સાઇનો સાઇટીસ એક નાકનો રોગ છે, આયુર્વેદમાં તેને પ્રતિશ્યામ નામની ઓળખવામાં આવે છે. ઠંડીની ઋતુમાં નાક બંધ થઇ જવુ, માથામાં દુ:ખાવો થવો, નાકમાંથી પાણી નીકળવું વગેરે સાઇનો સાઇટીસના લક્ષણોે છે. આ ઉપરાંત હળવો તાવ, આંખની ઉપરના ભાગમાં દુ:ખાવો, તણાવ, નિરાશાની સાથે ચહેરો પર સોજો આવી જાય છે. આવા દર્દીઓને ગળામાં અને નાકમાં કફ જામી જાય છે. સાઇનોસાઇટીસ આગળ જતાં અસ્થમા, દમ જેવી ગંભીર બીમારીઓ નોતરે છે.
જુની શરદી – સાયનસની શરદી
નાકની આજુબાજુ આવેલા પોલાણવાળા હાડકાને સાયનસ કહેવામાં આવે છે. આ સાયનસમાં જયારે ચેપ લાગે છે ત્યારે તેમાં સોજો આવે છે. અને તેમાં શરદીનું પ્રવાહી ભરાય જાય છે. આ સ્થિતિને સાઇનોસાઇટીસ કહેવામાં આવે છે.
સાઇનોસાઇટીસના ચિન્હો અને લક્ષણો
નાકમાંથી જાડા પીળા અથવા લીલા કલરનું પ્રવાહી નીકળવું. નાક ભરાયેલું – બંધ રહેવું, ગળામાં શરદીનું પ્રવાહી આવવું અને તેનાથી ગળામાં ખીચ ખીચ (ઇરીટેશન) થવું, ચહેરા ઉપર ભાર લાગવો (ખાસ કરીને નાક, આંખોની ઉપર કે નીચે અને કપાળની આસપાસ) માથાનો દુ:ખાવો અને અથવા તમારા દાંત અથવા કાનમાં દુખાવો થવો.
સાઇનોસાઇટીસન સારવાર
સૌ પ્રથમ એન્ટીબાયોટિક, એન્ટીહિસ્ટામાઇન અને ડિકંજેસ્ટેન્ટની દવાઓનો એક કોર્સ આપવામાં આવે છે. નાકના ટીપા પણ અમુક કિસ્સામાં આપવામા આવે છે અને નેતિ પઘ્ધતિથી નાક સાફ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સારવારથી જો સાઇનોસાઇટીસનો રોગ ન મટે અથવા થોડા સમય બાદ ફરીથી સાઇનોસાઇટીસ થાય તો તેવા કિસ્સામાં સાયનસની એંડોસ્કોપિક સર્જરી કરવામાં આવે છે.
આ સર્જરીમાં સાયનસમાં રહેલ રોગને દૂર કરવામાં આવે છે અને સાયનસના મુખ પહોળા કરી દેવામાં આવે છે જેથી સાયનસમાં ફરીથી શરદી ભરાય નહિ.