જાતીય દુર્વ્યવહારના કેસમાં તહલકા મેગેઝિનના પૂર્વ ચીફ સંપાદક તરુણ તેજપાલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તરૂણ તેજપાલ પર છેલ્લા 8 વર્ષથી કેસ ચાલી રહ્યો છે. તેની સાથે કામ કરતી યુવતી પર લિફ્ટમાં જાતીય શોષણ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. તરુણ તેજપાલ મે 2014થી જામીન પર છે.
નવેમ્બર 2013માં તરુણ તેજપાલ પર ગોવાની ફાઈવ સ્ટાર હોટેલની લિફ્ટમાં યુવતી સાથે રેપ કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. 30 નવેમ્બર 2013ના રોજ તરુણને ગિરફ્તાર કરાયો હતો, અને થોડા સમય પછી તેને જમાનત પર રિહા કરવામાં આવ્યો હતો. આ કેસની કાર્યવાહી કરતી ગોવા પોલીસે ફેબ્રુઆરી 2014માં તરુણ વિરુદ્ધ 2846 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી હતી.
કઈ કલમો લગાવામાં આવી હતી ?
તરુણ તેજપાલ પર ભારતીય દંડ સંહિતાની કલમ 342 (ખોટી રીતે કોઈ ને રોકવું, અથવા ખોટી રીતે કોઈને કેદ કરવું), કલમ 354 (ગૌરવ ભંગ કરવા અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરવાના ઉદ્દેશથી હુમલો), કલમ 354-A
(જાતીય સતામણી), કલમ 376(2) (સત્તાનો હોદ્દો ધરાવતા વ્યક્તિ દ્વારા મહિલા પર બળાત્કાર), કલમ 376(2) (નિયંત્રણ કરી શકાય તેવી સ્થિતિમાં વ્યક્તિ દ્વારા બળાત્કાર), આ બધી કલમો હેઠળ કેસ ચાલતો હતો.