૧૯૭૪ થી ૧૯૮૫ વચ્ચે ‘ખામ’ થીયરીના કારણે સત્તામાં રહેલી કોંગ્રેસને પાટીદારોની અવગણના ભારે પડી હતી: હવે નવા જાતિગત સમીકરણો માટે કોંગ્રેસ ઉંધામાથે
કોંગ્રેસ ગુજરાતમાં ૨૫ વર્ષોથી સત્તામાં નથી જેની પાછળ તેણે ૭૦ અને ૮૦ના દસકમાં અપનાવેલી ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ એટલે કે ખામ થિયરી જવાબદાર માનવામાં આવે છે. તે સમયે ખામ વોટ બેંકે કોંગ્રેસની તિજોરી મતથી છલકાવી દીધી હતી. ખામ થીયરી એટલી હદે લોકપ્રિય હતી કે, કોંગ્રેસે તો તેનું અંગ્રેજી મુળાક્ષર મુજબ પ્રથમ અંતર સમાવી વિધિસર નામ આપી દીધું હતું. ખામ થીયરી કોંગ્રેસ માટે અસરકારક બની હતી. ૧૯૮૧ની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૪૨ બેઠકો ગુજરાત વિધાનસભામાં તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ મેળવી હતી જે વિક્રમ આજ પણ અકબંધ રહ્યો છે. જો કે, ખામ થીયરીને અપનાવી કોંગ્રેસે પાટીદારોને હાંસીયામાં ધકેલી દીધા હતા. ત્યારબાદ ભાજપે ખામ થીયરીમાં ગાબડુ પાડયું પરિણામે કોંગ્રેસે સત્તા ગુમાવી અને ૨૫ વર્ષ સુધી વનવાસ ભોગવ્યો છે.
કોંગ્રેસે ૨૦૧૭ વિધાનસભા ચૂંટરી માટે ખામ થીયરીનો ટેકો લેવાનો પ્રારંભ કર્યો હતો. આદિવાસી મત વિસ્તારો ધમરોળીયા હતા. આ ઉપરાંત અન્ય સમાજોને પણ હાથમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. જો કે, પાટીદારોને તે સમયે હાંસીયામાં રાખતા કોંગ્રેસને માઠા પરિણામો હજુ સુધી નડી રહ્યાં છે. ૨૫ વર્ષ સુધી સત્તાથી દૂર રહ્યાં બાદ કોંગ્રેસને હવે નવા જાતિ-જ્ઞાતિવાદી સમીકરણો ઉભા કરવાની તાતી જ‚રીયાત થઈ છે. સમગ્ર મામલો ગુંચવાઈ ગયો છે.
૧૯૮૫માં ઓબીસી સમુદાય કોંગ્રેસ સાથે હતો તે વખતે કોંગ્રેસને ૧૪૯ બેઠકો મળી હતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે જાતિ-જ્ઞાતિવાદી સમીકરણો હવે કાર્યરત નથી. વિકાસની રાજનીતિના કારણે તમામને રણનીતિ બદલવાની જ‚ર પડી છે. એકંદરે તંદુરસ્ત લોકશાહી માટે સારા પરિણામો લાવી રહ્યાં છે.
કોંગ્રેસની ખામ થીયરીના કારણે ગુજરાતમાં પાટીદારોનો પાવર સીમીત રહ્યો હતો. જો કે ખામ કાર્ડમાં ભાજપે ધીમે ધીમે ગાબડુ પાડતા સત્તા કોંગ્રેસના હાથમાંથી છીનવાઈ ગઈ હતી. ત્યારબાદ ૨૫ વર્ષ સુધી કોંગ્રેસ સત્તાથી દૂર રહી છે. જેની પાછળ તે સમયે પાટીદારને ધ્યાનમાં ન લીધા હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.