૨૦૩૦ સુધીમાં રાંધણ ગેસ અને ટ્રાન્સપોર્ટેશન ઈંધણમાં ૧૦ ટકા મિથેનોલ ભેળવવાની પોલીસી ઘડી ૬૫ હજાર કરોડ બચાવવાની યોજના
ઓઈલ બીલમાં રૂ.૬૫૦૦૦ કરોડ બચાવવા માટે કેન્દ્ર સરકારે માસ્ટર પ્લાન ઘડી કાઢયો છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં મિથેનોલનો રાંધણ ગેસ તેમજ ટ્રાન્સપોર્ટેશન ઈંધણમાં ઉપયોગ વધારવાની કવાયત સરકાર કરી રહી છે. સરકાર પેટ્રોલમાં ૧૫ ટકા મિથેનોલ ભેળવવાની મંજૂરી આપતી યોજના ટૂંક સમયમાં બનાવશે. મિથેનોલને પેટ્રોલમાં ભેળવવાથી ઈંધણમાં ૧૦ ટકાનો ઘટાડો થઈ શકે છે.
માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગઈકાલે લોકસભામાં આ મુદ્દે જાહેરાત કરી હતી. સરકાર પેટ્રોલમાં મિથેનોલ ભેળવવા માટેના ધારા ધોરણો ઘડવા માટે તૈયાર હોવાનું તેમણે કહ્યું હતું. ભારત વિશ્ર્વમાં ૩જા નંબરનો સૌથી મોટો ઓઈલ ઈમ્પોર્ટર છે. માટે ૨૦૩૦ સુધીમાં ઈમ્પોર્ટનું ભારણ ઘટાડી રૂ.૬૫૦૦૦ કરોડ બચાવવા પ્લાન ઘડી કઢાયો છે.
નીતિન ગડકરીએ ઝીરો અવર્સ દરમિયાન કહ્યું હતું કે, મિથેનોલ ઈકોનોમી માટે છેલ્લો રોડ મેપ નીતિ આયોગ સાથે મળી ઘડી કાઢવામાં આવશે. જેનાથી વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ બીલીયન ડોલર (અંદાજે ૬૫૦૦૦ કરોડ રૂપિયા)નું ભારણ ઓછુ થશે. મરીન અને માર્ગ પરિવહન માટે મિથેનોલનો ઉપયોગ ટૂંક સમયમાં શરૂ થશે.
મિથેનોલ ભેળવવાથી પ્રદૂષણમાં રાહત પણ થશે. આગામી ૫ થી ૬ વર્ષમાં ડિઝલથી ઉત્પાદીત પ્રદુષણ ૨૦ ટકા સુધી મિથેનોલ ભેળવવાના કારણે ઘટી જશે. રાંધણ ગેસમાં પણ ૨૦ ટકા મિથેનોલ ઉમેરવાથી વર્ષે ૬૦૦૦ કરોડની બચત થશે. રેલવેમાં વપરાતા ઈંધણમાં પણ ૫૦ ટકા સુધી મિથેનોલ ભેળવવામાં આવશે. જેનાથી ૧૫૦૦૦ કરોડની બચત થશે.
તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં ૨૯૦૦ કરોડ લીટર પેટ્રોલ અને ૯૦૦૦ કરોડ લીટર ડિઝલની જરૂર દર વર્ષે પડે છે. જેનું બીલ ૬ લાખ કરોડ સુધી પહોંચે છે. આ બીલ સરકાર ઘટાડવા માંગે છે.
એલપીજીના ભાવ નહીં વધારવાની જાહેરાતથી ગૃહીણીઓમાં હાશકારો
વૈશ્ર્વિક ક્રુડના ભાવ છેલ્લા ઘણા સમયથી સતત વધી રહ્યાં હતા. પરિણામે ઓકટોમ્બર મહિનાથી સરકારે રાંધણ ગેસના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. માટે લોકો રોષે ભરાયા હતા. પરંતુ હવે ક્રુડના ભાવ વધારાને બ્રેક લાગી છે અને સરકારે ભાવ નહીં વધારવાનો નિર્ણય લીધો છે. જેથી દર મહિને વધતા ૨ થી ૪ રૂપિયાથી લોકોને રાહત મળી છે અને હવે રાંધણ ગેસના ભાવ નહીં વધે તેવી આશાથી ગૃહિણીઓએ હાંશકારો અનુભવ્યો છે.