બુધવારે મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ત્યાં આવેલા ‘એલજી પોલિમર્સ’ના પ્લાન્ટમાંથી મોટા પ્રમાણમાં સ્ટાયરિન ગેસ લીક થયો અને જોતજોતામાં તે પ્લાન્ટથી પાંચેક કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ ગયો.
વિશાખાપટ્ટનમમાં લીક થયેલો ગેસ ‘સ્ટાયરિન’ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ ઈન્ડસ્ટ્રીમાં મોટા પ્રમાણમાં વપરાય છે. આ ગેસ ઝેરી છે અને જ્વલનશીલ પણ છે. તેનું લીકેજ પ્રચંડ બ્લાસ્ટ પણ સર્જી શક્યું હોત, જે સદનસીબે થયો નહીં.
આ ગેસની ઝપટમાં આવવાથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ખરાબ રીતે પ્રભાવિત થઇ શકે છે. સાંભળવાની ક્ષમતા પણ ખત્મ થઇ શકે છે અને મગજનું સંતુલન ખત્મ થઇ શકે છે. બહારના વાતાવરણમાં આવ્યા બાદ સ્ટીરીન ઓક્સિજનની સાથે સરળતાથી મિક્સ થઇ જાય છે. પરિણામ એ આવે કે હવામાં કાર્બન મોનો ઓક્સાઇડની માત્રા વધવા લાગે છે. તેના સંપર્કમાં આવ્યા બાદ લોકોના ફેંફસાં પર ખરાબ અસર પડે છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કેટલાંક ડૉકટર્સે કહ્યું કે સ્ટીરીન ન્યૂરો-ટૉક્સિન ગેસ છે, જેના સંપર્કમાં આવ્યા બાદ શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. તેનાથી 10 મિનિટની અંદર પ્રભાવિત વ્યક્તિનું મોત થઇ શકે છે.
તેનું થોડું એક્સપોઝર આંખોમાં બળતરા, પેટમાં ગરબડ પેદા કરે છે અને શરીરના કોષોમાં ભાંગફોડ કરીને ઈન્ટરનલ બ્લીડિંગ પણ પેદા કરી શકે છે. આ ગેસ વ્યક્તિનાં નસકોરાં, આંખો, ચામડી અને ગળાને પણ નુકસાન પહોંચાડે છે. નાનાં બાળકોને આ ગેસ વધુ હાનિ પહોંચાડે છે.
આ ગેસ શ્વાસમાં જાય એટલે વ્યક્તિને ઊલટી-ઉબકા આવવા માંડે, ચક્કર આવવા લાગે જેવી તાત્કાલિક અસરો દેખાવા માંડે છે. તેને તાત્કાલિક મેડિકલ હેલ્પ આપવી પડે છે, નહીંતર વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. કેમ કે, આ ગેસ વ્યક્તિનાં ફેફસાંને પણ અસર કરે છે અને શરીરની શ્વાસ લેવાની ક્ષમતા ઘટાડીને શરીરમાં ઓક્સિજનની માત્રા ઘટાડી દે છે, જેથી વ્યક્તિનો શ્વાસ રૂંધાવા લાગે છે અને વ્યક્તિ બેહોશ થઈ જાય છે.