કલમ ૩૫-એની યોગ્યતા મુદે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાનારી છે ત્યારે મોદી સરકાર તેને રદ કરવા માટે રજૂઆત કરે તેવી આશંકાથી કાશ્મીરી રાજકીય પાર્ટીઓને પોતાની વોટબેંક છીનવાઈ જવાનો ભય
જમ્મુ-કાશ્મીરનાં નાગરીકોને વિશેષ લાભો આપતી બંધારણની કલમ ૩૫ -એની યોગ્યતા ચકાસવા સુપ્રિમ કોર્ટ થયેલી અરજીની આ સપ્તાહમાં સુનાવણી યોજાનારી છે. જયારે કાશ્મીરનાં અલગતાવાદી તત્વોને આકરો જવાબ આપવા મોદી સરકાર દ્વારા આ મુદે અલગ સ્ટેન્ડ લે તેવી સંભાવના છે.
જેથી કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતી સહિતના રાજકીય નેતાઓ ઉગ્ર પ્રત્યાઘાતો આપવા લાગ્યા છે. ત્યારે બંધારણની ૩૫-એની કલમમાં શું જોગવાઈ છે. અને કાશ્મીરમાં રહેલા ભારતીય હિતશત્રુઓ શા માટે તેમાં ફેરફારનો વિરોધ કરી રહ્યા છે? તે જાણવું જરૂરી છે.
બંધારણની કલમ ૩૫-એ હેઠળ જમ્મુ-કાશ્મીર રાજયના સ્થાનિક નાગરીકોની વ્યાખ્યા કરીને તેને જમીન અને ધંધા રોજગાર માટે ખાસ હકકો આપવામા આવ્યા છે. જેથી, જમ્મુ કાશ્મીર રાજયમાં ત્યાંના મૂળ નાગરિકો સિવાય દેશના અન્ય કોઈ રાજયના નાગરિકો જયા જમીન મકાન ખરીદી શકતા નથી કે ધંધા રોજગાર કરી શકતા નથી ઉપરાંત, ત્યાં સ્થાયી થવા ઈચ્છતા હોવા છતા જમ્મુ-કાશ્મીર રાજયનું નાગરીકત્વ મેળવી શકતા નથી. જે માટે જમ્મુ-કાશ્મીર વિધાનસભાનો હકકો આપવામાં આવ્યા છે. અને આ કલમનો અમલ ૧૪ મે ૧૯૫૪થી કરવામાં આવ્યો છે. બંધારણમાં આ કલમ મુળત્વ નથી પરંતુ પાછળથી જરૂરીયાત ઉભી થતા ઉમેરવામાં આવી છે.
દિલ્હીની એનજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં બંધારણની કલમ ૩૫-એની યોગ્યતા ચકાસવા અરજી કરી છે જેની સુનાવણી આ સપ્તાહમાં યોજાનારી છે. જયારે જમ્મુ-કાશ્મીરનાં રાજયપાલ સત્યપાલ મલિક દ્વારા આ સુનાવણી પહેલા વિવિધ મુદે શકયતાઓ ચકાસવા વહીવટી તંત્રને સુચનાઓ આપી છે. જેથી મોદી સરકાર આ કલમમાં ફેરફાર કરવા સહિતની કાર્યવાહી કરે તેવી સંભાવના ને લઈ કાશ્મીરના તમામ રાજકીય પક્ષોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પીડીપી, નેશનલ કોનફરન્સ સહિતના રાજકીય પક્ષો દ્વારા તેનો વિરોધ કરવામા આવી રહ્યો છે. આ રાજકીય પક્ષોના વિરોધ પાછળનું કારણ પોતાની પરંપરાગત વોટ બેંક લૂટાઈ જવાનો ભય છે. બંધારણની આ કલમ દૂર કરવામાં આવે તો દેશભરનાં નાગરીકો જમ્મુ-કાશ્મીર રાજયમાં નાગરિકત્વ મેળવીને ધંધો રોજગાર કરી શકે છે.
ખાસ કરીને કાશ્મીરમાં બહુમતિ રહેલા મુસ્લિમ નાગરિકો સામે બીજા દેશના નાગરિકો રહેવા આવવાની તેમની બહુમતિમાં ઘટાડો થવાની સંભાવના છે. જેથી, કાશ્મીર ઘાટીમાં મુસ્લિમ મતદારોનું ચાલતુ એકચક્રી શાસન નબળુ પડવાની સંભાવના હોય તેના મતો પર ચૂંટાતા રાજકીય પક્ષો પણ આ કલમમાં ફેરફારનો વિરોધ કરી રહ્યા છે. ભાજપના એક સમયનાં સત્તાના ભાગીદાર પીડીપીના મહેબુબા મુફતીએ આ કલમને રદ કરવાની અટકળો પર આકરો પ્રત્યાઘાત આપીને આ કલમ રદ કરવાથી દેશ સામે બળવાની સ્થિતિ ઉભી થવાની ચેતવણી આપી હતી.
પૂર્વ મુખ્યમંત્રી મહેબુબાએ આ મુદે જણાવ્યું હતુ કે આગથી રમો નહી કલમ ૩૫-એમાં છેડછાડ ના કરો, નહિંતર ૧૯૪૭થી અત્યાર સુધી જે જોયું નથી તે હવે દેખાશે કલમ ૩૫-એમાં છેડછાડ થશે તો જમ્મુ-કાશ્મીરનાં લોકો તિરંગો ઉઠાવવાના બદલે બીજો કોઈ ઝંડો ઉપાડશે જયારે નેશનલ કોન્ફરન્સના વડા અને પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબદુલ્લાએ આ મુદે ટવીટર પર જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકાર અને ગર્વનરની જવાબદારી રાજયમાં ચૂંટણી કરાવવા પૂરતી છે. માટે ચૂંટણી કરાવીને લોકોને ફેંસલો લેવા દો નવી સરકારને કલમ ૩૫-એના મુદે નિર્ણય કરવાની તક આપવામાં આવે.