આજના ડીજીટલ યુગમાં જ્યારે દરેક માનવીને લગતી કોઈ ને કોઈ માહિતી કોઈપણ ડીજીટલ પ્લેટફોર્મ પર હાજર હોય છે. આ ડેટાને સોના જેટલું કિંમતી માનવામાં આવે છે. એટલે જ ડેટા ઇઝ કિંગ એવું કહેવામાં આવે છે. બિલમાં ડેટાને ત્રણ ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે.
પહેલું વ્યક્તિગત ડેટા એટલે કે વ્યક્તિગત માહિતી જે કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે સંબંધિત હોય, જેમ કે વ્યક્તિનું નામ, સરનામું, ઉંમર અને ફોટો વગેરે. બીજું સંવેદનશીલ વ્યક્તિગત ડેટા એટલે એવી માહિતી કે જે ખાનગી તેમજ સંવેદનશીલ હોય અને દરેકને કહેવું યોગ્ય નથી, જેમ કે જાતિ, વર્ગ, ટ્રાન્સજેન્ડર સ્થિતિ અને આરોગ્ય વગેરે સંબંધિત માહિતી. ત્રીજું જટિલ વ્યક્તિગત ડેટા – માહિતી જે ખાનગી હોઈ શકે છે, પરંતુ સરકાર માટે જરૂરી છે.
આ બિલની કેટલીક જોગવાઈઓ છે. જેમાં ડેટા પ્રોટેક્શન ઓફિસરની પરવાનગી વિના દેશની સરહદોની બહાર સંવેદનશીલ વ્યક્તિગત માહિતી મોકલી શકાતી નથી. કેટલાક અપવાદો જેમાં વ્યક્તિની સંમતિ વિના ડેટાનો ઉપયોગ કરી શકાય છે તે છે વ્હીસલ બ્લોઇંગ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, કાયદો અને વ્યવસ્થા જાળવવી વગેરે. કંપની દ્વારા ડેટા પ્રોટેક્શન ઓફિસરની નિમણૂક કરવામાં આવશે જે કેન્દ્ર દ્વારા રચવામાં આવેલ ડેટા પ્રોટેક્શન ઓથોરિટી સાથે કામ કરશે.
બાકીના અન્ય કેસોમાં, તમારા ડેટાનો ઉપયોગ અને ટ્રાન્સફર કરવાનો અધિકાર તે વ્યક્તિના પોતાના હાથમાં રહેશે. કોઈપણ ઉલ્લંઘન માટે ટર્નઓવરના બે ટકા દંડ અથવા નાના કેસમાં પાંચ કરોડ રૂપિયા અને મોટા કેસમાં ચાર ટકા અથવા 15 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. ડેટા કંપનીઓને ડર છે કે એક રાષ્ટ્ર દ્વારા આવો કાયદો પસાર કરવાથી અન્ય રાષ્ટ્રોમાં આવી માંગણીઓ થઈ શકે છે.