ખોરાક અને આરોગ્યને સીધો સંબંધ હોવાથી તેના સલામતી પ્રત્યે વિશ્ર્વ વ્યાપી ધ્યાન ખેંચાયું છે : ભારતમાં સૌથી વધુ ભેળસેળ દૂધમાં થાય છે જો કે આપણે તેને બહું ગંભીરતાથી ક્યારેય લીધું નથી
આદીકાળથી માત્ર રૂપિયો રળવા કે પૈસા કમાવવા માટે માનવી કે વેપારી ભેળસેળ કરે છે. અસલ વસ્તુમાં તેના જેવી બીજી સસ્તી વસ્તુ ન ખાય પછી ભલે માનવીના આરોગ્ય માટે નુકશાનકારક હોય પણ લોકો આ હિનકૃત્ય કરે છે. આવી ટૂંકી સમજની જનજાગૃતિ લાવવાની જરૂરિયાત છે. કોરોના કાળ બાદ લોકો ખોરાક પ્રત્યે જાગૃત થયા છે, પણ આટલી સમજથી કશું જ થશે નહીેં. શુધ્ધ પાણીમાં જેમ જાગૃતિ આવી તેવી જ રીતે તમામ ખોરાકમાં થતી ભેળસેળ બાબતે જાગૃતિ અને તેને કેવી રીતે પકડી પાડવી તેટલી સમજ સૌ એ લેવાની જરૂર છે. આપણા દેશમાં સૌથી વધુ ભેળસેળ જો કોઇની થતી હોય તે દૂધ છે. આપણા દેશની ઘણી ચિંતાઓમાં આ ભેળસેળની સમસ્યા પણ દિવસેને દિવસ વિકટ થતી જાય છે.
યુક્ત ખોરાક આપણાં દેશની સૌથી મોટી ચિંતાનું કારણ
ખોરાકમાં ભેળસેળનો ઇતિહાસ 1820 સુધીનો પહેલો જ 19મી સદીનો બીજો તબક્કો અને 20મી સદીના આરંભે એમ ત્રણ તબક્કા છે: ખોરાકની ગુણવત્તા ઘટાડીને તેમાં ખરાબ વસ્તુ ઉમેરી કે જરૂરી તત્વો કાઢી લેવાય તે ભેળસેળ : અજાણતા થઇ જતી ભેળસેળ કે ખોટા હેતુથી કરાતી ભેળસેળ વચ્ચે ફરક છે
હવા, પાણી અને ખોરાક શુધ્ધ હોવો જોઇએ, મળવો જોઇએ કારણ કે તેનો સીધો સંબંધ માનવીના આરોગ્ય પર પડે છે. રોગચાળો ફાટી નીકળવાના મુખ્ય કારણોમાં આ ભેળસેળવાળો ખોરાક જવાબદાર છે. હોવા અને પાણીમાં તો મહદ્અંશે જાગૃતિ આવી છે, હવા તો કુદરતી છે ને પાણીની શુધ્ધતા બાબતે હવે જનતા જાગી ગઇ છે પણ ખોરાકની ભેળસેળ તો એક વિકરાળ સમસ્યા છે. આજે એકપણ વસ્તુ ભેળસેળ વગરની મળવી મુશ્કેલ છે. ભેળસેળથી દૂર રહો, સાવધ રહો અને પરિવારને ખુશ રાખો. ખાદ્ય ખોરાકમાં ભેળસેળ એટલે આપણાં જ પરિવાર પર સંકટ. પવર્તમાન સંજોગોમાં બજારમાં ઠલવાતા ફાસ્ટ ફૂડ અને ફટાફટના કલ્ચરમાં બિન આરોગ્યપ્રદ ખોરાકને અલગ પાડવો અઘરો પડી જાય તેમ છે. આ માટે નાગરિકોમાં ભેળસેળ અને સલામત ખોરાકની સાચી માહિતી હોવી જરૂરી છે.
આપણાં દેશ કરતા વિદેશોમાં ખાદ્ય સામગ્રીના કડક નિયમો અને જનજાગૃતિ વધુ હોવાથી ત્યાં સમસ્યા ઓછી છે. આપણા દેશમાં ધારો 1940 અને 1955 અને ધારો 2006માં ખાદ્ય સુરક્ષાની સલામતી અન્વયેના નિયમોનું અમલીકરણ છે તે રાજ્યમાં બનતા કે વેંચતા ખોરાકની ગુણવત્તા પર વોચ રાખે છે છતાં નફાખોરો તો તેનું ભેળસેળ કરવાનું કામ ચાલુ રાખીને કરોડો રૂપિયા બનાવે છે. અસલ ખાદ્ય વસ્તુ જેવી ડુપ્લીકેટ વસ્તુઓ પણ સસ્તા ભાવે વેંચાય છે. જેના ઉપયોગથી કેન્સર જેવા રોગો થાય છે.
ભેળસેળ એ એક એવી પ્રક્રિયા છે જેમાં ખોરાકની ગુણવત્તા ઘટાડીને તેના જેવી કે ખરાબ હાનીકારક વસ્તુ ઉમેરી અથવા જરૂરી તત્વો કાઢી લેવામાં આવે છે, જેમકે દૂધમાં પાણી ઉમેરવું, ચરબી કાઢી લેવી, મરચાના પાવડરમાં ઇટનો ભૂકો ઉમેરવો, ધાણાજીરૂના પાવડરમાં લાકડાનો છોલ ઉમેરવો જેવીં ઘણી વસ્તુઓમાં ભેળસેળીયા વેપારીઓ લોકોને છેતરી રહ્યાં છે. લોકો હજી પણ આ ભેળસેળની બાબતને ગંભીરતાથી લેતા નથી. ઘણીવાર અજાણતા આપણાથી ભેળસેળ થઇ જાય પણ અહીં તો ખોટા હેતુથી કે માત્ર વુધ નફો રળવા ભેળસેળીયા આ ગુનાહિત કૃત્યો કરી રહ્યાં છે એ પણ બે લગામને બે રોકટોક.
આપણી જૂની કહેવત છે ‘અન્ન તેવો ઓડકાર’ આપણા ખોરાક આપણી સ્વાસ્થ્ય, શારીરીક, માનસિક શક્તિઓ ઉપર અસર કરતી હોવાથી તે બાબતે જાગૃત થવું જરૂરી છે. દરેક મનુષ્યનો ગુણવત્તાસભર ખોરાક મેળવવાનો હક છે. આજે તો તીવ્ર પ્રકારના કેમીકલ, કાયમી ખોટ કે હાનિકારક વસ્તુઓ ભેળવેલ ખોરાક બજારોમાં મળી રહ્યાં છે. ઇરાદાપૂર્વકનું મિશ્રણ કરીને ગુણવત્તા ઘટાડીને સસ્તા ભાવે માલ બજારોમાં ઠલવાઇ રહ્યો છે. પરાપૂર્વથી ભેળસેળ ચાલી આવી છે. ઇતિહાસ એક દેશથી બીજે દેશ અલગ-અલગ પ્રકારની સમસ્યા ઇ.સ.પૂર્વે 300 દરમ્યાન પણ ખાદ્ય ધાન્યો અને ખાદ્ય ચરબીઓમાં ભેળસેળ બદલ દંડનો ઉલ્લેખ અર્થશાસ્ત્રમાં મળે છે.
ભેળસેળનો ઇતિહાસ જોઇએ તો 1820 સુધીનો પ્રથમ ગાળો જેમાં ગંધક, તેજાબ, સીસુ, તાંબુ કે મીઠાઇમાં ભેળસેળ જોવા મળી હતી. 19મી સદીના બીજા ગાળામાં ઔદ્યોગિક ક્રાંતિની આગેકૂચમાં ખોરાકની ઉત્પાદન પધ્ધતિઓમાં પર્યાપ્ત માત્રામાં વિતરણ વ્યવસ્થા ન હોવાથી આ સમસ્યા જોવા મળતી પણ ત્રીજા ગાળામાં 20મી સદીના પ્રારંભથી ભેળસેળનો ધંધો પૂર બહારમાં ખીલી ઉઠ્યો હતો. જો કે પૃથકકરણાત્મક પધ્ધતિઓ અને નિયમોના દબાણથી માત્ર થોડો ઘટાડો થયો હતો.મનુ મુનિ જેવાએ ભેળસેળ માટે દંડસંહિતા પણ નક્કી કરેલ હતી.
ઇરાદાપૂર્વકનું ઉમેરણ અથવા અન્ય પદાર્થનું ભેળવવું એટલે ભેળસેળ ન હોય જંતુનાશક દવાનો વપરાશ, ફૂગજન્ય ઝેર, ઝેરી ધાતુઓ પણ આથી વધુ ભયાનક છે. આપણી કમનશીબી છે કે ગ્રાહક પોતે જ ગરીબીને કારણે અથગા યોગ્ય શિક્ષણના અભાવે આવી ખાદ્ય પ્રોડક્ટસની ગુણવત્તા વિશે ચિંતિત નથી કેટલીક ભેળસેળમાં ધાન્ય સાથે કાંકરી, માટી, જીવાત, લાલ દાળમાં લાંગની દાળ અને કઠોળને ખનીજ તેલથી ચમકાવતા હોય છે. રાઇમાં સરસવના બી ને નરી આંખે જોઇ શકાતા નથી. બધામાં ગ્રાહક જાગૃતિ સૌથી અગત્યનો પાર્ટ છે તેના વગર કશું શક્ય નથી.
સૌથી વધુ ભેળસેળ દૂધમાં હોય છે આજે તો ‘સિન્થેટીક દૂધ’ મળી રહ્યું છે આને કારણે બાળકો, દર્દીઓ જોખમમાં મુકાય છે. દૂધની બનાવટોમાં તમામ મીઠાઇઓમાં જેમકે શિખંડ, દહીં, ઘી વિગેરેમાં પણ આજે ભેળસેળ જોવા મળે છે. સરબતમાં સેકરીન તો વર્ષોથી નખાય છે. દૂધનો માવો ડુપ્લીકેટ હોવાથી તેની મીઠાઇ પણ ભેળસેળવાળી જ હોય છે. આજકાલ જોવા મળતા ઘણા રોગો આવા ભેળસેળવાળા ખોરાકને કારણે માનવીમાં જોવા મળે છે. મરી, મસાલા, તેલ જેવામાં ભરપૂર ભેળસેળ કરાય છે. ચા અને કોફીમાં પણ સિન્થેટીક રંગો, લોખંડનો વહેર વિગેરે દાબડવામાં આવે છે.
ફળો અને શાકભાજીમાં પણ રંગો સાથે કૃત્રિમ રીતે પકવવામાં આવતા હોવાથી ભયંકર નુકશાન કરે છે. પાકના રક્ષણ માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરાય છે ત્યાંથી જ આ ચેપની શરૂઆત છે એટલે જ આજે ઓર્ગેનિકનો જમાનો આવ્યો છે. ફળોને તાજા રાખવા પણ જંતુનાશક દવામાં બોળે છે. સીસુ, કેડમિયમ, પારો અને આર્સેનિક આ ચાર ઝેરી ધાતુઓ ખોરાકમાં ચેપ તરીકે પ્રવેશે છે. દેશમાં કોલકત્તા, મૈસુર, પૂણે અને ગાઝીયાબાદ એમ કુલ 4 જગ્યાએ ખોરાક પ્રયોગશાળા કાર્યરત છે.
કમિશ્નર ઓફ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગુજરાત રાજ્ય – ગાંધીનગર
ટોલ ફ્રી નંબર – 1800 233 5500
ભેળસેળ ગુનો અને સજા
જો કોઇપણ વ્યક્તિ ભારતમાં ભેળસેળ યુક્ત ખોરાકની ચીજ-વસ્તુ આયાત, ઉત્પાદન, વેંચાણ, સંગ્રહ કે વિતરણ કરે અથવા તેના નિયમોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ભંગ કરે તો 6 માસથી 3 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઇ છે. આરોગ્ય માટે હાનીકારક ખાદ્ય સામગ્રી માટે પણ જવાબદાર વ્યક્તિને સજા થઇ શકે છે.
આજે ભેળસેળ વગરની ખાદ્ય સામગ્રી શોધવી મુશ્કેલ !!
ગ્રાહકો પોતે જ, ગરીબીના કારણે અથવા યોગ્ય શિક્ષણના અભાવે ખાદ્ય પ્રોડક્ટોની ગુણવત્તા વિશે ચિંતિ નથી. આ અજ્ઞાનને કારણે તેને સ્વાસ્થ્યલક્ષી ગંભીર જોખમનો સામનો કરવો પડે છે. આજે બજારમાં લગભગ તમામ વસ્તુઓમાં ભેળસેળ જોવા મળી રહ્યું છે ત્યારે ભેળસેળ વગરની વસ્તુ કંઇ લેવી તે ખૂબ જ કપરૂ છે. આપણી રોજબરોજની ખાદ્ય સામગ્રીમાં દૂધ, ખાંડ, ચા, લોટ, મરી-મસાલા, શાકભાજી, ફ્રૂટ, તેલ, ઘી, કઠોળ વિગેરે તમામ ચીજોમાં વતે ઓછે ભેળસેળ જોવા મળી રહી છે. આજે તો કાજુ પણ ડુપ્લીકેટ મળી રહ્યાં છે. કેન્સરના ઘણા કેસોમાં આવા ભેળસેળયુક્ત ખોરાકો જવાબદાર છે.