રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આઈક્યુએસી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ઉચ્ચ શિક્ષણમાં અમલવારી વિષય પર રાષ્ટ્રીય વર્કશોપ યોજાયો: શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, ન્યુદિલ્હીના રાષ્ટ્રીય સચિવ અતુલભાઈ કોઠારીએ નવી શૈક્ષણિક નીતિ પર સૌને માર્ગદર્શિત ર્ક્યા
દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ને મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે મોટાપાયે શાળાના અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તનકારી સુધારાનો માર્ગ મોકળો થયો છે. 21મી સદીની આ પ્રથમ શિક્ષણ નીતિ છે અને 34 વર્ષ જૂની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986ના બદલે હવે નવી શૈક્ષણિક નીતિની અમલવારી ધીમે ધીમે થવા જઈ રહી છે. જેને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે આઈક્યુએસી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ઉચ્ચ શિક્ષણમાં અમલવારી વિષય પર રાષ્ટ્રીય વર્કશોપ યોજાયો હતો. જેમાં દિલ્હીના નવા શિક્ષણ સચિવ અતુલભાઈ કોઠારી દ્વારા નવી શૈક્ષણિક નીતિને લઈને સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અતુલભાઈ કોઠારીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું આને વિદ્યાર્થીલક્ષી શૈક્ષણિક નીતિ તરીકે ઓળખુ છું, રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણ પર જ ફોક્સ કરવામાં આવ્યું છે. ઉચ્ચ શિક્ષણ ચાર વર્ષ સ્નાતક ડિગ્રીના સ્થાન પર એક વર્ષ પણ કરેલ હોય તો વિદ્યાર્થીને તેનું પ્રમાણપત્ર મળશે. જેમ કે એક વર્ષ પાસ કરવા બદલ પ્રમાણપત્ર, બે વર્ષ બદલ ડિપ્લોમાં, ત્રણ વર્ષ બદલ સ્નાતક અને ચાર વર્ષ બદલ રિસર્ચ સાથે ઉચ્ચ સ્નાતક પદવી એનાયત કરવામાં આવે છે. ત્યારબાદ ઉચ્ચ સ્નાતકને રીસર્ચ પીએચ.ડીમાં સીધો પ્રવેશ મળશે અને એમફીલ પણ હવે બંધ કરી દેવામાં આવ્યું છે. જેને લઈ વિદ્યાર્થીનું એક વર્ષ પણ બચી જશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ મુળ ભારતીયતા ઉપર હશે અને હવે દરેક વિદ્યાર્થી મુળ લેંગ્વેજથી અભ્યાસ કરી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને એક કોર્ષમાંથી બીજા કોર્ષમાં જવું હશે તો પણ વિકલ્પ મળશે. આ ઉપરાંત કોલેજોમાં કલ્સ્ટર સિસ્ટમ ઉભી કરવામાં આવશે જેનાથી શિક્ષકોની વિસંગતતા પણ દૂર થઈ જશે. નવી શિક્ષણ નીતિની અમલવારી ધીમે ધીમે થઈ રહી છે. આગામી દિવસોમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં જઈને આવા વર્કશોપ કરવામાં આવશે. જેથી શિક્ષકો અને વિદ્યાર્થીને નવી શૈક્ષણિક નીતિ અંગે ખ્યાલ આવે.
આ રાષ્ટ્રીય વર્કશોપમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ સહિત સિન્ડીકેટ સભ્ય, વિવિધ ફેકલ્ટીના ડીન, સેનેટ સભ્યો, ભવનના અધ્યક્ષો, કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો અને રિસર્ચ કોલરો જોડાયા હતા.