રાજાની કુંવરીની માફક દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક શહેરમાં પેટ્રોલના ભાવ 100 રૂપીયાની પાર થઈ ગયા છે. રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સદી તરફ આગેકૂચ કરી રહ્યા છે.આજે શહેરમાં ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નહતો. પરંતુ પેટ્રોલના ભાવમાં 34 પૈસાનો તોતીંગ વધારો થતા આજે શહેરમાં એક લીટર પેટ્રોલ 96 રૂપીયા અને 51 પૈસામાં વેંચાયું હતુ.
બ્રાન્ડેડ પેટ્રોલના ભાવ 100 રૂપીયાનો આંક વટાવી ચૂકયો છે. હવે રેગ્યુલર પેટ્રોલના ભાવ પણ 100 રૂપીયાની પર થાય તે દિવસો બહૂ દૂર નથી. ગઈકાલે રવિવારે રાજકોટમાં પેટ્રોલના ભાવમાં 34 પૈસાનો અને ડિઝલના ભાવમાં 18 પૈસાનો તોતીંગ વધારો કરવામાં આવ્યો હતો. પ્રતિદિન સુરજ ઉગે છે ને પેટ્રોલ-ડીઝલના ભાવો વધે છે. આજે પણ પેટ્રોલના ભાવમાં 34 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. તો ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી.
આજે રાજકોટમાં પ્રતિલીટર પેટ્રોલના ભાવ 96.51 રૂપીયા જયારે ડીઝલના ભાવ પ્રતિલીટર 96.06 રૂપીયા રહેવા પામ્યા હતા બે દિવસમાં પેટ્રોલની કિંમતોમાં 68 પૈસાનો વધારો થતા વાહન ચાલકોની રાડ બોલી જવા પામી છે. સતત વધતા પેટ્રોલીયમ પેદાશોનાં ભાવથી દેશભરમાં જનતાનો કેન્દ્ર સરકાર સામે રોષ ફાટી નીકળ્યો છે. બીજી તરફ પેટ્રોલ -ડીઝલના ભાવના કારણે મોંઘવારીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પ્રજાને બેવડો માર પડી રહ્યો છે.