- અગ્નિકાંડમાં મનપાના વધુ બે ટીપીઓની ધરપકડ : 5 દિવસના રિમાન્ડ પર
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે 15 જૂનના રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મનપા ટાઉન પ્લાનિંગ શાખાના એટીપી (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર) રાજેશ મકવાણા તેમજ જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. બંને દ્વારા ગેમ ઝોન દુર્ઘટના બાદ બચવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. બંનેએ ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવ્યું હોવાનું સામે આવતા ટીમ પુરાવાઓ એકત્ર કરી તપાસ કરી રહી છે. જે અંતર્ગત 16 જૂનના બંનેને ક્રાઇમ બ્રાન્ચથી કોર્ટમાં રિમાન્ડ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં અદાલત સમક્ષ બંનેના 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે, નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જાણવા મળતી વિગત મુજબ, શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગ્નિકાંડ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન આરોપીઓએ અગ્નિકાંડના બીજા દિવસે પુરાવાનો નાશ કરી ખોટું રજિસ્ટર તૈયાર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગના વધુ બે આરોપીઓની સંડોવણી ખુલી હતી. પોલીસ તપાસમાં રાજેશ મકવાણાની વોર્ડ નંબર 10માં જવાબદારી નહીં હોવા છતાં ગુનાના કામે સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એટીપી રાજેશ મકવાણા અને જયદિપ ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમજ બંનેને 7 દિવસના રિમાન્ડની માગ સાથે એ. એસ. ખંડેલવાલની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
અદાલત સમક્ષ એડિશનલ સ્પે. પીપી નિતેશ કથિરિયાએ જણાવ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ વિભાગના આ બંને સહિત તમામ અધિકારી જાણતા હતા કે ગેરકાયદેસર બાંધકામ કાયદેસર થઈ શકે તેમ નથી. કારણ કે, જીપીએમસી-260(2)ની નોટિસ બાદ ગેર કાયદેસર બાંધકામને કાયદેસર કરી શકાતું નથી. આ ડિમોલેશનની નોટિસ બાદ બાંધકામને કાયદેસર કરવા માટે રેગ્યુલરાઈઝની અરજી પણ કરી શકાતી નથી. જો અરજદારને વાંધો હોય તો વહીવટી તંત્રની નોટિસ સામે સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે છે. જેને લઈને આ અગ્નિકાંડ સર્જાયા બાદ ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે સંકળાયેલા એમ. ડી. સાગઠિયા સહિતનાએ ઇમ્પેક્ટને લગતા ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા હતા.
અગ્નિકાંડ બાદ એટીપી રાજેશ મકવાણા અને જયદિપ ચૌધરી દ્વારા ખોટું રજીસ્ટર તૈયાર કરી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ કામગીરીમાં તેમની સાથે અન્ય કોની સંડોવણી છે? તેમજ કોના કહેવાથી બંનેએ આ કામ કર્યું હતું? તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા તેઓની સઘન પૂછતાછ કરવામાં આવનાર છે. આ માટે આરોપીઓનાં રિમાન્ડ મેળવવા પણ જરૂરી હોવાથી બંનેનાં 7 દિવસનાં રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે, અદાલતે 5 દિવસ એટલે કે આગામી 21 તારીખ સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.