અસંગઠીત ક્ષેત્રના રોજમદારોને યુ-વીન કાર્ડ આપવાની ગુજરાત સરકારની પહેલની સુપ્રીમની સરાહના
અત્યાર સુધી 6 લાખ શ્રમિકોની યોજના અંતર્ગત નોંધણી, ગુજરાતની કામગીરીનું અનુકરણ કરવા દેશના તમામ રાજ્યોને સલાહ
અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોના વિકાસ માટે ઈ-નિર્માણ પોર્ટલ અને આધારકાર્ડ સાથે લીંક યુ-વીન સ્માર્ટ કાર્ડ દેવાની ગુજરાત સરકારની પહેલની સુપ્રીમ કોર્ટે સરાહના કરી છે. એટલું જ નહીં સુપ્રીમે અન્ય રાજ્યોને પણ ગુજરાતના આ મોડેલને અપનાવવાની સલાહ આપી છે. પ્રવાસી શ્રમિકોની મુશ્કેલી અને સમસ્યાને લઈ સુઓમોટો અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આ ટકોર કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રમ એવ જયતેના દ્રષ્ટિકોણના સાકાર કરવા અસંગઠીત અને બાંધકામ ક્ષેત્રે કામ કરી રહેલા શ્રમિકો માટે અનેક યોજના બનાવી છે.
અસંગઠીત શ્રમિકોની નોંધણી માટે નિર્માણ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેના પર શ્રમિક ઘરબેઠા પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. સાથે સાથે મોબાઈલ એપ્લીકેશન પણ લોંચ કર્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકાર શ્રમિકોને યુ-વીન કાર્ડ પણ આપશે. અસંગઠીત શ્રમિકોના ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની પહેલ કરવાવાળુ ગુજરાત રાજ્ય દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. અત્યાર સુધી 6 લાખ શ્રમિકોએ આ યોજના માટે નોંધણી કરાવી છે. રાજ્યમાં 21291 સામાન્ય સેવા કેન્દ્રો છે જ્યાંથી શ્રમિકો માટે નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
શ્રમિક આધારકાર્ડ નંબર, બેંક ખાતાની ચકાસણી, રાશન કાર્ડ અને આવકના દાખલા જેવા પુરાવા આપી નોંધણી કરી શકાશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન તમામ રાજયોને સ્થળાંતરીત શ્રમિકો માટે સામૂહિક રસોડાનો પ્રારંભ કરવાનું સુચન પણ કર્યું છે. ગુજરાત આ દિશામાં પણ મોખરે છે. રાજ્યમાં શ્રમિક અન્પૂર્ણા યોજના ચાલુ છે. જેનો લાભ શ્રમિકોને મળી રહ્યો છે. આ યોજના અંતર્ગત શ્રમિકોને રૂા.10માં ભોજન આપવામાં આવે છે. યોજના અંતર્ગત સરકાર તરફથી આવા સ્થાનો પર પણ અન્નપૂર્ણ યોજના અંતર્ગત ભોજન વાહન શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં શ્રમિકો એક સાથે મજૂરી માટે ભેગા થયા હોય.