ઉનાળું વેકેશન પાસ થઇ ગયા બાદનો ચિંતા અને ટ્રેસ મુક્ત ગાળો હોવાથી બાળક નવું શિખવા પ્રેરાય છે: બાળકની સુસુપ્ત કલાને પારખીને તેના રસ, રૂચી, વલણો ધ્યાને લઇને વિવિધ વર્ગો કરાવવા જરૂરી: બાળક તેની વય, કક્ષા અને ક્ષમતા જેટલું આગળ વધે તે ધારી સફળતા ગણાય
સંગીત, ચિત્ર, નૃત્ય, એક્ટીંગ જેવી વિવિધ 64 કલા પૈકી બાળકને જેમાં રૂચી હોય તે કલામાં પ્રોત્સાહન આપવું: શિખવાની પ્રક્રિયા 365 દિવસ ચાલનારી પ્રક્રિયા હોવાથી દિનચર્યા કે આયોજનમાં તેને સામેલ કરવી
બાળક પોતે જ એક ચિત્ર છે, જરૂર છે આપણે જોવાની. બાળક પોતે જ એક સંગીત છે, જરૂર છે આપણે સાંભળવાની. બાળક પોતે જ પોતાનામાં વિશિષ્ટ અને મહાન છે, જરૂર છે માત્ર આપણા પ્રોત્સાહનની
વિદ્યાર્થી જીવનમાં આવતા બંને વેકેશનનું મહત્વ હોય છે. દિવાળી વેકેશન આપણાં સૌથી મોટા તહેવાર અનુસંધાને તો ઉનાળું વેકેશન પરીક્ષા પૂર્ણ થયા બાદ પાસ થઇને સતત 35 દિવસનો આનંદોત્સવ સાથેનું મહત્વ છે. પૃથ્વી પરનો કોઇ પણ માનવી જન્મથી મૃત્યુ સુધી કંઇકને કંઇક શીખતો જ રહે છે.
બાલ્યાવસ્થા કે વિદ્યાર્થી ગાળાનો સમય શિખવા માટેનો શ્રેષ્ઠ ગાળો ગણાય છે. વેકેશનમાં યોજાતા વિવિધ ક્લાસમાં બાળક પોતાને રસ હોય તેના વર્ગોમાં જોડાતો હોય છે. સમર ક્લાસનો હેતું જ રસ હોય તેમાં આગળ વધવું અને નવું શિખવું. ઇત્તર પ્રવૃતિનું શૈક્ષણિક જીવનમાં ઘણું મહત્વ છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિ સાથે જ્ઞાન સાથે ગમ્મતનું બાળ જીવનમાં વિશેષ મહત્વ છે.
આજે બાળકોને ક્રિકેટ રમવું બહું જ ગમે છે તો કેટલાક ચિત્ર સંગીત, ગાયન, વાદન કે નૃત્યમાં રસ, રૂચી ધરાવતા હોય છે. દરેક બાળકોમાં છૂપી કલાઓ હોય જ છે. તે મા-બાપે અને શિક્ષકોએ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરીને શોધવી પડે છે અને પછી તેને એ દિશામાં આગળ પ્રોત્સાહન આપવાનું હોય છે.
બાળ પ્રવૃત્તિ પહેલા નિયમિત થતી, બાળ સંસ્થાઓ પણ હતી પણ નવા યુગમાં છેલ્લા બે દશકામાં તે બધુ વિલુપ્ત થઇ ગયું છે. શાળા કક્ષાએ પણ જોઇએ તેવા આયોજન થતા નથી તો શિક્ષણમાં પણ સંગીત, ચિત્ર, રમત-ગમતને બહું મહત્વ અપાતું નથી. ટીવી, મોબાઇલ આવ્યા બાદ ઇનડોર, આઉટડોર ગેમ્સ સાથે વિવિધ કલા સાવ વિસરાય ગઇ છે જે ઘણી દુ:ખદ અને સમાજ માટે રેડલાઇટ છે.
આજના મા-બાપો સંતાનોને રસ હોય કે ના હોય તો પણ નૃત્ય, સંગીત, કરાટે, ચિત્ર વગેરેમાં એક સાથે ત્રણ-ચાર વર્ગોમાં બાળકને જોતરી દે છે. બાળકને શેમાં રસ છે તે કોઇ પુછતું નથી. માસ્ટરી તો કોઇ એક કલા પસંદ કરીને તેમાંજ રચ્યા, પચ્યા રહેવાથી આવતી હોય છે.
બધામાં નાનકડું બાળક કેટલી જગ્યાએ ધ્યાન આપે એ આજના મા-બાપે સમજવાની જરૂર છે. બાળક તેની વય-કક્ષા અને ક્ષમતા મુજબ આગળ વધે તે ધારી સફળતા ગણાય છે. શીખવાની પ્રક્રિયા આખું વર્ષ ચાલનારી નિરંતર પ્રક્રિયા છે, તેથી તેને દૈનિક આયોજનમાં સમાવવી જરૂરી છે.
બાળકનાં સંર્વાંગી વિકાસમાં ઇત્તર કલાનું વિશેષ મહત્વ છે. દરેક શહેર કે ગામમાં ચિલ્ડ્રન હોબી સેન્ટરો શરૂ કરવા જોઇએ, જેમાં બાળક પોતાના શાળા સમય બાદ એક કલાક રસ ધરાવતી કલામાં નિષ્ણાંતો પાસેથી માર્ગદર્શન મેળવીને જાતે શિખવા પ્રેરણા મેળવે. ક્રાફ્ટ કલા સાથે વેસ્ટમાંથી બેસ્ટમાં બાળકોને પોતાની ક્રિએટીવીટીનો શ્રેષ્ઠ નિજાનંદ મળે છે.
બાળકે બનાવેલી તમામ સર્જનાત્મક કલા વસ્તુ સાચવવી જ જોઇએ. આજે તો ઘણા મા-બાપો તારીખ વાઇઝ રેકોર્ડ રાખતા થયા છે. બાળક પોતાની કલ્પનાશક્તિ વડે પોતે બનાવેલ સર્જનને હમેંશા પ્રેમ કરે છે. ચિત્રકલા બાળકોને ગમતી સૌથી શ્રેષ્ઠ કલા છે. સામાન્ય ભૌમિતક આકારોમાં પ્રારંભે ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસથી શરૂ કરીને આડી, ઉભી અને ત્રાસી રેખાની સમજ મેળવીને તેમાંથી બનતા વિવિધ ચિત્રો તે જાતે બનાવવા લાગે છે. જો કે આ પ્રોજેક્ટમાં વય, કક્ષા મુજબ નિષ્ણાંતોનો અભ્યાસક્રમ કે તેના વર્ગો મુજબ કાર્ય કરાવવું જરૂરી છે.
ચિત્ર દોર્યા બાદ તેમાં વિવિધ રંગપૂરણીની પસંદગી પણ મહત્વની છે. આજે તો મોબાઇલમાં ઘણી બધી એપ્લીકેશન આવે છે જેથી બાળકને સારૂ માર્ગદર્શન મળી રહે છે. સમર ક્લાસ પણ આજકામ કરે છે. જે કલા શીખવી ગમે તેમાં આગળ વધી શકાય તે સત્ય બાબત હોવાથી મા-બાપે સંતાનોને સતત નિરિક્ષણ કરતું રહેવું પડે છે.
કલા કે આર્ટ સિધા જીવન વિકાસ સાથે જોડાયેલ છે. ભારતીય પરંપરા અનુસાર કલા એવી બધી જ ક્રિયાઓને કહેવાય, જેમાં કૌશલ્ય અપેક્ષિત હોય. યુરોપીયન શાસ્ત્રીઓએ પણ કલા કૌશલ્યોને મહત્વ આપ્યું છે. શાસ્ત્રોમાં વિવિધ 64 કલાઓનો ઉલ્લેખ કર્યો છે જેમાં ગાયન, વાદન, નર્તન, નાટ્ય, ચિત્રકલા, રંગપૂરણી, વેશભૂષા, જાદુકલા, પાક કે વ્યંજનકલા, વાસ્તુકલા, કઠપૂતળી કલા, વ્યાયામ, બાલક્રિડા કર્મ જેવીનો સમાવેશ થાય છે. શુક્રતિત અનુસાર કલાઓની સંખ્યા અસંખ્ય છે, પણ સમાજમાં કુલ 64 કલા પ્રસિધ્ધ છે. હસ્તકલા અને લલિત કલાનું પણ વિશેષ મહત્વ છે.
કલા દ્વારા જ શિક્ષણમાં સર્જનાત્મક વિકાસ થાય છે, અને કલા વગર કોઇ માનવી જીવી ન શકે. કોઇ એક કલાનો સહારો જીવન જીવવા માટે અગત્યનો છે. બાળકોને વેકેશનમાં વિવિધ મનોરંજનના માધ્યમ વડે કંઇક નોખું અને કંઇક અનોખું શીખવા મળે છે.
રચનાત્મક બાળકો માટે લલિત કલા સૌથી શ્રેષ્ઠ છે. ચિત્રકામ, રંગકામ અને શિલ્પકલાનો એમાં સમાવેશ થાય છે. વાણિજ્ય કલા પ્રમાણમાં તવું ક્ષેત્ર છે.
બાળકોના કે વિદ્યાર્થીના અભ્યાસ જીવન સાથે કલા શિક્ષણનું મહત્વ છે, એક કલા શિક્ષણ પેડા ગોજી પણ છે. કલા માધ્યમ વડે બાળક સ્વ.પ્રેરિત આગળ વધવા માંગે છે. કોમર્સ અને વિજ્ઞાન સાથે આર્ટ્સ શિક્ષણનું પણ એટલું જ મહત્વ છે. બાળકમાં જેમજેમ સમજદારીનો વધારો થાય તેમતેમ તે પ્રગતિના શિખરો સર કરે છે. જેમાં અત્યારના સમર વર્ગોેનો અનુભવ પણ કામ લાગે છે.
મનોવિજ્ઞાનિક અને ફિલસૂફો પણ બાળકલાને વિશેષ મહત્વ આપે છે. બાળકો પોતાની અલગ ઓળખ ઉભી કરવા પણ કોઇ એક કલામાં આગળ વધીને નિપૂણતા મેળવે તે જરૂરી છે. નિજાનંદ માટે કલા સૌથી શ્રેષ્ઠ બાબત છે. શિક્ષણમાં વિવિધ પધ્ધતિ સાથે કલાત્મક શિક્ષણ તે એક શિક્ષણ પધ્ધતિ છે, જે કૌશલ્યો, વલણો, આદતો અને વર્તણૂકોનો વિકાસ કરે છે, ક્ષમતાઓ અને કૌશલ્યોને વધારે છે. ક્રિયા પ્રતિક્રિયા સાથે એકાગ્રતા પણ બાળકોમાં સિંચન થાય છે.
આજના યુગમાં દરેક મા-બાપે બાળકોના રસ, રૂચી ધ્યાને લઇને તેને તે દિશામાં આગળ વધે તેવા પ્રયત્નો અને પ્રેરણા, પ્રોત્સાહન આપવા જરૂરી છે. કોઇ બાળક સારૂ ચિત્ર દોરે છે તો તેને તે સંદર્ભેની માહિતી, કલરો વિવિધ સ્પર્ધા, મોબાઇલ એપ્લીકેશન, નિષ્ણાંતો વિગેરે સમજ આપવી જરૂરી છે. પૂંછાયેલા બાળકોના પ્રશ્ર્નોના વૈજ્ઞાનિક આધારોવાળા, જવાબ આપવાથી પણ તેના મતનું સમાધાન થતાં તે ધારી સફળતા મેળવે છે. સારૂ ગાવું, બોલવું, વાદ્ય વગાડવું કે સારૂ નૃત્ય કરવું આ બધા કલામાં ગમે તે બાળકને રસ હોય તો તેમાં આગળ વધારવો જરૂરી છે.
અગાઉની ગુરૂકુળ કે વિદ્યાપીઠોમાં 70 થી વધુ વિષયો શિખડાવતા હતા, જેમાં વિવિધ કલાઓનો સમાવેશ થઇ જતો હતો જ્યારે 7 કે 8 વિષયોમાં કલાના વિષયોનો સમાવેશ થતો નથી. ઇન્ફરર્મેશન ટેકનોલોજીમાં કમ્પ્યૂટરને મહત્વ અપાય છે તેટલું વિવિધ કલાને મહત્વ અપાય તો બાળકનો સંર્વાંગી વિકાસ થઇ શકે છે.
ભણતા-ભણતા આવી કલા શિખવા લાગે તો બાળક જ્યારે ભણી લે ત્યારે તે કલાને શીખવાનો દશકો થઇ જતાં ઘણી મહારથ આવી જાય છે.
સૌથી વધુ ગમતી કલાને પકડવી જેથી અધવચ્ચે રસ ન તૂટતા પૂર્ણ કક્ષાએ ખીલીને નિપૂણતા અપાવે છે. કલા શિક્ષણ મેળવેલો વિદ્યાર્થી સર્જનાત્મક અને ક્રિએશનમાં માનતો હોવાથી તે ક્યારેય ખંડનાત્મક પ્રવૃતિ તરફ વળતો નથી.
દરેક બાળકમાં છૂપી કલાઓ પડેલી હોય છે
નાના કે મોટું બાળક ગમે તે હોય પણ તેમાં કોઇ વિશિષ્ઠ છૂપી કલાઓ છૂપાયેલી હોય છે. ઘણીવાર તે એકલું એકલું તેને ગમતી કોઇપણ એક કલા તે આખા દિવસમાં એક-બે વાર ચોક્કસ પ્રદર્શિત કરે છે. ગીત ગાતુ હોય, ચિત્ર દોરતું હોય, તબલા વગાડે કે કોઇની નકલ કરતું હોય આવા સમયે તેનું નિરિક્ષણ મા-બાપે કરવું જોઇએ.
શાળા કક્ષાએ વર્ગખંડમાં શિક્ષકે આવા બાળકોને શોધવા જોઇએ તે માટે તેને વીકમાં એકવાર ગીત-સંગીત કે ચિત્રની હરિફાઇ કે પ્રવૃત્તિ-પ્રોજેક્ટ કરાવવા જોઇએ જેથી રસ ધરાવતો બાળક જો તેમાં ઉત્સાહભેર ભાગ લે, સૂચનો કરે તો સમજવું કે તે બાળકને તેમાં રસ છે. નક્કામી વસ્તુમાંથી સારી વસ્તુ ઘરેથી નિર્માણ કરવાનું કહેશો તો બાળક ઘર કે અન્ય સારી વસ્તું વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને લાવશે.
જો કોઇ બાળકને આવી પ્રવૃત્તિમાં રસ વધુ પડતો હશે તો તે મા-બાપ કે શેરીના અન્યનું માર્ગદર્શન લઇને શ્રેષ્ઠ કરવાની કોશિશ કરશે. હાલના યુગમાં શાળામાં આવા પ્રોજેક્ટ કરવાની તાતી જરૂરીયાત છે. દરેક બાળકમાં વય-કક્ષાને ક્ષમતા મુજબ કંઇક શ્રેષ્ઠ વસ્તું પડેલી જ હોય છે જરૂર છે માત્ર આપણે જોવાની.