મોંઘેરી ગાડીના મોંઘેરા નંબર: ગોલ્ડન નંબરની અપસેટ કિંમત 40,000, સીલ્વર માટે 15,000 અને ગમતા નંબર માટે રૂા.8,000ની અપસેટ કિંમત

નશીબદારને ગાડીનું સુખ મળે અને શોખીનોને ગમતા નંબર… રાજકોટ જિલ્લા વાહન વ્યવહાર કચેરી ખાતે ટ્રાન્સપોર્ટ વાહનો રીક્ષા સીવાયના માટે નવી સીરીઝ શરૂ થઈ રહી છે. GJ03BYની આ સીરીઝમાં ગોલ્ડન નંબર, સીલ્વર નંબર અને ગમતા નંબરની હરરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. ગોલ્ડન નંબરમાં 1,5,7,9 થી 786, 9999 જેવા 27 નંબર માટે અપસેટ રૂા.40,000, સીલ્વર નંબરની 2,3,4,8, 8181 જેવા નંબરો માટે 15,000 અને ગોલ્ડન-સીલ્વર સીવાયના કોઈપણ પસંદગીના નંબર માટે રૂા.8,000ની ઈ-ઓકશન અપસેટ પ્રાઈઝ રાખવામાં આવી છે. 3 એપ્રીલથી અમલમાં આવેલા આ ઓકશન પ્રાઈઝ માટે સેલ ઈન્વોઈસ અથવા વિમાની તારીખથી 7 દિવસમાં અરજી અને ફોર્મ ભરનારને 60 દિવસ સુધીમાં પસંદગીના નંબર માટે ઈ-ઓકશનમાં ભાગ લેવા દેવાશે.

ગોલ્ડન નંબર માટે તા.7-5 થી 10-5 સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી 11-5ના રોજ સવારે 11 થી 12-5ના સાંજે 4 વાગ્યા સુધીમાં ઓકશન ખુલ્લુ રહેશે અને સવા ચાર વાગ્યે કોમ્પ્યુટર પર પરિણામ જાહેર થશે. કોઈપણ વિવાદ સર્જાશે તો આરટીઓ અધિકારીનો નિર્ણય અંતિમ રહેશે. હરરાજી પૂરી થયા બાદ અરજદારોએ 5 દિવસમાં ઈ-પેમેન્ટ દ્વારા ભરણુ કરી આધાર આરટીઓ કચેરીમાં જમા કરાવવાનું રહેશે. પાંચ દિવસમાં જ ફોર્મ રજૂ કરવાના રહેશે. વિલંબથી આવેલુ પેમેન્ટ સ્વીકારાશે નહીં અને અરજી રદ્દ ગણાશે.

પસંદગીના નંબરો મેળવવાની અને વાહન ચાલકોના શોખ ઓનલાઈન હરરાજીથી આપીને સરકારે વહીવટ પારદર્શક કર્યો છે. ભાગ લેનારે HTTP: PARIVAHAN.GOV.IN/ PARIVAHAN પર નોંધણી, યુઝર્સ આઈડી-પાસવર્ડ તૈયાર કરવા જેવી કામગીરી અને 5 દિવસમાં નાણા જમા કરાવવા જેવી જવાબદારી નિભાવવાની રહેશે. હરરાજીમાં વારો ન આવે તેવા અરજદારને યોગ્ય બેન્કિંગ પ્રક્રિયા દ્વારા નાણા પરત કરવામાં આવશે. વાહનની ખરીદી માટે હજ્જારો લાખો રૂપિયાની ખરીદી કરનાર શોખીન નંબર માટે પણ ગજબનો શોખ ધરાવે છે. અગાઉ પસંદગીના નંબર માટે શામ, દામ, દંડ, ભેદના ખેલ થતાં હતા. ભ્રષ્ટાચાર, લાગવગ અને મન દુ:ખથી લઈ મારામારી સુધી પહોંચતો આ શોખ બાદ વાહન ચાલકોને પસંદગીના નંબર માટેની સ્વાયતતા આપી 1, 5, 9, 786, 302 જેવા નંબર માટે અલગ અલગ સ્થળે ક્યારેક-ક્યારેક વાહનથી પણ વધારે કિંમતની ચૂકવણી થઈ હોવાના ઈતિહાસ રચાયા છે. સરકારને પસંદગી નંબર મારફત હજારો નહીં લાખો અને કરોડોની આવક થાય છે.

ગોલ્ડન નંબર માટે અપસેટ કિંમત રૂ.40,000

ગોલ્ડન નંબરોમાં 1, 5, 7, 9, 11, 99, 111, 333, 555, 777 ,786 , 999, 1111, 1234, 2222, 3333, 4444, 5555, 7777, 8888, 9000, 9009, 9090, 9099, 9909, 9990, 9999 માટે રૂા.40,000 ભરીને ભાગ લઈ શકાશે. સીલ્વર નંબરની બોલીની શરૂઆત રૂા.15,000થી જેમાં 2, 3, 4, 8, 10, 18, 27, 26, 45, 45, 63, 72, 81, 90, 100, 123, 200, 222, 234, 300, 303, 400, 444, 456, 500, 567, 600, 678, 700, 789, 800, 888, 900, 909, 1000, 1001, 1008, 1188, 1818, 1881, 2000, 2345, 2500, 2727, 2772, 3000, 3456, 3636, 3663, 4000, 4455, 4545, 4554, 4567, 5000, 5005, 5400, 5445, 5454,6000, 6336, 6363, 6789, 7000, 7007, 7227, 7272, 8000, 8008, 8055, 8118 અને 8181 નો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.