ઓમિક્રોનના નવા વેરિઅન્ટ બીએ5.2 અને બીએફ.7 ચીનમાં તબાહી મચાવી રહ્યા છે. ચીનમાં કોરોના વિસ્ફોટના કારણે અન્ય દેશોમાં પણ રોગચાળો ફેલાવાની આશંકા છે. ચીન સહિત કેટલાક દેશોમાં કોરોનાના કેસમાં થયેલા વધારાને જોતા કેન્દ્ર સરકારે પણ સાવચેતીના પગલાં લીધા છે. ત્યારે ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે જેમાં કોરોનાના નવા વેરિયન્ટ અંગે ચર્ચા થવાની સંભાવના છે.
BF 7 વેરિઅન્ટ અંગે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યોએ કોરોના સંક્રમિત દર્દીઓની મહત્તમ જિનોમ સિક્વન્સિંગ કરાવવી જોઈએ, જેથી વેરિઅન્ટ શોધી શકાય. આ ઉપરાંત જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની પણ સલાહ આપવામાં આવી છે. એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનું રેન્ડમ ચેકિંગના આદેશ પણ આપવામાં આવ્યા છે.
ચીનમાં જે વાયરસ હાલ તબાહી મચાવી રહ્યું છે તે BF 7 વેરિઅન્ટના શું છે લક્ષણો ?? કઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી ?? ચાલો જાણીએ વિગતવાર…
જ્યારે વાયરસ પરિવર્તિત થાય છે, ત્યારે તેઓ પોતાના પ્રકારો અને પેટા પ્રકારો બનાવે છે. ઉદાહરણ તરીકે, SARS-CoV-2 એ વાયરસ મુખ્ય છે અને તે વિવિધ પ્રકારો અને પેટા-ચલોના સ્વરૂપમાં ફેલાયેલું છે. BF.7 એ BA.5.2.1.7 ની સમકક્ષ પણ છે, જે Omicron ના પેટા પ્રકાર છે. આ વેરિઅન્ટ રસી અપાયેલા લોકોના શરીરમાં હાજર એન્ટિબોડીઝ કોરોના વાયરસની તુલનામાં BF.7નો નાશ કરવામાં ઘણી ઓછી ક્ષમતા ધરાવે છે.
- BF7થી સંક્રમિત વ્યક્તિમાં તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, વહેતું નાક, થાક, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે.
- નબળી રોગપ્રતિકારકશક્તિ ધરાવતા લોકો આ વેરિઅન્ટથી જલ્દીથી સંક્રમિત થઈ શકે છે.
- BF-7 વેરિઅન્ટ સૌથી ચેપી વેરિઅન્ટ માનવામાં આવી રહ્યો છે જે રસી લીધેલા લોકોને પણ થઈ શકે છે.
પીએમ મોદીએ કોરોનાના નવા વેરિઅન્ટ BF-7ને લઈને આજે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે જેમાં દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના અધિકારીઓને મળીને ગઈકાલે ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી બાબતોની કામગીરી ચકાસી હતી.