- થાનની આગ આકસ્મિક કે ષડયંત્ર?
- સવારે લાગેલી આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવાયા બાદ રાત્રે 8:30 વાગ્યે ફરીવાર તણખા ઝર્યા : ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો: રાજકોટ, સુરેન્દ્રનગર, ચોટીલા, હળવદ, ધ્રાંગધ્રાથી ફાયર ફાઇટરો દોડી ગયાં : વહેલી સવારે આગ કાબુમાં લેવાઈ
સુરેન્દ્રનગર જીલ્લાના થાન હિટરનગર વિસ્તારમાં આવેલ સરકારી (એફસીઆઈ) અનાજના ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો ન હોતો પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરી ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવેલ મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ જતા મોટાપાયે નુકશાન પહોંચ્યું છે. જ્યારે બે થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. બાદમાં રાત્રીના 8:30 વાગ્યાં આસપાસ ફરીવાર આગ લાગતા ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કરતા રાજકોટ, સુરેન્દ્રનગર, ચોટીલા, હળવદ, ધ્રાંગધ્રાથી ફાયર ફાઇટરો દોડી ગયાં હતા અને વહેલી સવાર સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. હવે જયારે મગફળી સંગ્રહ કરવામાં આવેલ ગોડાઉનમાં ફક્ત 12 કલાકમાં બે વાર આગ લાગતા અનેક શંકાઓ ઉપજી રહી છે. શું આગ આકસ્મિક હતી કે પછી ષડયંત્ર રચીને લગાવવામાં આવી હતી? આ તમામ સવાલો ઉભા થયાં છે.
આ અંગે મળતી માહિતી મુજબ થાન હિટરનગર વિસ્તારમાં આવેલ સરકારી ગોડાઉનમાં કપાસ સહિતની જણશો તેમજ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ નીપજનો જથ્થો સંગ્રહ કરવામાં આવેછે. ત્યારેસવારના સમયે અચાનક સરકારી ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં ગણતરીની મીનીટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ગોડાઉનમાંથી ઘુમાડાના ગોટેગોટા ઉડવા લાગતા આસપાસના લોકો સહિત ગ્રામજનો અને આગેવાનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને આ અંગે પાલિકાની ફાયર ફાયટર ટીમ તેમજ થાન મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
આથી સુરેન્દ્રનગર, થાન અને ચોટીલા નગરપાલિકાની ફાયર ફાયટરની પાંચ જેટલી ટીમો સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતા. સવારનો સમય હોવાથી સદ્દનસીબે સરકારી ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જો કે સરકારી ગોડાઉનમાં સરકારે ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીનો જથ્થો મોટાપ્રમાણમાં બળીને ખાખ થઈ જતા અંદાજે કરોડો રૂપિયાના નુકશાનની શક્યતાઓ સેવાઈ રહી છે. પ્રાથમિક અનુમાનમાં આગને કારણે અંદાજે 50 હજાર કિલોથી વધુ મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ જતા કરોડો રૂપિયાના નુકશાનની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ પર કાબુ મેળવવા ફાયર ફાયટરની ટીમ દ્વારા જેસીબી સહિતના સાધનો વડે ગોડાઉનની દિવાલ સહિત અમુક શટરોને પણ તોડવામાં આવ્યા હતા અને અંદાજેબે થી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
સવારે લાગેલી આગ પર ત્રણ કલાક બાદ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો જે બાદ રાત્રીના 8:30 વાગ્યાં આસપાસ ફરીવાર આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે મેજર કોલ જાહેર કરતા રાજકોટ, સુરેન્દ્રનગર, ચોટીલા, હળવદ, ધ્રાંગધ્રાથી ફાયર ફાઇટરો દોડી ગયાં હતા અને વહેલી સવાર સુધી પાણીનો મારો ચલાવી બીજીવાર આગ પર કાબુ મેળવાયો હતો.
હવે જયારે એક જ ગોડાઉનમાં બે વાર આગ ત્યારે અનેક શંકાઓ ઉપજી રહી છે. અગાઉ રાજકોટ જિલ્લામાં પણ મગફળીકાંડ અને બારદાનકાંડ સર્જાઈ ચુક્યા છે જેમાં ગુનાહિત કાવતરું રચાઈ ગયાંનું સામે આવ્યું હતું. ત્યારે શું થાનમાં પણ આ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે કેમ? મગફળીનો જથ્થો સળગાવી નાખી પોતાના પાપના કાળા ચિઠ્ઠાને રાખ કરી દેવામાં કોને રસ હતો? શું ઈરાદાપૂર્વક જ આ આગ લગાડવામાં આવી હતી? આ તમામ સવાલો રાજકીય ગલિયારીથી માંડી સ્થાનિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે. જો કે, જ્યાં સુધી આ મામલે તટસ્થ તપાસ ન થાય ત્યાં સુધી આ સવાલ ફક્ત લોકોના મુખે ચર્ચાતી વાત જ રહેશે.
ગોડાઉનમાં 8,75,000 કિલો મગફળી હોવાના અહેવાલ
સરકારી ગોડાઉનમાં 25,000 બોરી(કટ્ટા) મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો. વધુ તપાસ કરતા એક બોરીમાં અંદાજે 3પ કિલો મગફળી ભરવામાં આવી હતી એટલે કે કુલ 8,75,000 કિલો મગફળી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે.
1500 થી 2000 બોરીઓ આગમાં બળીને ખાક થયાનું અનુમાન
આગના બનાવને પગલે સ્થળ પર પહોંચેલ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાના જણાવ્યા મુજબ સરકારી ગોડાઉનમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીની 25000 બોરીઓ(કટ્ટા) રાખવામાં આવ્યા હતા. જે પૈકી આગમાં અંદાજે 1500થી 2000 બોરીઓ બળીને ખાખ થઈ ગઈ હોવાની પુષ્ટી કરી હતી તેમજ ગોડાઉનમાં રહેલ કપાસ સહિની જણશો સલામત સ્થળે હોવાથી તેને નુકશાન પહોંચ્યું નહોતું.
સરકારી ગોડાઉનના મેનેજરે બે દિવસ પહેલા જ ચાર્જ સંભાળ્યો હોવાનું બહાર આવ્યું
જ્યારે આ અંગે સરકારી ગોડાઉનના મેનેજરના જણાવ્યા મુજબ તેઓએ બે દિવસ પહેલા જ ગોડાઉનનો ચાર્જ સંભાળ્યો હોવાથી સરકારી ગોડાઉનમાં કઈ જણશનો કેટલો જથ્થો રાખવામાં આવ્યો છે તેની સ્પષ્ટ માહિતી ખબર નહિં હોવાનું સામે આવ્યું હતું.
થાન આગ દુર્ઘટનાની ન્યાયિક તપાસ થવી જરૂરી : દિલીપભાઈ સંઘાણી
આગની દુર્ઘટના અંગે ઇફકોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીએ ’અબતક’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈ પણ શંકાસ્પદ ઘટના સર્જાય ત્યારે ન્યાયિક અને તટસ્થ તપાસ થવી જરૂરી હોય છે. ત્યારે થાન આગ દુર્ઘટનાની પણ ન્યાયિક તપાસ થવી જ જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ આગની ઘટના અંગે કોઈ નિવેદન આપવું યોગ્ય નથી પણ એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.