાત સાંભળી ને પોતાની આંખો ધ્યાન મુદ્રામાં બંધ કરી દીધી. ધ્યાન પૂર્ણ કરીને મહાદેવે જ્યારે આંખો ખોલી ત્યારે તેની આંખોમાંથી આંસુ ધરતી પર પડ્યા, અને ત્યાં રુદ્રાક્ષનું વૃક્ષ ઉગ્યું. ત્યાર પછી ભગવાન શિવે પોતાના ત્રિશુલથી રાક્ષસ ત્રિપુરાસૂર નો વધ કરીને પૃથ્વી અને દેવલોક ને એના ત્રાસથી મુક્ત કર્યા.
આમ રુદ્રાક્ષ ભગવાન શિવની આંખના પાણીમાંથી ઉત્પન્ન થયા છે, તેથી તે ખૂબ જ શુદ્ધ અને પવિત્ર મનાય છે.
રુદ્રાક્ષ પહેરતી વ્યક્તિ શિવજીને પ્રિય હોય છે અને રુદ્રાક્ષ ધારણ કરવાથી નકારાત્મક શક્તિથી બચી શકાય છે. ટૂંકમાં રુદ્રાક્ષથી અનેક લાભ થાય છે અને હિન્દુ ધર્મમાં તેનું ખૂબ મહત્વ રહેલું છે.