કેન્દ્ર શાસીત પ્રદેશમાં તબદીલ કરવામાં આવેલા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની પરિસ્થિતિ અને સંભવિત જોખમો અંગે સઘન ચર્ચા-વિચારણા કરવા માટે હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મામલો હાથમાં લીધો છે. તેની પાછળનું કારણ માત્ર જમ્મુ અને કાશ્મીર હોય ન શકે તેવું રાજકીય અને આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાંતો દર્શાવી રહ્યાં છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાએ જગ્યા ખાલી કર્યા બાદ સંભવિત તાલીબાની ભયને પહોંચી વળવાના વ્યૂહરૂપે ભારતની સજ્જતા અને વ્યૂહ રચના અંગે મનોમંથન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હોવાનું માનવામાં આવે છે. અત્યારે પ્રારંભીક કાર્યક્રમ મુજબ 24મી જુને બેઠક યોજાઈ શકે છે. કદાચ આ તારીખમાં પણ ફેરફાર સંભવ છે. સત્તાવાર રીતે કારણ કાશ્મીર આપવામાં આવ્યું છે પણ વાસ્તવમાં મોદી સરકારનો વ્યૂહ અફઘાન સીમાડાને સુરક્ષીત કરવા અંગેનો છે તે અંગે વડાપ્રધાન સરકારના વ્યૂહને તમામ પક્ષો સાથે ચર્ચવા માંગે છે અને નક્કર સ્ટ્રેટેજીને આખરી રૂપ આપવાની તૈયારી થઈ રહી છે તેવું જાણકારો કહી રહ્યાં છે.
સત્તાવાર સુત્રો એવું જણાવે છે કે, જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ ખુબ સુધરી રહી છે એટલે રાજકીય પ્રક્રિયા પુન: શરૂ કરવા વિશે ચર્ચા-વિચારણા કરવાનો મોદી સરકારનો વ્યૂહ છે. અત્યારે બેઠકના એજન્ડામાં પુન: સીમાંકન, ચૂંટણીઓ તથા ચૂંટાયેલી સરકારની રચના કરવા અંગેના મુદા સામે સમાવવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે કાશ્મીર અંગે ખાસ બેઠક બોલાવી હતી.
ત્યારથી જ દિલ્હીની સત્તાવાર લોબીમાં ચર્ચા અને અનુમાનોની આંધી શરૂ થઈ જવા પામી છે. શાહે યોજેલી બેઠકમાં કાશ્મીરના વહીવટદાર મનોજ સિન્હા પણ હાજર રહ્યાં હતા. બેઠકમાં ચર્ચાયા મુજબ ગૃહમંત્રી અમિત શાહે સિક્યુરીટી વધુ સારી સ્થિતિમાં હોવાની હકીકતથી સંતોષ વ્યકત કર્યો હતો. મનોજ સિન્હાએ આપેલા બ્રિફીંગ મુજબ કાશ્મીરમાં આતંકવાદીઓએ હવે સ્થાનિક ભરતી ઓછી કરી છે એ સારી નિશાની ગણાવામાં આવે છે, આતંકવાદી ઘટનાઓ પણ ઓછી થઈ છે અને સાથે સાથે આ વર્ષે ઘુસણખોરીની ટકાવારી પણ બહુ ઓછી જોવા મળી છે તે કારણે કેન્દ્રીય યોજનાઓ 90 ટકા વિસ્તારમાં લાગુ કરી શકાય છે અને 76 ટકા વસ્તીનું રસીકરણ કરી શકાયું છે.
વડાપ્રધાન મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી તેના પછી રાજકીય અને રાજદ્વારી વર્તુળોમાં જાતજાતના અનુમાનો થઈ રહ્યાં છે. માહિતગાર સુત્રો એવું જણાવી રહ્યાં છે કે, મોદી અમેરિકાએ ખાલી કરેલા અફઘાનિસ્તાનની દિશામાંથી ભારતીય સુરક્ષા માટે કોઈ જોખમ ઉભુ ન થાય તે જોવા માટે ખુબ આતુર છે તે કારણે અત્યારે અફઘાનિસ્તાનમાં ભારતે માળખાકીય સુવિધાઓ માટે ભરપુર મદદ આપવાનું શરૂ કર્યું છે.
અફઘાનિસ્તાનની હાલની સરકાર પણ ભારતને મિત્ર ગણીને સહયોગ આપી રહી છે. જેના કારણે ભારત અફઘાનિસ્તાનમાં પોતાની વગ અને શક્તિનો વિસ્તાર કરવા તરફ જોરશોરથી ધ્યાન આપી રહ્યું છે. આ મુદ્દો તાલીબાનોને ખટકે છે કેમ કે કટ્ટરપંથી આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં ભારતની વગને વધતી જોવા માગતા નથી. ગમે ત્યારે કોઈપણ ઉંબાળીયું કરી શકે તેમ છે તે સંભાવનાને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારથી અફઘાન મોરચો સુરક્ષીત કરી લેવા માંગે છે અને તે માટે તેમણે તમામ પક્ષોનો સહયોગ લેવાનું અને તેમના મંતવ્યો જાણવાનું નક્કી કર્યું છે.
24મી જુને યોજાનારી સર્વપક્ષીય બેઠકમાં માત્ર કાશ્મીર મોરચાનું નહીં બલકે મહદઅંશે અફઘાનિસ્તાનના મોરચાનું મનોમંથન કરવામાં આવનાર છે તેવી શકયતા રાજકીય વર્તુળો વ્યકત કરી રહ્યાં છે. અમેરિકા પોતાના હિતો પાર પાડીને મિત્રને પણ અધ્ધવચ્ચે મુકી દેવાનો ઈતિહાસ ધરાવતો દેશ છે. મોદી સાથે ભલે સારા સંબંધોની ચર્ચા અમેરિકામાં થતી હોય પણ વ્યક્તિગત રીતે વડાપ્રધાન મોદી અમેરિકાનો જરાપણ ભરોસો કરવા માંગતા નથી. સાથે સાથે અફઘાનિસ્તાનમાં ચંચુપાત કરવા માટે રશિયા પણ દરેક પ્રકારના દેખીતા પ્રયાસો કરી રહ્યું છે તે મોરચો પણ ધ્યાનમાં રાખવાની જરૂર હોવાથી ભારત અત્યારથી નક્કર વ્યૂહ અમલમાં મુકવાની દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં અફઘાનિસ્તાનને લાગે વળગે છે ત્યાં સુધી કોઈ મહત્વની રાજદ્વારી પહેલ થઈ શકે છે.