ઇસ્લામ એટલે હિજરી સનનો પહેલો મહિનો મહોરમ છે. ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે.
કરબલાની મહાન દુ:ખદ ઘટના છે. લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં બની હતી. પયગમ્બરે ઇસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલુલ્લાહના નવાસા હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામે પોતાના બોત્તેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી. ગત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્ત્વ છે. કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, પરંતુ કોઇ પણ અકીદાથી સંબંધિત તે વ્યકિત, જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે, તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે.
હુઝુર સરવરે કાએનાત અને તેમના સાથીદારોએ અસંખ્ય તકલીફો અને હજારો કીમતી જીવોની કુરબાની આપીને જે રાજય સ્થાપિત કર્યું હતું, તે સામ્રાજય યઝીદ જેવા દુરાચારી શકિતના કબજામાં આવી ગયું, જે ન તો ઇસ્લામી તઅલીમનો દિલથી સ્વીકાર કરતો હતો, ન તો એવા હક્કોને મહત્ત્વ આપતો હતો, જેનો સંબંધ માનવતા અને અખ્લાકિયાતની સાથે હોય.
યઝીદમાં તે તમામ બુરાઇઓ હતી, જેનું અસ્તિત્વ કોઇ પણ સમાજ માટે ખતરા અને ભયનું કારણ હોય છે. યઝીદ પોતાની રીતે જે મનમાની કરવા ચાહતો હતો, તેના માર્ગમાં સૌથી મોટી અડચણ પયગમ્બરે ઇસ્લામની તે તઅલીમ હતી, જે ન કેવળ અરબવાસીઓ બલકે સમગ્ર માનવજાત માટે દીવાદાંડી સમાન હતી.
યઝીદને સંપૂર્ણ વિશ્વાસ હતો કે, તે સમયના અમીર ઉમરાવો પૈકી ઘણાને બળજબરીથી અથવા સત્તા તથા દોલતની લાલચ આપીને પોતાની સાથે ભેળવી શકાય છે. પરંતુ જનાબે હુસેન, જે રિસાલતના ખોળામાં પોષણ પામ્યા, તેમની જ છત્રછાયા નીચે શિક્ષણ પામ્યા છે, તેમને કોઇ લાલચ-આકાંક્ષા અથવા દબાણ દ્વારા ચલિત કરી શકાશે નહીં. આ હાલતમાં તેમના ઇન્કારને બહાનું બનાવી લોકમતને પોતાના હક્કમાં ફેરવી શકશે, તેવું તેનું માનવું હતું. પરંતુ હજરત હુસેનના જેવા સિદ્ધાંતવાદી અને કર્મવીર ઇન્સાનની નજરોમાં કેવળ જિંદગીની ફાની સમૃદ્ધિઓ જ સર્વસ્વ ન હતી. તેમની નજરો સમક્ષ તો માનવીય અધિકારોનું રક્ષણ હતું, જે તેમના નાનાજાન હજરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમની પાયાની તઅલીમ અને સિદ્ધાંતોનો મૂળ હેતુ હતો. કરબલાના મયદાનમાં હજરત ઇમામ હુસેને જે કુરબાની આપી, તેની યાદ આજે પણ જગતના કરોડો માનવો બહુ જોશ અને જઝબા સાથે મનાવે છે.
૧૦મી મોહરમે સઘળા સાથીઓ ભૂખ અને તરસની હાલતમાં યઝીદના લશ્કરનો મુકાબલો કરતાં-કરતાં શહીદ થઇ ગયા. નિકટના કુટુંબીજનોમાં બત્રીસ વર્ષના જુવાનજૉધ ભાઈ, નવજુવાન હજરત અબ્બાસ હતા. તે કુરાત નદીમાંથી પાણી ભરવા ગયા, જેથી નાનાં-બાળકોની તરસ મિટાવી શકે, જે તંબુમાં તરફડી રહ્યાં હતાં. હજરત બંને હાથ કપાવીને શહીદ થઇ ગયા. જનાબે હુસેનના નવજુવાન પુત્ર અલી અકબર છાતીમાં ભાલો ખાઇને યાદગાર શહાદત મૂકી ગયા. મોટાભાઈ હજરત ઇમામ હસન રદિયલ્લાહો અન્હોના જુવાન પુત્ર હજરત કાસિમ પણ શહાદત પામ્યા. તેમની બહેન હજરત ઝેનબના બંને નવજુવાન ફરજંદો યઝીદી ફોજ સાથે લડતાં-લડતાં શહીદ થઇ ગયા.
છ મહિનાના નાનકડા ફરજંદ અલી અસગરની તરસ અને સાત તીર લાગવાથી આ બાળકની શહાદત, એક એવી ઘટના છે, જે કોઇ પણ માનવીના હૃદયને ડગમગાવી દેવા માટે કાફી થઇ શકે છે. તેમની શહાદતની મહાનતાનું આ એક મહાન દૃષ્ટાંત છે, જેના પર સમગ્ર માનવજાત વાસ્તવિક રીતે ગર્વ લઇ રહી છે.
આમ, ‘કિસ્સા-એ-કરબલા’, એ મહાન માનવીય આદર્શોઅને માનવ ગૌરવને જિંદગી બક્ષવાનું કારણ બની હજરત ઇમાન હુસેને કરબલાના મેદાનમાં અમલી રીતે, એ સાબિત કરી બતાવ્યું કે, ‘કોઇ પણ અત્યાચાર અને દમન વિરુદ્ધ માથું ઝુકાવવાને બદલે, માનવ-અધિકાર માટે મૃત્યુને શરણ થવું, તેનું જ નામ અમલ છે.’
ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે ‘મોહરમ’ એ હજરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. તેઓ ઠંડું પીણું, શરબત, દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે. તેમજ હજરત ઇમામ હુસેનની યાદમાં ‘તાજિયા’ બનાવીને, ભવ્ય રીતે તેને શણગારીને જુલૂસ કાઢવામાં આવે છે.